રાજકોટમાં એસબીઆઈ બેંકની શાખામાં આચારસંહિતાનો ભંગઃ કોંગ્રેસની પોસ્ટર ફાડ ઝુંબેશ
રાજકોટઃ ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જાય છે અને તેના અંગે જિલ્લા કલેકટરે દરેક સરકારી અધિકારીઓની મીટીંગ બોલાવી આદર્શ આચાર સહિતનો કડક અમલવારી કરવા આદેશ કર્યો હતો. આમ છતાં જિલ્લા કલેકટરનો આદેશનો ઉલાળીયો કરી અમુક સરકારી કચેરીઓ અને રાજકોટ શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખાઓમાં પ્રધાનમંત્રીના ફોટાઓ યથાવત રાખી આચાર સહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની ફરિયાદ કોંગ્રેસે કરી હતી.
આ અંગે રાજકોટના સિનિયર કોંગ્રેસ આગેવાનો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ અને કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાને શહેરની ગુંદાવાડી શાખા, ભક્તિનગર શાખા, જીમખાના શાખામાં દોડાવતા ફરિયાદમાં તથ્ય જણાતા ગુંદાવાડી બ્રાન્ચ મેનેજર નવનીત કુમારને પ્રધાનમંત્રીના ફોટા હટાવવાનું કહેતા તેઓએ જણાવ્યું કે મારે આચારસંહિતાની અમલવારી કરવાની કે બેંકનું કામ કરવાનું ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું અત્યારે આચારસંહિતાનું જ કામ કરવાનું થાય છે અને તાત્કાલિક બેનર હટાવો આચાર સહિતાનો ભંગ થાય છે.
આ મુદ્દે બ્રાન્ચ મેનેજરે કહ્યું કે પછી ઉતારી દેવામાં આવશે પરંતુ કોંગ્રેસ આગેવાનોએ બેનર અત્યારે જ હટાવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરતા બ્રાન્ચ મેનેજરને બેનર હટાવવાની ફરજ પડી હતી. ભક્તિનગર શાખામાં પણ આ પ્રકારે બેનર લાગેલ હોય બ્રાન્ચ મેનેજરને જણાવતાં અને આચારસંહિતાને યાદ તાજી કરાવતા તાત્કાલિક બેનર હટાવાયું હતું, પરંતુ જીમખાનાના બ્રાન્ચ મેનેજરને પ્રધાનમંત્રીના ફોટા સાથેનું બેનર હટાવવાનું જણાવતા કોંગ્રેસના આગેવાનોને બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે અત્યારે તમારી હાજરીમાં તો બેનર નહીં ઉતરે આવી શેખી મારી હતી.
જોકે, આચારસંહિતાના ખુલેઆમ ભંગ કરી ચોર કટવાલને દંડે એવી નીતિ અખત્યાર કરનાર ભાજપના એજન્ટ બનીને કામ કરનાર બ્રાન્ચ મેનેજર શાસક પક્ષની તરફેણ કરતા હોવાને પગલે કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીને આ અંગે જાણ કરી હતી અને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એન્ટ્રી પડાવી પોલીસની મોબાઈલ બોલાવવાની ફરજ પડતા બ્રાન્ચ મેનેજરની શાન ઠેકાણે આવી ગઈ હતી.
રાજકોટ શહેરની તમામ બ્રાન્ચમાંથી પ્રધાનમંત્રી જન ધન યોજનાના જે બેનરો મારેલ છે તેમાં પ્રધાનમંત્રીના ફોટાઓ સાથે આચારસહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોય બેંકના રિજનલ મેનેજરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે અને બ્રાન્ચ મેનેજરોના વિપક્ષ કે કોઈ પણ જાગૃત નાગરિકો સાથે આ પ્રકારનું ઉધ્ધતાઇપૂર્વકનું વર્તન કરશે તો ચૂંટણી પંચ કમિશનરને લેખિત ફરિયાદ કરી આવા મેનેજરોને ઘર ભેગા કરવા રજૂઆત કરાશે.
કોંગ્રેસના આગેવાનોની જે કાંઈ આચારસંહિતા ભંગની ફરિયાદો મળે તે કલેકટર કચેરીની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવી તટસ્થ રીતે આદર્શ આચાર સહિતનો અમલવારી કરાવે. 12 કલાક પહેલા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ રાજકોટ કચેરીએ લાગેલું પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનું પોસ્ટર નહીં હટાવતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પોસ્ટર ફાડ ઝુંબેશમાં પોસ્ટરને ફાડી નાખ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના એજન્ટ બનીને દલાલીનું કામ કરનારા અધિકારીઓ સાનમાં સમજી જાય અન્યથા જોયા જેવી થશે. ચૂંટણીને હજુ લાંબો સમય હોય ત્યારે શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ આચાર સંહિતાનો ભંગ થતો હોય તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.