નેશનલ

Zomato Green Fleet: શુદ્ધ શાકાહારીઓ માટે Zomatoએ અલગ ડિલિવરી સર્વિસ શરૂ કરી, વિરોધ થતા સ્પષ્ટતા કરી

નવી દિલ્હી: ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomato હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, મંગળવારે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દીપેન્દ્ર ગોયલ(Deepinder Goyal)એ જાહેરાત કરી હતી કે પ્યોર વેજ ફૂડ(Pure veg food)ને પ્રાધાન્ય આપતા ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ‘પ્યોર વેજ મોડ'(Pure Veg Mode) સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પ્યોર વેજ ફૂડ ડિલીવર કરતા કર્મચારીઓના યુનિફોર્મ પણ લાલને બદલે લીલા રંગના હશે. કંપનીના આ નિર્ણયની ઘોષણા બાદ વિરોધ ઉઠ્યો હતો, જે બાદ કંપનીએ યુનિફોર્મ અંગે નિર્ણય પાછો ખેંચ્યો છે.

Zomato ના CEO દીપિન્દર ગોયલે આજે સવારે સોશિયલ મીડીય પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “અમે પ્યોર વેગ ફ્લિટ અંગેનો નિર્ણય જાહેરાત મુજબ યથવાત રાખીશું, અમે ડિલીવરી એજન્ટ માટે લીલા યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચી રહ્યા છીએ. રેગ્યુલર અને પ્યોર વેજ ડિલીવરી એજન્ટ્સ એક જ જેવા લાલ રંગના કપડામાં જોવા મળશે.”

ગોયલે અગાઉ જાહેરાત કરી હતી કે શુદ્ધ શાકાહારી પસંદ કરતા ગ્રાહકોની માંગને પ્રતિસાદ આપતા અમે ‘પ્યોર વેજ ફ્લીટ’ લોન્ચ કરી રહ્યા છીએ. ઝોમટોના પ્યોર વેજ ડિલીવરી એજન્ટ્સ લીલા રંગના કપડામાં જોવા મળશે અને તેમની સાથે લીલા રંગના બોક્સ હશે.

આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્સ Zomato ટ્રેન્ડ થવા લાગ્યું હતું. સંખ્યાબંધ યુઝર્સ વિરોધ કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે આ નિર્ણય જાતિગત વિભાજનને વધુ પ્રોત્સાહન આપશે. લોકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે કેટલીક સોસાયટીઓ અને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનો દ્વારા ઝોમેટોના લાલ પકડા પહેરતા એજન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

જાણીતા પત્રકાર અને માનવ અધિકાર કાર્યકર્તા સુચેતા દલાલે X પર ઝોમટોની ઝાટકણી કાઢતા લખ્યું કે, ‘આવા વિભાજનકારી નિર્ણયો વિશે ચર્ચા થવી જરૂરી છે. શું તેમનું બોર્ડ આવા નિર્ણયોની ચર્ચા કરે છે? શુદ્ધ જૈન ડિલિવરી ‘એક્ઝિક્યુટિવ્સ’? ખરેખર? અમુક ધર્મના લોકો પાસેથી ડિલિવરી ન સ્વીકારવાની ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે!!’

X પર ઘણા યુઝર્સે ઝોમટોના બોયકોટની માંગ કરી રહ્યા છે. ત્યાર બાદ કંપની નિર્ણય આંશિક રીતે પાછો ખેંચ્યો છે.

Zomatoના CEO દીપિન્દર ગોયલે પોસ્ટમાં કહ્યું, “અમને હવે સમજાયું છે કે અમારા કેટલાક ગ્રાહકો તેમના મકાનમાલિકોને કારણે મુશ્કેલીમાં આવી શકે છે અને જો અમારા કારણે આવું થશે, એ યોગ્ય નહીં હોય. અમારા તમામ રાઇડર્સ લાલ રંગના કપડાજ પહેરશે, શાકાહારી ઓર્ડર ડિલીવરી કરતો કર્મચારી અલગ નહીં દેખાય. “

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button