ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટીમાં ભારે વેચવાલીનું દબાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડીને ૮૩ની સપાટી કુદાવીને ૮૩.૦૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૨.૯૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૫ અને ઉપરમાં ૮૨.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૩ પૈસા ગબડીને ૮૩.૦૩ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે, પરંતુ વ્યાજદરમાં કપાત આગામી જૂન સુધી કે જુલાઈ સુધી વિલંબિત કરે છે તેનાં પર બજાર વર્તુળોની નજર હોવાથી ટ્રેડરોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪૧ ટકા વધીને ૧૦૩.૬૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું. વધુમાં જે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૩૬.૩૭ પૉઈન્ટનો અને ૨૩૮.૨૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૦૫૧.૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.