નવકાર મહામંત્ર: શક્તિ અને ભક્તિનું મંગળ દ્વાર
આ મંત્ર સર્વ દુ:ખોનો હર્તા છે દિવ્ય જીવનની ચાવી છે જેના વડે મુક્તિનો માર્ગ ખૂલે છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
જીવનમાં કેટલીક વખત આપણને ક્યાં જવું છે તેની ખબર પડી જાય છે પણ રસ્તો મળે નહીં. શિખર દેખાય પણ ત્યાં પહોંચવાની કેડી દેખાય નહીં. જેના કારણે ભટકવું પડે છે. સાચો માર્ગ જડતો નથી. જૈન ધર્મમાં મનુષ્યને તેનાં આત્યંતિક શિખર પર પહોંચવા માટેનો સરળ માર્ગ બતાવ્યો છે. અને તે છે નવકાર મહામંત્ર. ધર્મનો આ સૌથી મોટો મંત્ર છે.
આ મહામંત્ર શું છે ? અને તેનું પ્રયોજન શું છે ? જીવનમાં પરિવર્તન કરનારો, જીવનનું રૂપાંતર કરનારો આ મહામંત્ર છે. આ મહામંત્રમાં દેવ, પરમાત્મા અને ગુરુને નમસ્કાર રહેલો છે. અને તેમના પ્રત્યે સમર્પણની ભાવના વ્યક્ત થયેલી છે. આ મંત્રના જાપથી સદ્ભાવના, મંગળ કામના અને એવા નિર્મળ ભાવો ઉત્પન્ન થાય છે. અને માણસમાં ગુણાત્મક પરિવર્તન ઊભું થાય છે. અને આજુબાજુના વાતાવરણમાં તેની આભા પ્રગટે છે. આવો મંગળ ભાવસભર માણસ આપણી પાસેથી પસાર થાય તો આપણામાં પણ તરંગો ઊભાં કરે છે. અને આ તરંગો એક યા બીજી રીતે આપણને સ્પર્શે છે. દરેક માણસની આસપાસ તેના ગુણધર્મોનું આભામંડળ હોય છે. આ આભામંડળને બદલાવી તેને મંગળ બનાવવાની પ્રક્રિયા જૈન ધર્મે નમસ્કાર મહામંત્ર દ્વારા બતાવી છે.
“એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો. સર્વ પાપોનો નાશ કરે તેવો આ મહામંત્ર છે. આ મહામંત્રના સ્મરણથી આપણી આસપાસનું આભામંડળ બદલાઈ જાય છે. એમાં પાપ કરવાનું અસંભવિત બની જાય છે. કોઈ પણ ખોટું કામ કરવું હોય તો ખાસ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું પડે છે. શાંત અને સ્વસ્થ રીતે ખોટું કામ કરી શકાતું નથી. મન શુદ્ધ થઈ જાય તો માણસ પાપના રસ્તે જઈ શકે નહીં. આ મંત્રનું રટણ કરવાથી મલિન વિચારો નષ્ટ થઈ જાય છે.
આ મહામંત્રમાં નમનનો, નમ્રતાનો, સમર્પણનો અને અસ્તિત્વને ઓગાળી દેવાનો ભાવ છે. આવો ભાવ હોય તો અહંકાર રહે નહીં, ગર્વ રહે નહીં, અને હું પદ રહે નહીં. માણસ સરળ અને સહજ બની જાય. માણસની આસપાસનું આભામંડળ તેની ચિત્તવૃત્તિઓ અનુસાર રચાય છે. માણસ સાચું -ખોટું, સારું- ખરાબ, શુભ – અશુભ કરે છે અને સુખ- દુખ અનુભવે છે તેના મૂળમાં આ ચિત્તવૃત્તિઓ છે. નમસ્કાર મહામંત્ર આ વૃત્તિઓને સમૂળગી બદલી નાખે છે અને તેને શુભ બનાવે છે અને સ્થિર અને શાંત કરે છે. નમનનો અર્થ છે સમર્પણ. આ માત્ર શબ્દ નથી ભાવ છે. હું અરિહંતને નમસ્કાર કરું છું અને તેના ચરણોમાં સમર્પિત છું જો આવો ભાવ દૃઢ થઈ જાય તો શબ્દોમાં, વિચારમાં અને તરંગમાં દિવ્યતાનું વાતાવરણ ઊભું થાય છે. આ મહામંત્ર સ્વયંની આસપાસનું આકાશ અને આભામંડળ બદલવાનો કીમિયો છે. નવકાર મહામંત્રનું સતત સ્મરણ કરવાથી વ્યક્તિ બદલાઈ જશે. શુભ ભાવો અશુભને દૂર કરશે. આધી, વ્યાધિ અને ઉપાધિ દૂર થશે અને મંગલમય વાતાવરણનો અનુભવ થશે.
આ નમસ્કાર મહામંત્ર શું છે તેનો અર્થ અને ભાવ શું છે તે પ્રથમ સમજવું જરૂરી છે. પાંચ નમસ્કારમાં પ્રથમ અરિહંતને નમસ્કારનો અર્થ છે જેના તમામ શત્રુઓ નષ્ટ થઈ ગયા છે. હવે એવું કશું બાકી નથી રહ્યું જેને માટે લડવું પડે. અંદર કામ નથી, ક્રોધ નથી, અજ્ઞાન નથી. આ બધા કષાયો જેને માટે લડત હતી તે બધું હવે સમાપ્ત થઈ ગયું છે. કરવાનું કે મેળવાનું બાકી રહ્યું નથી. બધું છૂટી ગયું છે. અને બધું પ્રાપ્ત થઈ ગયું છે. આવા અરિહંતને મારા નમસ્કાર.
આ મહામંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. તેમાં કોઈ તીર્થંકરનો ઉલ્લેખ નથી. કે જૈન પરંપરાનો નિર્દેશ નથી. જૈન પરંપરા વિશાળ ફલક ઉપર ઉભી છે. તે કહે છે કોઈપણ પરંપરા જ્યાં આવા અરિહંત હોય તેને મારા નમસ્કાર. આ મહામંત્ર સંકુચિત નથી. પરંતુ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી છે. આ મહામંત્રમા કોઈ વ્યક્તિ નથી પરંતુ શક્તિ છે. આ મહામંત્ર બેજોડ છે. તે કહે છે જેમણે પણ મંઝિલ પ્રાપ્ત કરી લીધી છે, જેમણે પણ કષાયો પર વિજય મેળવ્યો છે અને જેમના તમામ કર્મો છૂટી ગયા છે તેમને અમારા નમસ્કાર.
નમસ્કાર મહામંત્રમાં અરિહંત શિખર પર છે. અરિહંતનો અર્થ છે જેમણે બધા શત્રુઓ, કષાયોનો નાશ કર્યો છે. અને જેમણે બધું છોડી દીધું છે. આ વાત કદાચ આપણને ન સમજાય તો બીજી વિધાયક વાત બીજા પદમાં કહી છે. “નમો સિદ્ધાંણં આનો અર્થ છે જેમણે બધું સિદ્ધ કરી લીધું છે. બધું પ્રાપ્ત કરી લીધું છે. બંને અદ્વિતીય છે.
અરીહંત અને સિદ્ધ નિરંજન નિરાકાર છે. શું છોડી દીધું અને શું પ્રાપ્ત કરી લીધું. એ કદાચ ના સમજાય અને આપણી ભાવના ક્ષીણ ન થાય તે માટેનું ત્રીજું પદ છે આચાર્યને મારા નમસ્કાર. આચાર્યનો અર્થ છે જેમને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આચરણમાં મૂક્યું છે. જેમનું જ્ઞાન અને આચરણ એક છે.
આપણી આંખ પર પડદો હોય તો જ્ઞાન અને આચરણ પણ આપણે જોઈ ન શકીએ. આવી આપણી દયાજનક પરિસ્થિતિ હોય તો પણ આ નવકાર મંત્રના ભાવમાંથી આપણે અલિપ્ત ન રહીએ તે માટે ચોથું પદ કહ્યું છે ઉપાધ્યાયને મારા નમસ્કાર. ઉપાધ્યાયનો અર્થ છે માત્ર જ્ઞાન અને આચરણ નહીં પરંતુ સાથે ઉપદેશ. ઉપાધ્યાય એટલે એ જાણે છે એવી રીતે જીવે છે અને ઉપદેશ દ્વારા આપણને બતાવે છે. મૌનથી કેટલી વસ્તુ ન સમજાય, આચરણ ગળે ન ઊતરે તો તેમને માટે ઉપદેશ છે. તેનું શ્રવણ કરીને પણ માણસ તરી શકે છે. આ ચાર પદ સુસ્પષ્ટ રેખા છે. આ ચાર ભાવને પણ જે ન સમજી શકે તેમને માટે પણ છૂટી જવાનો માર્ગ છે. નવકાર મંત્ર આપણા ભાવને બિલકુલ ઓછો થવા દેશે નહીં. એક કદમ ચુકી ગયા તો બીજું કદમ. શિખર પર પહોંચવા માટે આ ચાર પગથિયાં છે. આ ભાવને પ્રજ્વલિત કરવા માટેનું એક પાચમું પગથિયું છે તે એકદમ સરળ છે. “નમો લોએ સવ્વ સાહૂણં આ લોકમાં જે કોઈ સાધુ છે એ બધાને મારા નમસ્કાર. સાધુ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી પણ તરી જવાય છે.
આ પાંચ પરમેષ્ઠીમાં સિદ્ધો સર્વોપરી હોવા છતાં અરિહંતોને સિદ્ધો કરતા પહેલા નમન કરવામાં આવ્યું છે. સિદ્ધોએ બધા આઠ કર્મો, ચાર ઘાતી કર્મો (જ્ઞાનવરણીય દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય )અને ચાર અઘાતી કર્મો (આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય)નો ક્ષય કર્યો છે. તેઓ ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ મોક્ષમાં છે અને આ સંસારને માત્ર પરોક્ષ પ્રેરણા અને અપ્રત્યક્ષ આદર્શની હેસિયતથી જ નિમિત છે. જ્યારે અરિહંતોના ચાર ઘાતી કર્મનો જ ક્ષય થયો છે. તેમનો ભાવ મોક્ષ થઈ ગયો છે પણ તેઓ હજુ સંસારમાં છે. તેમના બાકીના ચાર અઘાતિ કર્મોનો હજુ ક્ષય થયો નથી. પણ થવાનો છે. તેમને દ્રવ્ય મોક્ષ પ્રાપ્ત થવાનું નિશ્ર્ચિત છે. પણ હાલ તેઓ સિદ્ધોથી નીચે છે. પરંતુ સમસ્ત જગત અને પ્રાણી માત્રના ઉદ્ધાર માટે તેઓ પ્રત્યક્ષ નિમિત છે અને સંચારમાં સશરીર વિહાર કરીને તેમની નિમિત તરીકેની ભૂમિકા સીધે સીધી રીતે નિભાવી રહ્યા છે. એટલે તેમને સિદ્ધો કરતાં આગળનો ક્રમ અપાયો છે.
અરિહંતોનો આપણી સાથે સીધો સંપર્ક છે. જ્યારે સિદ્ધ ભગવંતો અપ્રત્યક્ષ રીતે આપણને પ્રેરણા આપી રહ્યા છે. અરિહંતો આપણી નજીક છે. અને સંસારના તમામ જીવોના ઉદ્વારની જવાબદારી તેમના પર છે. એટલે નવકાર પદમાં સિદ્ધો કરતા અરિહંતોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આમ છતાં આ પાંચ પરમેષ્ઠીઓનું એની રીતે અનેરું મહત્ત્વ છે.
આ પાંચ પદમાં દરેક માણસ સમાઈ જાય છે. આનો ભાવ અનેરો છે. આની પવિત્રતા અને દિવ્યતા અનોખી છે. આ મંત્ર સર્વ દુ:ખોનો હર્તા છે. સુખ શાંતિ આપે છે અને જીવનને પરિવર્તિત કરે છે, સુધારે છે. આ નમસ્કાર મહામંત્ર દિવ્ય જીવનની ચાવી છે. જેના વડે મુક્તિનું દ્વાર ખૂલે છે.