કહેવત હોય કે ચોવક અર્થ સમાન હોય છે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
એક સરસ મજાની ચોવક સાથે આજની કોલમનો પ્રારંભ કરું છું. ચોવક છે: “સુખાંણી ધારા વાંણ ન હલે પહેલો શબ્દ છે, ‘સુખાણી’ જેનો અર્થ થાય છે: સુકાની અને બીજો શબ્દ છે ‘ધારા’ અને ‘ધારા’ એટલે સિવાય. ‘વાંણ’ એટલે વહાણ અને ‘ન હલે’ એટલે ન ચાલે. હલે એટલે ચાલે. માનું છું કે, શબ્દાર્થ સ્પષ્ટ થઈ ગયો છે કે, સુકાની વગર વહાણ ન ચાલે, પરંતુ ચોવકનો ભાવ કંઈક જૂનો છે. ચોવક એમ કહે છે કે, કોઈપણ પ્રકારનું કામ હોય, જવાબદારી હોય પણ તે અંગેની જાણકારી ન હોય તો કામમાં સફળતા ન મળે!
આપણે ગુજરાતીમાં ઘણીવાર બોલતાં હોઈએ છીએં કે, સાંભળવું બધાનું પણ કરવું પોતાનું! એ જ વાત ચોવક પણ કહે છે કે, “સુણ જે મિણીંજી કજે પિંઢજી અહીં ‘સુણ જે’ શબ્દ છે જેનો અર્થ થાય છે: સાંભળવું. ‘મિણીંજી’ એટલે બધાનું. ‘કજે’ નો અર્થ છે: કરવું અને પિંઢજી’ એટલે પોતાની કે પોતાનું! શબ્દાર્થની નજીકનો ભાવાર્થ છે કે, નિર્ણય તો પોતે જ લેવો! એનો મતલબ એમ નહીં કે, કોઈનું સાંભળવું નહીં! સલાહ-સૂચન બધાનાં લેવાં કે સાંભળવાં પરંતુ, તેમાંથી જે પોતાના હિતમાં હોય તે જ અમલમાં મૂકવું!
ફરી એક ગુજરાતી કહેવત યાદ આવે છે. ‘સિંદરી બળે પણ વળ ન છોડે’ સિંદરી જોઈ છે? એના બે દોરા પરસ્પર ગુંથાયેલા હોય છે અને એ ગૂંથણીથી જે વળ પેદા થાય છે તે સિંદરી બળે તો પણ એ જ આકાર જોવા મળે છે! ઘણા લોકો સ્વભાવથી જ વળ ખાધેલી સિંદરી જેવા હોય છે! એ જન્મજાત સ્વભાવ હોય છે. તો પણ તેમાં સુધારો કરી શકાય, પણ મૂળ સ્વભાવ એવો વળ ખાધેલો હોય છે કે, વળ છૂટો કરવો જ મુશ્કેલ બની જાય છે. કચ્છીમાં ચોવક એ જે વાત આ રીતે કહે છે: “સીંધરી બરે પ વટ ન છડે ‘સીંધરી’ એટલે સિંદરી. ‘બરે’ એટલે બળે. ‘પ’ નો અર્થ થાય છે: પણ અને ‘વટ’ નો અર્થ સિંદરી માટે ‘વળ’ થાય છે જ્યારે વ્યક્તિ માટે વટના સવાલવાળો વટ થાય છે! શબ્દાર્થ છે: મૂળ સ્વભાવ ન છોડવો.
ઋતુનો આધાર લઈને એક ચોવક એમ કહે છે કે: “સી કેં જો સગો નતો થીયે પહેલો શબ્દ જે ‘સી’ છે તેનો અર્થ થાય છે: ઠંડી. ‘કેં જો’ એટલે કોઈનો પણ. ‘સગો’ એટલે સગો. ‘નતો થીયે’ એટલે નથી થતો. મતલબ કે, શિયાળો કોઈનો સગો નથી થતો! ઠંડી તો બધાને જ પડે! શિયાળાને વ્હાલાં-દવલાં જેવું નથી હોતું. પણ ચોવક વાત તો સમયની કરતી હોય તેવું જણાય છે. સમય, જોકે બધા માટે સરખો હોય છે પરંતુ ફરક એટલો હોય છે કે, એ કોઈ માટે ‘ખરાબ’ ‘ઓછો સારો’ કે ‘ખૂબ સારો’ હોય છે. અહીં જોકે કર્મ ભાવ જોડાઈ જાય છે. પરંતુ સમયનો પ્રવાહ સૌ માટે એક સરખો વહેતો હોય છે.
ચોવકોને જોકે દરેક ભાષા સાથે ઘરવટ જેવા સંબંધ છે પણ ગુજરાતી સાથેના સંબંધો વિશેષ હોય તેવું લાગે છે. સાંભળી છે ને પેલી કહેવત? ‘સૂરજ સામે દીવો ધરવો (કરવો)’! કચ્છી ચોવક પણ એ જ અર્થ સાથે રચાઈ છે. ચોવક છે: “સિજ સામે ડીયો કેણૂં ‘સિજ’ એટલે સૂરજ. ‘સામૂં’નો અર્થ થાય છે: સામે અને ‘ડીયો’ એટલે દીવો. ‘કેણૂં’નો અર્થ થાય છે: કરવો. પણ શબ્દાર્થ અને ભાવાર્થમાં ઘણો ફરક છે. ગુજરાતી કહેવત હોય કે કચ્છી ચોવક હોય ભાવાર્થ એક સરખો જ હોય છે. આપણે સૂરજ સામે કેટલો સમય આંખ મિલાવી શકીએં? ક્ષણોમાં જ આપણી આંખોમાં તેનું તેજ ભરાય અને આપણે અંધારું અનુભવવા લાગીએ છીએં. જેનો મતલબ થાય છે કે, આપણાથી વધારે તાકાત સામે આપણી ઓછી તાકાત બતાવવી! સૂરજને નમન કરાય તે જ રીતે કર્મઠ, શક્તિશાળી કે વિદ્વાન વ્યક્તિ સામે આપણી શક્તિ ન બતાવાય, તેમને નમન કરાય!