ધર્મતેજ

શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગુજરાતી સંત, ભક્ત, લોક પરંપરા

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

સાહિત્ય સહિત તમામ ભારતીય કલાઓમાં શ્રીકૃષ્ણચરિત્રને વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ભારતનું પૂર્વ-પશ્ર્ચિમ કે ઉત્તર-દક્ષ્ાિણનું કોઈ પણ રાજ્ય હોય ને એ ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, સંગીત અને સાહિત્ય જેવી કોઈ પણ કલા હોય એમાં કોઈ-ને-કોઈ રૂપમાં કૃષ્ણચરિત્રનું જ નિરૂપણ થયેલું જોવા મળશે.
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદાવન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળો સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ત્રણ તબક્કે થાય છે. હાલરડાં, વિશ્ર્વસ્વરૂપ દર્શન, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, વસ્ત્રાહરણ, નાગદમન, દાણલીલા, રાસલીલા, વડછડ, હોરી,ફાગ વગેરેનો સંબંધ ગોકુળ સાથે છે તો ગોપી-કૃષ્ણ, મોરલીધર, રાધા-કૃષ્ણ અને ચાંવળી ઈત્યાદિનો સબંધ કૃષ્ણના મથુરાગમન પછી પણ પરોક્ષ્ાપણે ગોકુળ સાથે છે. મનોભાવની તીવ્ર વેદના તો કૃષ્ણના મથુરાગમનને ઉદ્દેશતાં ગોપીઓનાં વિરહગીતોમાં છે. ઉદ્ધવસંદેશમાં અનેક ઉત્તમ લોકગીતો અને ભજનો સંકળાયાં છે મથુરાગમનને નિમિત્તે જ તો લોકહૃદયને કૃષ્ણ-ગોપીના ઉત્કટ અનુરાગ અને રંગદર્શિતાને વિપ્રલંભના માધ્યમે ભર્યા કંઠે ગાવાનો સુયોગ પ્રાપ્ત થાય છે. દ્વારિકાધીશ થયા પછી રૂક્મિણી હરણ, જાંબુવતી વિવાહ અને કુરુક્ષ્ોત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન અપનારા યોગેશ્ર્વર જગતગુરુ તરીકેનું ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર સાંપડે છે.
શ્રી કૃષ્ણચરિત્ર
જગતને મુક્તિનો સંદેશ આપવા જેણે અવતાર ધારણ ર્ક્યો હોય, સમાજના પુનરૂત્થાન માટે ક્રાન્તિનું નિર્માણ
ર્ક્યું હોય એણે પોતાના જીવનથી જ મુક્તિની શરૂઆત કરવી જોઈએ ને યોગેશ્ર્વર શ્રી કૃષ્ણનું સમગ્ર જીવતર બંધનમાંથી મુક્તિ તરફનું પ્રયાણ છે. એનો જન્મ થયો કારાગૃહમાં અંધારી મેઘલી રાતે.એ કાળી ડિબાણ રાતના અંધકારમાં જ્યારે પ્રકૃતિએ તાંડવ શરૂ ક્યુર્ં હશે, યમુના નદી ગાંડીતૂર બની હશે. દિશાઓ ડોલતી હશે ત્યારે જગતમાં શાશ્ર્વત પ્રકાશને રેલાવવા એમણે જન્મ લીધો.જન્મતાવેંત માતાની કૂખ છોડી. માની મમતાય મેલી… જગતનું કોઈ બંધન એને કેમ બાંધી શકે?
પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગો યુગે
કેવું વિવિધ રંગી છે શ્રી કૃષ્ણ ચરિત્ર? જન્મથી અગિયાર વરસ ને બાવન દિવસ સુધી વ્રજમાં નિવાસ ર્ક્યો, ને બાળલીલાઓ કરી.ત્રેપનમે દિવસે મથુરામાં આવ્યા ને કંસનો વધ ર્ક્યો, એ પછી છ વરસ સાંદિપની ૠષ્ાિના આશ્રમમાં વિદ્યાભ્યાસ ર્ક્યો. એંસીમા વર્ષ્ો મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથિ બન્યા.
જીવનકાળ દરમ્યાન પૂતના, શકટાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસેર, શંખચૂડા, અરિષ્ટ કેશી, કુવલયાપીડ હાથી, ચાણુર મલ્લ અને કંસ જેવા અધર્મીઓનો સંહાર ર્ક્યો, એનું અભિમાન તોડ્યું. જરાસંધને શિશુપાલ જેવા દેશોહીઓને સજા કરી.
એને વાંસળી વગાડતા આવડે, ગાયો ચારતાં આવડે, મલ્લવિદ્યા આવડે, ચક્ર ચલાવતાં આવડે, પતરાળાં ઉપાડતાં યે આવડે, ક્યારેક શિષ્ય બની જાય તો ક્યારેક ગુરુ બનીને ગીતાનું જ્ઞાનામૃત પાય. ખરાં નાટક ર્ક્યાં છે એણે. ચોરી કરનારો યે કૃષ્ણ ને દાણ લેનારોય દામોદર…
ભારતીય સંત અને ભક્ત કવિઓની રચનાઓમાં શ્રી કૃષ્ણ
ભારત વર્ષ્ામાં ત્રણ પ્રકારના કવિઓ થયા છે. ૧. શુદ્ધ ભક્તિ માર્ગી કવિઓ જેમની રચનાઓમાં માત્ર ભક્તિ તત્ત્વ અને પ્રભુની લીલાઓનું ગાન હોય છે. ર. બીજા પ્રકારના કવિઓને જ્ઞાન માર્ગી કે વેદાન્તી કવિઓ કહી શકીએ. જેમની રચનાઓમાં ભક્તિમિશ્રિત જ્ઞાન વણાયું છે. ૩. ત્રીજા પ્રકારના કવિઓ કે સિદ્ધપુરુષ્ાો યોગમાર્ગી કવિઓ છે. એમની રચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનું મિશ્રણ જોવા મળે છે.
પોતાની રચનાઓમાં શ્રીકૃષ્ણનું પાત્ર જોડાયું છે એવા શુદ્ધ ભક્તિમાર્ગી કવિઓએ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ જેવી કે બાળ લીલા, દાણ લીલા, રાસ લીલા અને વૃદાંવન લીલાને કેન્દ્રમાં રાખીને રાધા ભાવ કે ગોપી ભાવથી ઉપાસના કરી છે. પુરુષ્ા હોવા છતાં પુરુષ્ા ભાવ પરઠીને પ્રેમલક્ષ્ાણાભક્તિનાં પદો ગાનારા ગુજરાતી કવિઓમાં નરસિંહ મહેતા, મૂળદાસજી, રવિસાહેબ, મોરારસાહેબ, મીઠો, પ્રીતમ અને દાસી જીવણ મુખ્ય છે. તેમની વાણીમાં ભગવાન કૃષ્ણની નટખટ શિશુ, નટવર, પ્રેમી, પતિ, રસનાયક વ્રજવિહારી, ગોપીજન વલ્લભ, લીલાવિહારી, રસિક શ્રીકૃષ્ણ કે જે શૃંગાર કે મધુર રસના નાયક તરીકે પ્રેમની સર્વોચ્ચ ભૂમિકા ઉપર બિરાજમાન છે. એવા પરમ પ્રિયતમ સાથેના વિરહ અને મિલનની ભાવક્ષ્ાણોને નિરૂપિત કરવામાં આવી છે. વિવિધ ભારતીય ભાષ્ાાઓની કૃષ્ણ કવિતામાં શ્રીમદ્ ભાગવત ઉપરાંત જયદેવ, વિદ્યાપતિ અને સૂરદાસની રચનાઓએ અત્યંત પ્રભાવ પાથર્યો છે. મહાભારત, શ્રીમદ્ ભાગવત અને ગીતગોવિંદ વગેરે સંસ્કૃત ગ્રંથોમાં વર્ણવાયેલા શ્રી કૃષ્ણને મુખ્ય પાત્ર તરીકે સ્વીકારીને ભારતીય ભાષ્ાાઓમાં અગણિત કાવ્યો રચાયાં છે. વ્યાપક્તાની દૃષ્ટિએ તમામ ભારતીય ભાષ્ાાઓના કાવ્ય સાહિત્યનો ત્રણ ચતુર્સ્થાંશ ભાગ કૃષ્ણ કાવ્યનો જ છે. એક રસિક નાયકના રૂપમાં શ્રીકૃષ્ણ શૃંગાર રસનું આલંબન બનીને બ્રહ્મ, પરમાત્મા અને ઈશ્ર્વરના રૂપમાં પણ કાવ્ય ક્ષ્ોત્રે પૂજાતા રહ્યા છે. આપણા નરસિંહ મહેતાએ ‘ બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…’ની સમાંતરે આમ પણ ગાયું છે
મેં તો વારી રે, ગિરધરલાલ, તમારાં લટકાં ને
મેં તો વારી રે, સુંદર શ્યામ, તમારાં લટકાં ને….
ગુજરાતના અનેક કવિઓએ હિન્દી ભાષ્ાામાં પણ વિપુલ પ્રમાણમાં કૃષ્ણ કાવ્યોનું સર્જન ક્યુર્ં છે. ૧પમી સદીથી લઈને આજ સુધીમાં અનેક કવિઓએ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને હિન્દી અને ગુજરાતી ભાષ્ાામાં સાહિત્યનું સર્જન ર્ક્યું છે.
કવિ દયારામે ગાયું છે
શોભા સલુણા શ્યામની, તું જો ને સખી શોભા સલુણા…
કોટિ કંદર્પને લજવે એનું મુખડું, ફીકી પડે છે કળા કામની… તું જો ને સખી
સદ્ગુણ સાગર, નટવર નાગર, બલિહારી એના નામની… તું જો ને સખી
આપણે વિવિધ ગુજરાતી સર્જકો-સંત ભક્ત કવિઓની રચનાઓમાં વર્ણવાયેલા શ્રી કૃષ્ણનું ચરિત્ર જોઈએ
જશોદા તારા કાનુડાને, સાદ કરીને વાર રે, આવડી ધૂન મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણહાર રે…
શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બહાર રે , માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાતું કીધું આ વાર રે…
૦૦૦૦
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીયો કોણ થાશે?
-જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા …૦
૦૦૦૦
જાગોને જશોદાના જાયા વ્હાણલાં રે વાયા,
તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…
-જાગો ને જશોદાના જાયા વ્હાણલાં રે વાયા…૦
તો મીરાંબાઈ ગાય છે
ભાળેલ રે બેની દેખેલ રે બાયું ગોકુળ ગામડાંનો ગારુડી…
કાનુડો બતાવે એને નવે નિધ આપું રે બેની
એ જી આપું મારા હૈયા કેરી હારડી રે… કાનુડાને કોયે…
ચારણ ક્વયિત્રી પૂનાદેની આ પ્રભાતી રચના પણ માણવા જેવી છે.
ભણતી સાં કાનજી કાળા રે, માવા મીઠી મોરલીવાળા રે…
લોકગીતોમાં પણ કાનુડાનાં કામણ વર્ણવાયાં છે આ રીતે
ચંદન તલાવડી રોકી કાનુડે, જળ ભરવા નો દિયે કાનુડો મારી ખેધે પડ્યો છે…
૦૦૦૦
અમે મૈયારાં કંસ રાજાનાં, વ્હાલા
કોઈને નો દઈએ દાણ રે, મારગડો મારો, મેલી દિયોને કુંવર કાન…
૦૦૦૦
કુબજાને કેજો રે ઓધવજી એટલું, હરિ હીરલો આવ્યો તમારે હાથ જો
જતન કરીને એને તમે જાળવો, કહું છું એક શીખામણ કેરી વાત જો… કુબજાને કેજો રે…
અને ભક્ત કવિઓ ગાતાં હોય
વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું તિયાં નંદકુંવર ક્યાંથી લાવું…
૦૦૦૦
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે,
મેં કાનુડા તોરી ગોવાલણ…૦
સંતકવિ દાસીજીવણનાં ‘એવા રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે…’, ‘માવાની મોરલીયે મારાં મનડાં હેર્યાર્ં રે…’, ‘જશોદા જીવનને રે માતાજી મોહનને રે કેજે તારા કાનને…’,‘શામળિયે કરી છે ચકચૂર…’ જેવાં તીવ્ર વિરહ વ્યથાનાં-પ્રેમલક્ષણા ભક્તિનાં દાસી ભાવનાં ભજનો નારી હૃદયની સુકોમેળ વેદનાનો અનુભવ કરાવે છે.
દ્વારિકાના જગત મંદિરમાંથી દૂરદર્શનના માધ્યમથી એકધારા અઢાર વર્ષ્ા સુધી આંખે દેખ્યો અહેવાલ-લાઈવ કોમેન્ટ્રી રજૂ કરીને વિશ્ર્વના એક્સો સિત્તેર દેશોમાં જીવંત પ્રસારણ દ્વારા રાજા રણછોડરાયના દર્શન કરાવવામાં પરમાત્માની કૃપાએ આ લખનારા મને નિમિત્ત બનાવેલો.
તદેવ પરમં ધામં, તદેવ પરમં પદમ્
દ્વારકા સા ચ વૈ ધન્યો યત્રાસ્તે મધુસૂદન:
યાત્રાનું આ ઉત્તમ ધામ, કળિયુગમાં મોક્ષ્ા આપનારી આ ભૂમિને આપણા ઘણા સંતોએ પાવન કરી છે. રામાનુજાચાર્યજી, માધ્વાચાર્યજી, વલ્લભાચાર્યજી, મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્ર્વર અને બંગાળના ચૈતન્ય મહાપ્રભુજી જેવા સંત-ભક્તો દ્વારકાધીશની યાત્રાએ આવીને પાવન થયા છે.
ગોમતી ગોમય સ્નાનં, ગોદાન ગોપીચંદન
દર્શન ગોપીનાથસ્ય, ગકારા : પંચ દુર્લભા:
ગોમયથી પવિત્ર થઈને, ગોમતીમાં સ્નાન કરી, ગોપીચંદનનો લેપ કરી, ગાયનું દાન દઈને જે માનવી ગોપીપતિ શ્રી દ્વારિકાનાથના દર્શન કરે છે તેના અપાર જન્મોના પાપો નાશ પામે છે.
અદ્ભુત હોય છે વાતાવરણ આજનું… પ્રભુના પવિત્ર ચરણોથી રજોટાયેલી પાવન થયેલી પવિત્ર ધૂલિમાં ધન્ય બનવાની ભાવના સાથે ઊમટેલો માનવમહેરામણ આજે હૈયાના હરખથી ઝૂલી રહ્યો હોય. એની સાથોસાથ જેના ઉદરમાં સાચાં મોતીડાં પાકે છે એ રત્નાકર સાગર પણ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં પોતાના હૈયાનો આનંદ વ્યક્ત કરતો. ઉછળતાં દરેક મોજાં સાથે જય રણછોડ… જય રણછોડનો ધીર ગંભીરનાદ સંભળાવી રહ્યો હોય.
પૂર્ણ પુરુષ્ાોત્તમ એવા પરમપુરૂષ્ાના જન્મ સમયે અહીં દર્શન કરી ધન્ય બનવાની ભાવના સાથે દેશ-વિદેશના સેંકડો ભાવિક ભક્તજનો શ્રી કૃષ્ણ જન્મની પ્રતીક્ષ્ાા કરી રહે. જરાયે કંટાળ્યા વિના કલાકો લગી ભીડમાં અથડાતા એ માનવ મહેરામણની પ્રભુદર્શનની તાલાવેલી પણ જીવનનો એક માણવા જેવો લહાવો છે. વિધવિધ સંસ્કૃતિ ધરાવતા આ લોકસમુદાયમાં કાશ્મીરથી ક્ધયાકુમારી અને ઓખાથી આસામ સુધીના જુદા જુદા પ્રાંતોના ભક્તિથી રંગાયેલા ભાવિકો જોવા મળે. પ્રત્યેકના અંતરમાં આનંદનો સાગર ઘુઘવતો હોય. એનાં નેત્રો નારાયણની ઝાંખી કરવા ઝંખી રહ્યા હોય. હૈયે હૈયું દળાય, બધાની એક જ આરત કે હરિદર્શનની અલૌકિક ઝાંખી ક્યારે થશે?
જળ વિના જેમ માછલું અકળાય, સ્વાતિ નક્ષ્ાત્રના વરસાદ વિના જેમ ચાતક અકળાય ને મેઘ વિના જેમ બપૈયા ને મોરો અકળાય એમ ક્યારે પ્રભુનો જન્મ થાય ને ક્યારે દર્શન થાય એવી વ્યાકુળતા આ ભક્તજનોના ચહેરા પર જોવા મળે.
દ્વારિકાના ત્રૈલોક્ય સુંદર જગત મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન ભગવાન દ્વારિકાધીશ રણછોડરાયની શાલીગ્રામ પત્થરમાંથી બનેલી શ્યામરંગી ચતુર્ભુજ પ્રતિમા, ત્રિવિક્રમ વિષ્ણુનું ચતુર્ભુજધારી સ્વરૂપ. જેના શ્રી અંગમાં ૧૬ ચિહ્નો. ચાર આયુધ : શંખ, ચક્ર, ગદા, પદ્મ. ગળામાં કૌસ્તુભમણિ, ભૃગુપદલાંછન, મલકચ્છનો શિંગાર, કમર ઉપર કાલીયનાગદમનની નિશાની, વૈજયંતિમાળા, બન્ને ચરણની બાજુમાં બ્રહ્માના ચાર પુત્રો-સનત, સનાતન, સનંદ, સનકાદિકની કરબદ્ધ પ્રતિમાઓના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા બંધાયેલું મનાતું આ અતિ પ્રાચીન મંદિર કાળની અનેક થપાટો સામે ટક્કર ઝીલતું, આર્યાવર્તની ભારતીય ધર્મ-સાધનાનો પ્રાચીન વૈદિક પૌરાણિક સનાતન સંસ્કૃતિનો ઝંડો ફરકાવતું ઊભું છે.
અહીંની સેવા રાજસી ઠાઠમાઠ સાથેની સેવા છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના અને ત્રણે લોકના રાજાધિરાજ છે. છત્ર, ચામર અને રાજભોગની સેવા અહીં ધરાય છે.
નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યાં આ દ્વારકાધિશ રણછોડરાયે. શામળાશા શેઠ બનીને નરસિંહની હૂંડી સ્વીકારનાર શામળિયો ડાકોરના વજેસંગ બોડાણાનો આરાધ્ય દેવ બની ગયો. પ્રભુની ઈચ્છા ડાકોરમાં રહેવાની હશે એટલે ભગવાન ગંગાબાઈની વાળીના વજન જેટલા થયા. અત્યારે ડાકોરમાં પણ આવો જ જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દ્વારકાના રાજા રણછોડ અને ડાકોરના ઠાકોર શામળાની ધૂન અહીં મચી છે એવી જ ભારતભરના કૃષ્ણમંદિરમાં મચી હશે.
કસ્તુરી તિલકં લલાટ પટલે વક્ષ્ાસ્થલે કૌસ્તુભં
નાસાગ્રે વર મૌક્તિકં કર તલે વેણુ કરે કંકણં
સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી
ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજ્યતે ગોપાલ ચૂડામણિ.
આ શ્રાવણના સરવડાં વરસે છે, રંગબેરંગી હીર ચીર પટોળાં ને પટકૂળ પહેરીને ભામિનીઓનાં ટોળાં નગરમાં ભમે છે. અમે ય શણગાર સજીને સાન ભાન ભૂલીને હે નંદ દુલારા તારી વાટ જોઈએ છીએ.
શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં, કામની;
પેરી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં, ભામની
શણગાર સજીએં, રૂપ રજીયેં, ભૂલ લજીયેં ભાનને
ભરપૂર જોબનમાં ય ભામન, કહે રાધા કાનને… જી કહે રાધા…
૦૦૦૦
મેરો મન હર લિનો રાજા રણછોડ… રાજા રણછોડ પ્યારા રંગીલા રણછોડ…
શંખ ચક્ર ગદા પદ્મ વિરાજે, મુખ મોરલી ઘનઘોર,
મોર મુકુટ શિર છત્ર વિરાજે, કુંડલકી છબી ઔર… મેરો મન હર લિનો રાજા…
આસપાસ રત્નાકર સાગર ગોમતી કરે કિલ્લોળ,
ધજા પતાકા બહુત હી ફરકે, ઝાલર કરત ઝકઝોલ… મેરો મન હર લિનો રાજા…
૦૦૦૦
ગોપતિ ગોપીપતિ, ગોપ ગોકુલાનંદ,
જીવન જશોદાનંદ કે, નમું કૃષ્ણ વ્રજચંદ.
૦૦૦૦૦

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત