શેરબજારમાં મૂંઝવણનો માહોલ; ફેડરલ પર નજર સાથે સેન્સેકસ અટવાયો
![Stock Market Updates: Sensex, Nifty trade flat](/wp-content/uploads/2023/12/Stock-Market-4.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં મંગળવારના જોરદાર ધોવાણ બાદ આજના પ્રારંભિક સત્રમાં સુધારાનો સળવળાટ જોવા મળ્યો હતો. સેન્સેકસમાં ૨૦૦ પોઇન્ટ જેવો સુધારો હતો, જ્યારે નિફ્ટી ૨૧,૮૫૦થી આગળ વધ્યો હતો. રિલાયન્સ પાવરમાં ચાર ટકા જેટલો અને મારુતિના શેરમાં બે ટકા જેવો ઉછાળો હતો.
સંસ્થાકીય લેવાલી અને સારી પ્રવાહિતાના ટેકાને આધારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી અગાઉના સત્રમાં ભારે વેચવાલી પછી બુધવારે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા. ખાસ કરીને ઓટો અને એનર્જી શેરોમાં ઉછાળો આવ્યો હતો અને યુએસ ફેડરલ રિઝર્વના દરના નિર્ણય પહેલા એશિયન શેરબજારોમાં આવેલા સુધારાને કારણે સ્થાનિક સેન્ટિમેન્ટ માં સુધારો જોવા મળ્યો હતો.
જોકે આ સુધારો ઝાઝો ટકી શક્યો નહોતો અને સેન્સેકસ ફરી ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો જ્યારે નિફ્ટી ૨૧,૮૦૦ની નીચે સરક્યો હતો. વ્યાપક બજાર સૂચકાંકો પહેલેથી જ બેકફૂટ પર હતા કારણ કે તેમાં નજીવો ઘટાડો થયો હતો, આમ બેન્ચમાર્ક સૂચકાંકો સામે તે અન્ડરપરફોર્મ કરી રહ્યા હતા.
બજારના અભ્યાસુઓ અનુસાર ગઈકાલે બજારમાં જોવા મળેલો ઘટાડાનો ટ્રેન્ડ નોંધપાત્ર વલણ છે. સંસ્થાઓએ મોટાપાયે લેવાલી કરી હતી ત્યારે પણ નિફ્ટીમાં 1% કરતા વધુનો કડાકો જોવા મળ્યો હતો. DII બાઇંગ રૂ. 7449 કરોડ અને FIIની ખરીદી રૂ. 1421 કરોડ હતી.
ટાટા સન્સ દ્વારા થયેલા ટિસીએસના શેરોની બલ્ક સેલિંગ ને કારણે આ સંસ્થાકીય લેવાલી પર પાણી ફરી વળ્યુ હતું, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે HNIs અને છૂટક રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ થયું છે જેણે બજારને નીચે ખેંચ્યું છે.
વ્યાપક બજારમાં એલિવેટેડ વેલ્યુએશન અંગે સેબીની ચેતવણીએ આ પ્રોફિટ બુકિંગમાં ભૂમિકા ભજવી છે. ફેડરલના દરનો નિર્ણય, વધુ મહત્ત્વપૂર્ણ રીતે ફેડરલની ટિપ્પણી આજે રાત્રે મધર માર્કેટ યુએસમાં વલણ નક્કી કરશે, અને તેના પર બજારની દિશાનો આધાર રહેશે.