અમિત શાહ અને રાજ ઠાકરેની મુલાકાતઃ ઠાકરે અને શરદ પવાર જૂથે શું આપી પ્રતિક્રિયા?
મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે દિલ્હી જતાં શું હવે મનસે પણ મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) સાથે જોડાશે એવી જોરદાર ચર્ચા થઈ રહી છે. રાજ ઠાકરેની દિલ્હી મુલાકાત પર વિરોધી પક્ષ ઉદ્ધવ ઠાકરે જૂથ અને શરદ પવાર જૂથે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં હિલચાલ વધી છે. તાજેતરમાં રાજ ઠાકરે અને અમિત શાહની ભેટમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ એ બાબતની કોઈ પણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ચૂંટણી પહેલા મહાયુતિ વચ્ચે પણ સીટની વહેંચણી હજી બાકી છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ મુલાકાત અંગે કહ્યું હતું કે આ મુલાકાતથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં, પણ એક વાત સ્પષ્ટ છે કે ભાજપ પાસે મહારાષ્ટ્રમાં જીત મેળવવાનો આત્મવિશ્વાસ નથી.
ભાજપ ભલે લોકસભા ચૂંટણીમાં 400 પરનો નારો લગાવે પણ હવે તેમની પાસે 200 સીટ જીતવા જેટલો પણ આત્મવિશ્વાસ નથી. મહારાષ્ટ્રમાં ભાજપે બે પક્ષને તોડ્યા એટલે જનતા તેમને સમર્થન નથી આપતી. ભાજપના નેતાઓ કામ કરવાને બદલે માત્ર સત્તાનો ભોગ ભોગવી રહ્યા છે.
ભાજપ હવે ઠાકરેની પાર્ટી અને ઠાકરે અટક લેવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓ મહારાષ્ટ્રમાં ઝીરો છે. શિવસેનાના બે ભાગ કરી ભાજપે ગદ્દાર સેના બનાવી છે. એનસીપીને પણ તોડીને તેમને ઝીરો જ વોટ મળવાના છે અને રાજ ઠાકરેને સામેલ કરીને પણ તેઓ ઝીરો રહેશે, એવી ટીકા પ્રિયંકા ચતુર્વેદીએ કરી હતી.
રાજ ઠાકરે – અમિત શાહ મુલાકાતનું આશ્ચર્ય નથી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે ભારતીય જનતા પક્ષ સાથે ઘરોબો ધરાવતા હોવાથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની રાજ ઠાકરેની મુલાકાતથી કોઈ આશ્ચર્ય નથી થતું એવી પ્રતિક્રિયા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર) તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ડોળો છે અને ઠાકરે પોતાના પક્ષને ઉગારી લેવાની વેતરણમાં છે એમ એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું. રાજ ઠાકરેના પક્ષ એમએનએસનું ભાવિ ડામાડોળ હોવાથી આ મુલાકાત ઠાકરેના પક્ષને સંરક્ષણ આપી શકે છે એવો દાવો એનસીપી (એસપી)ના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો.
રાજ ઠાકરે મંગળવારે અમિત શાહને નવી દિલ્હીમાં મળ્યા હતા. લોકસભાની ચૂંટણી માટે ભાજપ એની સાથે કોઈ જોડાણ કરે એવી અટકળો વહેતી થઈ હતી.