એકસ્ટ્રા અફેર

પશુપતિ પારસ સાથે કોમેડી થઈ ગઈ કે ટ્રેજેડી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રાજકારણમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે તેમને કોમેડી કહેવી કે ટ્રેજેડી કહેવી એ ખબર જ ના પડે. બિહારમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ દ્વારા લોકસભાની ૪૦ બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી તેમાં કેન્દ્રીય પ્રધાન પશુપતિનાથ પારસ સાથે એવું જ થઈ ગયું. એનડીએના નેતાઓ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, બિહારની ૪૦ લોકસભા બેઠકોમાંથી ભાજપ ૧૭ બેઠકો પર અને જેડીયુ ૧૬ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર)ને પાંચ બેઠક આપવામાં આવી છે.

જીતન રામ માંઝીની પાર્ટી હિંદુસ્તાની અવામ મોરચા (હમ)ને એક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએમને પણ એક-એક બેઠક અપાઈ છે પણ ચિરાગના કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ બેઠક આપવામાં આવી નથી. એનડીએના નેતાઓ દ્વારા બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત કરવા બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પશુપતિ પારસના પક્ષો કોઈ નેતા હાજર નહોતો એ જોતાં પશુપતિ પારસનું પત્તુ કપાઈ ગયું છે એવું કહી શકાય.

પશુપતિનાથ પારસ કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાન છે અને ચિરાગ પાસવાન ભાજપનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે પણ પશુપતિ ભાજપ સાથે જ રહેલા. આ સંજોગોમાં ભાજપે ચિરાગ પાસવાન અને પશુપતિ વચ્ચે પસંદગી કરવાની આવે તો ભાજપ પશુપતિની પસંદગી કરશે એવું મનાતું હતું પણ પશુપતિ પારસનો પોપટ થઈ ગયો. ભાજપે પશુપતિ પારસનું પત્તું સાવ કાપી નાંખ્યું અને ચિરાગ પાસવાનને લીલા તોરણે પોંખીને પાંચ બેઠકો પણ આપી દીધી. પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના લોકસભામાં પાંચ સાંસદ છે જ્યારે ચિરાગની પાર્ટીમાં ચિરાગ એકલો છે છતાં ભાજપે ચિરાગને મહત્ત્વ આપ્યું. પશુપતિ માટે આ કોમેડી કહેવાય કે ટ્રેજેડી કહેવાય એ જ ખબર પડતી નથી.

ભાજપે પશુપતિ પારસને બદલે ચિરાગ પાસવાન પર કળશ ઢોળ્યો એ માટે પાસવાન વોટબૅન્ક પર ચિરાગની પકડ કાકા પશુપતિ પારસ કરતાં વધારે હોવાનું કારણ જવાબદાર મનાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં ચિરાગે નીતીશ કુમારને કદ પ્રમાણે વેતરવામાં કરેલી મદદને પણ કારણભૂત માનવામાં આવે છે.

બિહારમાં દલિતોની વસતી ૧૬ ટકા છે. નીતીશ કુમારે ચાલાકી બતાવીને દલિતોમાં મહાદલિતનો ફાંટો પડાવી દીધો હતો. મહાદલિતોના મત માટે તેમણે જીતનરામ માંઝીને મુખ્ય પ્રધાન પદે પણ બેસાડી દીધા હતા. નીતીશે બિહારની ૨૩ દલિત જ્ઞાતિઓમાંથી ૨૧ જ્ઞાતિને મહાદલિત જાહેર કરાવીને રામવિલાસ પાસવાનની મત બૅન્કમાં મોટું ગાબડું પાડ્યું હતું કેમ કે પહેલાં બધા દલિતો એક જ ગણાતા પણ નીતીશના આ દાવ પછી પાસવાન અને દુસાધ બે જ જ્ઞાતિ દલિતમાં રહી ગઈ હતી.

જો કે પાસવાન સમુદાયની વસતી છ ટકાની આસપાસ હોવાથી પાસવાનનો ગરાસ સાવ લૂંટાયો નહોતો. રામવિલાસ પાસવાનના નિધન પછી યોજાયેલી ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પાસવાનની પાર્ટીને ૫.૬ ટકા મત મળ્યા હતા પણ કોઈ બેઠક નહોતી મળી. આ પરિણામો પછી ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ ઝઘડ્યા ત્યારે ભાજપે પશુપતિ પારસનો પક્ષ લઈને તેમનું પ્રધાન પદ નહોતું છિનવ્યું પણ ચિરાગ પાસવાનને બાજુ પર મૂકી દીધેલો. હવે ભાજપને ચિરાગ પાસવાન પર હેત ઉભરાયું તેનું કારણ તેનો પાસવાન મતબૅન્ક પરનો પ્રભાવ અકબંધ હોવાની ભાજપની માન્યતા હોઈ શકે છે.

ચિરાગ પાસવાને ભાજપ તરફ બતાવેલી વફાદારી પણ કારણભૂત હોઈ શકે છે. કેન્દ્રમાં ગમે તેની સરકાર આવે, આ સરકારમાં ગોઠવાઈ જવાનું કૌશલ્ય બતાવનારા પાસવાનને લાલુ પ્રસાદ યાદવે મૌસમ વિજ્ઞાની ગણાવ્યા હતા. પાસવાનની દલિત મતો પરની પકડના કારણે એ લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીમાં ચોક્કસ બેઠકો લઈ આવતા હતા. આ કૌશલ્યના કારણ પાસવાન ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપ સાથે ગોઠવાઈ ગયેલા ને ભાજપના વફાદાર બનીને રહ્યા.

ભાજપના ઈશારે રામવિલાસ અને ચિરાગ નીતીશ કુમારની મેથી માર્યા કરતા હતા. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં નીતીશ કુમાર સામે બગાવતી તેવર બતાવીને રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નીતીશકુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)નીના નેતૃત્વ હેઠળની સરકારમાંથી અલગ પણ થઈ ગઈ હતી. નીતીશને કોરાણે મૂકીને ભાજપ એકલા હાથે બિહારની સત્તા કબજે કરે એ માટેના પ્લાનના ભાગરૂપે એલજેપીએ જેડીયુ સામે મોરચો માંડી દીધેલો એવું કહેવાય છે. નીતીશને અંકુશમાં રાખવા માટે ભાજપે જ ચિરાગને નીતીશ સામે ઊભો કરી દીધો હોવાની વાતો ચાલી હતી.

આ માન્યતા ખોટી પણ નહોતી. ચિરાગ પાસવાને લાંબા સમયથી નીતીશ કુમાર સામે મોરચો માંડેલો પણ ભાજપ ચિરાગને પંપાળીને સાચવી લેતો હતો. બિહારની ચૂંટણી આવતાં જ ભડકો થઈ ગયો ને પાસવાને નીતીશને રામ રામ કરી નાંખ્યા પણ ભાજપ સાથેના સબંધોનો અંત ના આણ્યો તેના કારણે આ વાત સાચી લાગતી હતી. ચિરાગે વિધાનસભાની ચૂંટણીમાં પણ જેડીયુ સામે ઉમેદવારો ઊભા રાખેલા પણ ભાજપ સામે ઉમેદવારો નહોતા ઊભા રાખ્યા. તેના કારણે ભાજપ અને ચિરાગ પાસવાન વચ્ચે અંદરખાને સાંઠગાંઠ હોવાની વાતો સાચી લાગતી હતી.

જો કે વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગે કશું ઉકાળ્યું નહોતું. ચિરાગે જેડીયુને નુકસાન કર્યું પણ ચિરાગ પોતાની સામે ઉમેદવારો ઊભા ના રાખે તો ૧૦૦ બેઠકોનો આંકડો પાર કરવાની ભાજપની મનસા ના ફળી તેથી ભાજપે છેવટે નીતીશ કુમારની શરણાગતિ સ્વીકારવી પડેલી. ભાજપે બિહારમાં સત્તાથી દૂર ના રહેવું પડે એટલે તાસકમાં ધરીને મુખ્ય પ્રધાનપદ નીતીશને આપી દેવું પડેલું.
ભાજપે સત્તાની લ્હાયમાં નીતીશને સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકારવા પડેલા. ભાજપનો ઉદ્દેશ ભલે સફળ ના થયો પણ ચિરાગે પૂરી તાકાતથી મદદ કરેલી તેની ભાજપે કદર કરી હોય એવું લાગી રહ્યું છે.
ભાજપે ચિરાગને ગમે તે કારણે સાચવ્યો પણ આ જોડાણે ચિરાગ પણ તેના બાપાની જેમ સાવ નાક વિનાનો છે એ સાબિત કરી દીધું છેં. ચિરાગ પાસવાને ડંકે કી ચોટ પર કહ્યું હતું કે, ભાજપમાંથી કાળો ચોર ચાલશે ને ભાજપ જે આલિયા, માલિયા, જમાલિયાને મુખ્ય પ્રધાન પદ માટે આગળ કરે તેને અમે લીલા તોરણે પોંખીશું પણ નીતીશ ધોળે ઘરમેય ના ખપે. પાસવાન ભાજપ સાથેનું જોડાણ ચાલુ રાખવાનું પણ જેડીયુ સાથે કોઈ કાળે જોડાણ નહીં કરીએ એવું એલાન કરેલું.

હવે એ જ ચિરાગ નીતીશ કુમારની પંગતમાં બેસી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button