વાહિયાત, પાયાવિહોણા: અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ભારત સરકારે નકાર્યો
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના કેટલાક હિસ્સા પર ચીનના દાવાઓને વાહિયાત ગણાવતાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે.
મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઈએ)ના પ્રવક્તા રણધીર જયસ્વાલની આ પ્રતિક્રિયા બે દિવસ પહેલાંની ચીની સૈન્યની ‘અરુણાચલ પ્રદેશ ચીનના પ્રદેશનો સહજ ભાગ છે’ ટિપ્પણી પર મંગળવારે કરવામાં આવી હતી.
એ ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દ્વારા ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશના ભાગ પરના વાહિયાત દાવાઓને આગળ વધારતી ટિપ્પણીઓની નોંધ લીધી છે. આ સંબંધે પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાઓને કોઈ માન્યતા મળતી નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે. આ પ્રદેશના લોકોને અમારા વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું.
તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ચીનના પક્ષને અનેક પ્રસંગોએ આ સતત સ્થિતિ વિશે વાકેફ કરવામાં આવ્યો છે.
9 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલ પ્રદેશની મુલાકાત લેવામાં આવી તેની સામે બીજીંગે ઉપસ્થિત કરેલા વાંધાને નકારી કાઢ્યા બાદ પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી-ચીની લશ્કર) દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો.
ચીન અરુણાચલ પ્રદેશના જે ભાગને દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવી રહી છે અને ભારતીય રાજકીય નેતાઓની આ વિસ્તારની મુલાકાત પર સતત વાંધો ઉઠાવે છે. બીજીંગે આ વિસ્તારનું નામ ઝંગનાન રાખ્યું છે.
ભારતે અરુણાચલ પ્રદેશ પરના ચીનના પ્રાદેશિક દાવાઓને વારંવાર નકારી કાઢ્યા છે અને ભારપુર્વક જણાવ્યું છે કે રાજ્ય દેશનો અભિન્ન હિસ્સો છે. નવી દિલ્હીએ પ્રદેશને નવું શોધી કાઢવામાં આવેલું નામ આપવા અંગે ચીનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે આવા પગલાંથી સચ્ચાઈ બદલાઈ જવાની નથી. (એજન્સી)