Lok Sabha Election: અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવા ઇનકાર કર્યો, પાર્ટીને આપ્યું આ કારણ
અમદાવાદ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, રાજકીય પક્ષોએ કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો કેટલીક બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા મનોમંથન થઇ રહ્યું છે. એવાં કોંગ્રેસને ગુજરાતમાંથી ઝટકો લાગ્યો છે, કોંગ્રેસના તરફથી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે વ્યક્તિગત કારણોસર તેમણે આ નિર્ણય લીધો છે.
કોંગ્રેસે ગત 12 માર્ચે ઉમેદવારોની જે યાદી જાહેર કરી હતી, તેમાં રોહન ગુપ્તાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. રોહન ગુપ્તાએ સોમવારે ‘X’ પર એક પોસ્ટ કરી જણાવ્યું કે મારા પિતા ગંભીર તબીબી સ્થિતિને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચી રહ્યો છું. પાર્ટી દ્વારા નિયુક્ત નવા ઉમેદવારને હું સંપૂર્ણ સમર્થન આપીશ.
રોહન ગુપ્તાએ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રનો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેમનું નામ પાછું ખેંચી લેવા અંગે માહિતી આપવામાં આવી હતી. રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.