એકસ્ટ્રા અફેર

ઈલેક્ટોરલ બોન્ડ, સ્ટેટ બૅન્ક કોને છાવરી રહી છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠરાવી દઈને સોપો પાડી દીધો ત્યારે કમ સે કમ આ દેશનું હિત વિચારનારાં લોકોને તો આનંદ થયેલો જ. એ લોકોને લાગતું હતું કે, રાજકારણીઓએ ભ્રષ્ટાચારને કાયદેસરતા આપવા બનાવેલી આ સિસ્ટમને ગેરબંધારણીય ઠેરવીને દેશની બહુ સેવા કરી છે. સાથે સાથે ઈલેક્ટોરલ બોન્ડના નામે ચલાવાયેલા કાયદેસરના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટશે અને આપણા રાજકારણીઓનો અસલી ચહેરો લોકો સામે ઉઘાડો પડશે એવી આશા જાગેલી.

જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ૧૦ દિવસ પછી પણ આ આશા આશા જ છે, હજુ ફળી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ ઈલેક્ટોરલ બોન્ડને લગતી વિગતો આપવામાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા જે રીતે ઠાગાઠૈયા કરી રહી છે અને સાવ બેશરમ બનીને સુપ્રીમ કોર્ટ જેવી સર્વોપરિ સત્તાને પણ રમાડી રહી છે એ જોતાં આ આશા ક્યારે ફળશે એ ખબર નથી.

સુપ્રીમ કોર્ટ સ્ટેટ બૅન્કની રમત બરાબર સમજી ગઈ છે તેથી સ્ટેટ બૅન્ક પર બરાબર ભડકી છે કેમ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરી નથી. બૅન્કે ચૂંટણી પંચને આપેલી માહિતીમાં બોન્ડ નંબર જ નથી. ટેકનિકલ ભાષામાં કહીએ તો બોન્ડના ‘આલ્ફાન્યૂમેરિક નંબર’ સ્ટેટ બૅન્કે પૂરા પાડ્યા નથી.

સુપ્રીમ કોર્ટે એક તરફ આ મુદ્દે સ્ટેટ બૅન્કને અલ્ટિમેટમ આપીને ૨૧ માર્ચ ને ગુરુવાર સુધીમાં તમામ વિગતો આપવા ફરમાન કર્યું છે તો બીજી તરફ સ્ટેટ બૅન્કના વકીલ હરીશ સાલ્વેને ઈલેક્ટોરલ બોન્ડની કોઈ માહિતી છૂપાવી નથી એવી ખાતરી આપતી એફિડેવિટ કરવા પણ ફરમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાને ખરીદાયેલા અને વટાવાયેલા તમામ બોન્ડના ‘આલ્ફાન્યૂમેરિક નંબર’ રજૂ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ ડેટા આપવા માટે ૨૧ માર્ચની તારીખ નક્કી કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બોન્ડ્સને લગતો કોઈ ડેટા છૂપાવવવાનો નથી.

સ્ટેટ બૅન્ક આ કોડ આપશે તો ઘણા બધા ધડાકા થશે. બોન્ડના ‘આલ્ફાન્યૂમેરિક નંબર’ ખરેખર તો ઈલેક્ટોરલ બોન્ડના યુનિક કોડ છે. આ કોડ મળે તો કઈ કંપનીએ કયા રાજકીય પક્ષને દાન આપ્યું છે તેની ખબર પડશે. દાન આપનાર અને રાજકીય પક્ષ વચ્ચેની લેવડદેવડની ખબર પડશે. બંને વચ્ચેના સંબંધો અને કંપનીઓની સરકાર દ્વારા તરફેણ કરવામાં આવી છે કે નહીં તે પણ ખબર પડશે. બોન્ડ ખરીદનારી કંપનીઓ સામે ચાલી રહેલી તપાસને બોન્ડના માધ્યમથી દાન આપ્યા પછી શું અસર થઈ તેની પણ ખબર પડશે.

સ્ટેટ બૅન્ક આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણેનો ડેટા આપે છે કે પછી ફરી રમાડવા મથામણ કરે છે તેની ખબર ૨૧ માર્ચે પડી જશે પણ અત્યાર સુધીનો સ્ટેટ બેંકનો રેકોર્ડ જોતાં એ ૨૧ માર્ચે પણ કંઈક નવું તૂત ઊભું કરવા કોશિશ તો કરશે જ. સુપ્રીમ કોર્ટે છ માર્ચે ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર અને ગેરબંધારણી. ગણાવીને સ્ટેટ બૅન્કને ઈલેક્ટોરલ બોન્ડને લગતો તમામ ડેટા ચૂંટણી પંચને આપવા અને આ ડેટા લોકો જોઈ શકે એ રીતે ચૂંટણી પંચની વેબસાઈટ પર મૂકવા ફરમાન કરેલું.

સ્ટેટ બૅન્ક બધો ડેટા આપી શકાય તેમ નથી એવું બહાનું કાઢીને વાતને ટાળવા કોશિશ કરેલી પણ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં છેવટે સ્ટેટ બૅન્ક ડેટા આપવો પડેલો. ભારતના ચૂંટણી પંચે ૧૪ માર્ચે ઇલેક્ટોરલ બોન્ડના ડેટાનો પ્રથમ સેટ વેબસાઈટ પર મૂક્યો અને ૧૭ માર્ચે ઈલેક્ટોરલ બોન્ડના ડેટાનો બીજો વેબસાઈટ પર મૂક્યો પણ આ ડેટા અધૂરો હતો. સ્ટેટ બૅન્ક ઈલેક્ટોરલ બોન્ડની આખી પ્રક્રિયા પર ઢાંકપિછોડો કરતી હોય તેમ અધૂરી માહિતી આપી હતી.

ભારતીય ચૂંટણી પંચે ૧૪ માર્ચ ૨૦૧૪મા રોજ તેની વેબસાઇટ પર બે યાદી અપલોડ કરી હતી. પહેલી યાદીમાં બોન્ડ ખરીદનારા લોકોના નામ હતા. આ તમામ બોન્ડ ૧૨ એપ્રિલ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે ખરીદવામાં આવ્યા હતા. યાદીમાં બોન્ડની તારીખ અને કિંમત વિશે માહિતી હતી. બીજી યાદીમાં રાજકીય પક્ષોના નામ, દરેક બોન્ડની રકમ અને તારીખ જાહેર કરવામાં આવી હતી. આ યાદી પ્રમાણે રાજકીય પક્ષોએ કુલ ૧૬,૪૯૨ કરોડ રૂપિયાના બોન્ડ વટાવીને રોકડી કરી હતી ને તેમાં ભાજપ ૮,૨૫૦ કરોડ રૂપિયાનું દાન મેળવીને ટોપ પર હતો.

આ યાદીમાં લોટરી કિંગ સેન્ટોનિસા માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગે સૌથી વધુ ૧,૩૬૮ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે. મેઘા એન્જિનિયરિંગ (એમઈઆઈએલ) બીજા નંબરની સૌથી મોટી દાતા કંપની હતી. ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પણ મોટી સંખ્યામાં કરોડો રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. રિલાયન્સ અને અદાણી ગ્રૂપનાં નામ આ યાદીમાં નહોતાં પરંતુ તેમની સાથે સંકળાયેલી બીજી કંપનીઓએ પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. આ યાદીમાં સૌથી વાત એ હતી કે, ૨૧ કંપનીઓ એવી હતી કે જેમણે ઇડીના દરોડા પછી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા અને રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા.

સ્ટેટ બૅન્કે આ માહિતી તો આપી દીધી પણ તેમાં બે મહત્ત્વની માહિતી મિસિંગ હતી. પહેલી વાત એ કે, ક્યા બોન્ડ કોણે વટાવ્યા તેની કોઈ માહિતી નહોતી અપાઈ. દરેક બોન્ડનો યુનિક કોડ અપાય તો આ માહિતી બહાર આવે. બોન્ડ ખરીદનાર અને તેને વટાવનાર બંનેની ઓળખ એક સાથે છતી નહોતી થતી. આ સિવાય માર્ચ ૨૦૧૮ અને એપ્રિલ ૨૦૧૯નો ઈલેક્ટોર બોન્ડને લગતો કોઈ ડેટા નહોતો અપાયો. આ ગાળામાં જ લગભગ ૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના બોન્ડ વેચાયા અને વટાવાયા.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બૅન્ક આ બધી માહિતી આપે છે કે પછી નાગાઈ કરીને હાથ અધ્ધર કરી નાંખે છે એ જોવાનું રહે છે. મોટા ભાગે તો બીજી શક્યતા વધારે છે.

સ્ટેટ બૅન્કનું વર્તન શંકાસ્પદ છે. સ્ટેટ બૅન્ક કોને છાવરવા મથી રહી છે એ સવાલ પણ ઊઠે જ છે. કરુણતા એ છે કે, આ સવાલનો જવાબ બધાં જાણે છે પણ કોઈનામાં બોલવાની હિંમત નથી. આ સંજોગોમાં એકલી સુપ્રીમ કોર્ટ શું કરી શકશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button