બેકારોને દાઝ્યા પર ડામઃ કુબેર ડીંડોરે કહ્યું જોડાવવું હોય તો જોડાઓ નહિંતર ઘરે બેસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં દાઝ્યા પર ડામ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા ઉમેદવારોને ગુજરાતના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરના તુમાખીભર્યા શબ્દો સાંભળવા પડ્યા હતા. ‘નોકરીમાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહો’ એવા શબ્દો સાથેનો શિક્ષણપ્રધાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. રાજ્યમાં એક તરફ જ્યાં બેકારીનો આંકડો ઉપર જઇ રહ્યો છે ત્યારે ભાજપ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડી છે, જે અગિયાર મહિનાના કરાર પર હોવાથી હજારો ઉમેદવારો સરકાર સામે રોષે ભરાયા છે.
કેટલાક ઉમેદવારો યોજના રદ કરવાની અને શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર પાસે રજૂઆત માટે ગયા હતા, જો કે એ વખતે તેઓ ઉમેદવારો પર જ ગુસ્સે થયા અને કહ્યું હતું કે ન જોડાવું હોય તો ઘરે બેસી રહેજો.
એક શિક્ષણ પ્રધાનનું આવું વર્તન ગુજરાતીઓની વિનમ્રતાની છાપને છાજે એવું ન હોવાથી સોશિયલ મીડિયામાં ટીકાઓની ઝડી વરસી હતી.
બેરોજગાર યુવાઓનું દર્દ કોઇ સમજવા તૈયાર નથી. નોકરીની રાહ જોઇને બેઠેલા લોકો માટે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાની તક તો આવી છે, પરંતુ તેઓને કાયમી કરાશે કે નહીં તે વાતનો હજુ રાજ્ય સરકાર પાસે જવાબ નથી. TET-TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની આ અવદશા છે કે રજૂઆત કરવા જતાં આવા કડવા વેણ સાંભળવા મળ્યા. ભવિષ્યના શિક્ષકોનું ભાવિ જ આવું અંધકારમય હોય અને શિક્ષણ રાજ્યનો એક ગંભીર વિષય ગણાતો હોય ત્યારે શિક્ષણ પ્રધાનના આવા વચન બાણોથી વિદ્યાર્થીઓ જે શિક્ષક બનવાની રાહ જોઇ રહ્યાં હતા તેમના મગજ પર વિપરિત અસર થતી હોવાની અને સરકારની તુમાખીનો ખોટો સંદેશો જતો હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.