મહારાષ્ટ્રમાં 3 પાલિકા કમિશનરની નિમણૂક, ચહલ પછી નવા કમિશનરની વરણી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી ચૂંટણી પંચના આદેશને પગલે મુંબઈ મહાનગર પાલિકાએ બે એડિશનલ કમિશનરની બદલીની જાહેરાત કરી હતી, ત્યાર બાદ આજે મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે મુંબઈ, થાણે, નવી મુંબઈના કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. મુંબઈ મહાનગર પાલિકાના પૂર્વ કમિશનર ઈકબાલ સિંહ ચહલને ચૂંટણી પંચે હટાવ્યા પછી ભૂષણ ગગરાણીની નિમણૂક કરી છે.
ચૂંટણી પંચે પાલિકાના કમિશનરપદે ચહલને હટાવ્યા પછી તેમના સ્થાને અન્ય ત્રણ સનદી અધિકારીના નામ પાઠવ્યા હતા, જેમાં મુખ્ય પ્રધાનના એડિશનલ ચીફ સેક્રેટરી ભૂષણ ગગરાણી, મુંબઈ મેટ્રોપોલિટનના કમિશનર સંજય મુખરજી અને બેસ્ટના જનરલ મેનેજર અનિલ દિગ્ગીકરનો સમાવેશ થયો હતો. જોકે, આ ત્રણ નામમાંથી ગગરાણીની નિમણૂક અપેક્ષા પ્રમાણે થઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રની ત્રણ પાલિકાના કમિશનરની 20મી માર્ચથી અમલી બનતા નિમણૂક કરવામાં આવી રહી છે, જેમાં સૌથી પહેલા મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરપદે ભૂષણ ગગરાણીની નિમણૂક કરવામાં આવી છે.
થાણે મહાનગર પાલિકાના કમિશનર તરીકે સૌરભ રાવ અને નવી મુંબઈ પાલિકાના કમિશનરપદે કૈલાશ શિંદેની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, આ ત્રણેય કમિશનર આ કામગીરી સહિત અન્ય કોઈ કામગીરી કરી શકશે નહીં, એમ આદેશમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનરે 19મી માર્ચના રોજ લખેલા પત્રમાં ફેરફાર કરવા અંગે ભારતના ચૂંટણી પંચને જાણ કરી હતી. સોમવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવને પાલિકાના ભૂતપૂર્વ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અમુક ડેપ્યુટી અને એડિશનલ કમિશનરની બદલી કરવા માટે પત્ર લખ્યો હતો.