Loksabha election 2024: એમએનએસનો કેમ આટલો મોહ?
ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓ સામે અત્યાર સુધી અત્યંત દુર્ભાવનાયુક્ત વર્તન કરનારા રાજ ઠાકરે સામેનો આક્રોશ બીજેપીને ભારે પડશે
વિપુલ વૈદ્ય
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને બીજેપીના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્રની મહાયુતીના ઘટક પક્ષોની લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંતિમ તબક્કામાં પહોંચી ત્યારે અચાનક તેમાં મનસેની એન્ટ્રી થઈ છે અને તેને કારણે ફરી બેઠકોની વહેંચણી વિલંબમાં પડી છે. આ બધાની વચ્ચે એવો એક સવાલ ઉપસ્થિત થાય છે કે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોનું ભારે સમર્થન ધરાવતા બીજેપી માટે મનસેને મહાયુતીમાં સામેલ કરવાનું મહત્ત્વ કેમ આટલુું બધું છે? શું મનસેને મહાયુતીમાં સામેલ કરવાથી મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોનો ટેકો ગુમાવવાનો વારો ભાજપને આવશે? ભાજપ રાજ્યમાં 2.5 ટકા મતો મેળવવા માટે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહારમાં કેટલા મતો ગુમાવશે?
મુંબઈમાં ઉત્તર ભારતીયો અને ગુજરાતી-મારવાડી મળીને વસ્તીના 65 ટકા છે અને ભાજપના સૌથી મોટા સમર્થક આ વર્ગના લોકો જ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથેની યુતિ તૂટી ગઈ અને અત્યારે એકનાથ શિંદે સરકાર સાથે હોવા છતાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠી મતો મેળવવામાં બીજેપીને અત્યારે સંકટ જણાઈ રહ્યું છે અને લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં 45થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખનારા ભાજપ માટે આ સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે.
રાજ ઠાકરેને મહાયુતિમાં સામેલ કરવાની પાછળ બે મોટા મહત્ત્વના મુદ્દા કામ કરી રહ્યા છે. પહેલું બીજેપીને ઠાકરે અટક મળશે અને આ અટકનો મહારાષ્ટ્રમાં હજી થોડું વજન છે. બીજું 2019ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેને 12,42,135 મત મળ્યા હતા, જે લગભગ 2.5 ટકા જેટલા થવા જાય છે. આની પહેલાં 2009ની લોકસભાની ચૂંટણીમાં 11 ઉમેદવાર ઊભા કર્યા હતા અને તેમને 15.04 લાખ એટલે કે 4.07 ટકા મતો મળ્યા હતા. આની પહેલાં 2009માં મનસેના 13 વિધાનસભ્યો ચૂંટાયા હતા અને તેમને 5.71 ટકા મત મળ્યા હતા.
આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં મનસેને સાથે રાખવાનો જુગાર ભાજપને થોડા વધારાના મતો મેળવી આપવા માટે લાભદાયક ઠરી શકે છે.
અત્યાર સુધી મનસેથી અંતર રાખવા પાછળનું બીજેપીનું સૌથી મોટું કારણ હતું રાજ ઠાકરેના પરપ્રાંતીઓ સામેની આક્રમક ભૂમિકા. રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોને ગાળો ભાંડવામાં, પરીક્ષા આપવા માટે આવી રહેલા ઉત્તર ભારતીય વિદ્યાર્થીઓની મારપીટ કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. આથી આ સમાજ રાજ ઠાકરે પ્રત્યે અસુયા ધરાવે છે.
ગુજરાતીઓ અને જૈનોને વિતાડવામાં પણ રાજ ઠાકરેએ કશું બાકી રાખ્યું નથી. ગુજરાતીઓની દુકાનો પર કાળો ડામર ચોપડવો, ગુજરાતીઓની સોસાયટીઓની બહાર ધમાલ કરવી, પર્યુષણ દરમિયાન દેરાસરોની બહાર માંસનું વેચાણ કરવું, દેરાસરની બહાર માંસ-મટન પકાવીને તેમની લાગણીઓ દુભવી હતી. આટલા વર્ષે પણ ગુજરાતીઓ અને જૈનો તેમની સાથે રાજ ઠાકરેએ કરેલી વર્તણૂંક ભૂલે એમ નથી. આવી સ્થિતિમાં બીજેપી 2.5 ટકા મતની લ્હાયમાં બીજેપી મુંબઈમાં 65 ટકા વસ્તી ધરાવતા ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓના અડધા મત પણ ગુમાવશે તો મુંબઈમાં લોકસભાનો એકેય ઉમેદવાર વિજયી થશે નહીં એ પાક્કું છે.
મુંબઈમાં થનારા નુકસાનથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહારમાં પણ થવાની શક્યતા જોવાઈ રહી છે, કેમ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો આજની તારીખે પણ રાજ ઠાકરેને લોકો ધિક્કારે છે. રાજ ઠાકરે અયોધ્યા જવાના હતા ત્યારે પણ તેમની સામે જે વિરોધ જાગ્યો હતો તેના પરથી પણ બીજેપીએ બોધપાઠ લીધો હોત તો આટલી મોટી ભૂલ કરી ન હોત એવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.