વેપાર અને વાણિજ્ય

ડૉલર મજબૂત થતાં સોનામાં ₹ ૨૪નો અને ચાંદીમાં ₹ ૩૧૨નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ફેડરલના નિર્ણય પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલો વચ્ચે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩થી ૨૪નો સાધારણ ઘસરકો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે સ્થાનિકમાં સોનાના ભાવમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ પણ ૦.૫ ટકા જેટલા ઘટી આવ્યા હોવાથી સ્થાનિકમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ ઘટીને ફરી રૂ. ૭૪,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સટ્ટાકીય વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ના ઘટાડા સાથે રૂ. ૭૩,૮૪૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત પ્રવર્તમાન હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪ ઘટીને રૂ. ૬૫,૩૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩ ઘટીને રૂ. ૬૫,૫૮૯ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધતાં લંડન ખાતે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૧૫૩.૬૦ ડૉલર અને ૨૧૫૭.૩૦ ડૉલર આસપાસ અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકનો આરંભ થનાર હોવાથી બેઠકની ફળશ્રુતિ પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા એકંદરે કામકાજો પણ પાંખાં રહ્યા હતા. ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મુકાઈ રહી છે તેમ છતાં રોકાણકારોની નજર ફેડરલ દ્વારા મૂકાનારા આર્થિક અને વ્યાજદરના અંદાજો પર સ્થિર થઈ હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૧૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને ફેડરલના નિર્ણય પૂર્વે ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના ફુગાવાની જાહેરાત થયા બાદ સોનાના વૈશ્ર્વિક ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો