સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે કવિતા…
૨૧ માર્ચ ‘વિશ્ર્વ કવિતા દિવસ’ના અવસરે
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
‘પરમાત્મા જ કવિના ઉર આંગણામાં વાણીનું નર્તન કરાવે છે’ આ વિધાન છે રામભોલા દુબે ઊર્ફે સંત -કવિ તુલસીદાસજીનું..!
પ્રેમ અને સુંદરતા વ્યક્ત કરવા માટે કવિતા કરતાં વધુ સારું માધ્યમ કોઈ નથી. સ્ત્રીની પવિત્રતા હોય, સુંદરતા હોય કે પછી પ્રેમની તીવ્રતા હોય આ બધી વાતને કવિતા દ્વારા સુંદર શબ્દોમાં રજૂ કરવામાં આવે છે.
જીવનમાં કવિતાનું મહત્ત્વ સમજાવવા માટે દર વર્ષે ૨૧ માર્ચનો દિવસ ‘વિશ્ર્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્ર્વભરના લોકો કવિતાના વાચન, લેખન અને પઠન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કવિતા દિવસની ઉજવણી કરે છે. કવિતા દિવસનો ઉદ્દેશ કવિતાના વાચન, લેખન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.આ દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કવિતાની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. વિશ્ર્વભરના કવિઓ, કવયિત્રીઓનું સન્માન અને સમર્થન કરવા માટે આ દિવસ ઉજવાય છે. કવિઓ અને કવિતાઓના સર્જનાત્મક ગૌરવને માન આપવાનો તથા ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા અને લુપ્ત થતી ભાષાઓને બચાવવાના આશયથી કવિતા દિવસની ઉજવણી થાય છે..
કવિતા માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તે પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. તેના અસ્તિત્વને જાળવી રાખવા માટે કવિતા દિવસની ઉજવણી જરૂરી છે. દર વર્ષે આ વિશ્ર્વ કવિતા દિવસ અલગ અલગ થીમ (વિષય) સાથે ઉજવવામાં આવે છે. આ ૨૦૨૪ની થીમ (વિષય) છે : Standing on the Shoulders of Giants.
કવિતા હંમેશાં જીવનનો આવશ્યક ભાગ રહી છે.ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરવા માટે તેને હંમેશાં સર્વોપરી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેથી જ મીરાંબાઈએ એમની કવિતાઓમાં કૃષ્ણની ભક્તિ અને પ્રેમને ભક્તિના પાસાથી શણગાર્યા છે. મીરાંના મનમાં કૃષ્ણ વિશે એક વિશેષ છબી હતી. નાનપણથી લઈને મૃત્યુ સુધી મીરાં માત્ર કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ માનતી હતી.મીરાંએ કૃષ્ણ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ અને પ્રેમ વિશે અનેક કવિતાઓ રચી છે.ગુજરાતી સાહિત્ય જગતમાં મીરાં ઉપરાંત બીજા ઘણા કવિઓ આવું કામ કરી ગયા છે.
કવિતા એ હૃદયની સૌથી નજીકની વસ્તુ છે. જે વાત આપણે અનેક પાનામાં લખીને વ્યક્ત કરી શકતા નથી,તે કવિતાની એક પંક્તિ કરી બતાવે છે.સત્તાને પડકારવાનું કામ,લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવાનું કામ અને હૃદયને પીગળાવવાનું કાર્ય કવિતા કરી શકે છે.હૃદયના ઊંડા ખૂણે છુપાયેલા ભાવને બહાર લાવવા માટેનું એકમાત્ર સાધન છે કવિતા.
કવિતા સાહિત્યનું એક એવું રૂપ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી માનવ તત્કાલિન પરિસ્થિતિ, ઈચ્છા, સંસ્કૃતિ, દુ:ખ વગેરેને વ્યક્ત કરવા માટે થતો આવ્યો છે. કવિતા વ્યક્તિ અને વ્યક્તિત્વની રચનાત્મક બાજુને પકડે છે. સર્જકના અંગત અનુભવ લયબદ્ધ રીતે વ્યક્ત કરવા-અન્ય લોકોને પ્રેરણા આપવામાં મદદ કરે છે. કવિતા સંસ્કૃતિના સેતુ તરીકે કામ કરીને સાંસ્કૃતિક અંતર ઘટાડવાનું કામ કરે છે. તે ચોક્કસ સંસ્કૃતિ અને શૈલીને પણ સ્વીકારે છે. તેમજ જાળવણીમાં મદદ પણ કરે છે.તેથી જ માનવ જીવનમાં કવિતાનું વધુ મહત્ત્વ છે.
આજના વિશ્ર્વમાં ટેકનોલોજીના વિકાસની સાથે સાથે જીવન ઈન્ટરનેટની માયાજાળમાં ભલે ગૂંચવાઈ રહ્યું હોય,તેમ છતાં આપણું મન અને આત્મા એક સુંદર કવિતાની જરૂરિયાત ચોક્કસ અનુભવે છે. કવિતા અંદરની એવી શક્તિ છે, જે ગમે તેટલું અંધારું હોય તો પણ તેનો માર્ગ શોધી લે છે.
સંત તુલસીદાસે ‘રામચરિત માનસ’માં કવિ અને કવિતા વિશે વિધાન કરતા કહ્યું છે : ‘પરમાત્મા જ કવિના ઉર આંગણામાં વાણીનું નર્તન કરાવે છે.’ જ્યારે કવિનું હૃદય અઢળક પ્રેમથી છલોછલ ભરાઈ જાય અને પ્રેમ ઊભરાવા લાગે ત્યારે શબ્દનું આવરણ ઓઢીને કાવ્ય વાણીના રૂપમાં પ્રગટે છે.
ઈતિહાસનાં પાનાં ઊથલાવીને જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે દરેક રાજાના દરબારમાં એક કે તેથી વધુ કવિ જરૂર રહેતા. કવિઓને ખૂબ જ માન – સન્માન આપવામાં આવતું હતું. એ જ કવિ કે સાહિત્યકાર જ્યારે અન્ય રાજાના દરબારમાં જતા ત્યારે ત્યાં પણ એમને ઉચિત સન્માન આપવામાં આવતું. કવિઓની વીર અને શૌર્ય રસથી ભરપૂર કવિતાના માધ્યમથી કેટલાય યુદ્ધનાં પરિણામો બદલાઈ ગયાના પુરાવા આપણા ઈતિહાસના પાને પાને નોંધાયેલાં છે.
ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત સુભદ્રા કુમારી ચૌહાણ રચિત ‘ઝાંસી કી રાણી’ કવિતાના શબ્દો વાંચતાની સાથે આજે પણ જાણે રોમરોમમાંથી શૌર્ય રસની ધારા ફૂટવા લાગે છે :
‘સિંહાસન હીલ ઉઠે, રાજવંશોને ભૃકુટી તાની થી, બુઢે ભારત મેં ભી આઈ ફિર સે નયી જવાની થી, ગુમ હુઈ આઝાદી કી કિંમત, સબને પહચાની થી, દૂર ફિરંગી કો કરને કી, સબને મન મેં ઠાની થી, ચમક ઉઠી સન સત્તાવન મેં, વહ તલવાર પુરાની થી, બુંદેલે હર બોલો કે મુંહ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી
રાની થી.’
આપણાં મહાકાવ્યો પર એક નજર કરવામાં આવે તો મહર્ષિ વેદ વ્યાસે સંસ્કૃતમાં રચેલા મહાકાવ્ય ‘મહાભારત’ માં એક લાખ કરતાં વધારે શ્ર્લોક છે.તેમાં પ્રાચીન ભારત તેમજ પાંડુ લિપિમાં ઉલ્લેખિત યુદ્ધની વાત પણ છે.તેના પર ‘ઓકસફોર્ડ’ સહિતની વિશ્ર્વની જાણીતી યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરવામાં આવ્યા છે.
મહર્ષિ વાલ્મીકિ રચિત પવિત્ર ગ્રંથ રૂપ ‘રામાયણ’ મહાકાવ્યમાં ૨૪ હજાર શ્ર્લોક છે. આ પ્રથમ સંસ્કૃત મહાકાવ્ય છે. એના કારણે વાલ્મીકિ ઋષિને આદિ કવિ કહેવામાં આવે છે. રામાયણનો પણ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
ગુપ્ત યુગમાં થઈ ગયેલા સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસને ભારતના ‘શેક્સપિયર’ કહેવામાં આવે છે.એમના જ્ઞાનને અનેક રાજાઓ પણ સ્વીકારતા. એમણે અભિજ્ઞાન શાકુંતલ- મેઘદૂત- વિક્રમોર્વશીય જેવી રચનાઓ સર્જી છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૭ કવિતાઓનો વિશ્ર્વ સ્વીકૃત સંગ્રહ એટલે ‘ગીતાંજલિ’. ૧૪મી ઑગસ્ટ ૧૯૧૦ના રોજ બંગાળીમાં પ્રસિદ્ધ મૂળ રચનાનો નવેમ્બર ૧૯૯૨માં અંગ્રેજીમાં, ત્યાર પછી વિશ્ર્વની અન્ય ભાષામાં અનુવાદ
થયો. ૧૯૧૩માં ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહના સર્જન માટે ગુરુદેવને ‘નોબલ’ પારિતોષિક એનાયત થયો..
કાવ્યાત્મક શબ્દની પ્રચંડ શક્તિ પર ભાર મૂકતા ‘યુનેસ્કો’ નોંધે છે કે, ‘કવિતા વિશે જાહેર ધ્યાન આકર્ષિત કરવાની જરૂર છે. આ ધ્યેયને હાંસલ કરવા માટે પ્રકાશન ગૃહોની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું જરૂરી છે, જે સામાન્ય શ્રોતાઓને ભાવનાત્મક રેખાઓ આપવાનો પ્રયત્ન કરે છે. સાહિત્યિક શબ્દ લોકોના મન અને હૃદયને સ્પર્શ કરે છે અને એમને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.’
‘મોગલ-અરબી-ફારસી – અંગ્રેજી ને બંગ રંગ તવ મજાના,
ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ, વિશ્ર્વ તણા
શબ્દ ખજાના…