લોકશાહીના મહાપર્વમાં થશે રૂ.1.20 લાખ કરોડથી વધુનો ખર્ચ, CMSનું ચોંકાવનારૂ અનુમાન
નવી દિલ્લી: ભારતમાં લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આ વખતે ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે તે અંગે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે(CMS) ચોંકાવનારૂ અનુમાન વ્યક્ત કર્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો અંદાજ છે કે આ વખતે સામાન્ય ચૂંટણીમાં 1.20 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચમાં ચૂંટણી પંચ દ્વારા માત્ર 20 ટકા જ ખર્ચ કરવામાં આવશે. બાકીનો ખર્ચ રાજકીય પક્ષો અને ઉમેદવારો ઉઠાવશે.
આ ખર્ચ કેટલો મોટો છે તે એ વાત પરથી સમજી શકાય છે કે સરકાર લગભગ 8 મહિના સુધી 80 કરોડ ગરીબ લોકોને મફત રાશનનું વિતરણ કરી શકે છે. જો આમ થશે તો તે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હશે. એટલું જ નહીં ચૂંટણી ખર્ચ દર પાંચ વર્ષે બમણો થઈ રહ્યો છે. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે તેના પહેલા 2014માં લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે.
એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, 2014ની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ 6,405 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. અને આમાં 2,591 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.રિપોર્ટ મુજબ, સાત રાષ્ટ્રીય પાર્ટીઓએ છેલ્લી ચૂંટણીમાં 5,544 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.
તમામ પક્ષોમાં સૌથી વધુ એકલા ભાજપને 4,057 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને રૂ. 1,167 કરોડનું ભંડોળ મળ્યું હતું જ્યારે 2019માં ભાજપે રૂ. 1,142 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસે 626 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. આ હિસાબે ભાજપને સરેરાશ 4.4 કરોડ રૂપિયામાં એક સીટ પડી છે. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી. તેથી, સરેરાશ એક સીટ જીતવા માટે તેમનો ખર્ચ 12 કરોડ રૂપિયાથી વધુ થયો હતો.
ચૂંટણી પંચ આ તમામ નાણાં ચૂંટણી પ્રક્રિયા પાછળ ખર્ચે છે. ચૂંટણી દરમિયાન, ઇવીએમ ખરીદવા, સુરક્ષા દળોની તૈનાતી અને ચૂંટણી સામગ્રી ખરીદવા જેવી બાબતો પર નાણાં ખર્ચવામાં આવે છે. ગયા વર્ષે કાયદા મંત્રાલયે 2024ની લોકસભા ચૂંટણી માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુના વધારાના ફંડની માંગણી કરી હતી. ચૂંટણી પંચ ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમેદવારો ઘણો ખર્ચ કરે છે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે 95 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. એટલે કે ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં રૂ. 95 લાખથી વધુ ખર્ચ નહીં કરી શકે. પરંતુ રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મર્યાદા નથી. આ જ કારણ છે કે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી હવે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહી છે. છેલ્લી કેટલીક સામાન્ય ચૂંટણીઓમાં ખર્ચવામાં આવેલી રકમ ઘણા દેશોના જીડીપીની બરાબર છે.
રાજકીય પક્ષો મુખ્યત્વે આ ત્રણ બાબતો પર સૌથી વધુ ખર્ચ કરે છે. પ્રથમ – પ્રચાર પર, બીજું- ઉમેદવારો પર, અને ત્રીજું – પ્રવાસ પર. ચૂંટણી પ્રચાર દરમિયાન, પક્ષોના સ્ટાર પ્રચારકો દિવસભર અનેક રેલીઓ કરે છે. આ માટે હેલિકોપ્ટર સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. 2019માં એકલા ભાજપે પ્રવાસ પર લગભગ રૂ. 250 કરોડનો ખર્ચ કર્યો હતો.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર પાછળ રૂ. 1,500 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી સાત રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 1,223 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો હતો. ભાજપે રૂ. 650 કરોડ જ્યારે કોંગ્રેસે રૂ. 476 કરોડથી વધુ ખર્ચ્યા હતા.