Gujarat BJP: ભાજપ MLAએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, ભાજપમાં અસંતોષ સામે આવ્યો!
![Ketan Inamdar Submits Resignation to Assembly Speaker, Supports Ranjanben Bhatt](/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-19-at-9.49.03-AM.jpeg)
વડોદરા: લોકસભા ચૂંટણીનું શેડ્યુલ જાહેર થઇ ગયું છે, ત્યારે ગુજરાતમાં રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું છે, વડોદરાની સાવલી વિધાનસભા બેઠક પર ભાજપના વિધાનસભ્ય કેતન ઇનામદરે સોમવારે મોડી રાતે રાજીનામું આપી દેતા સંગઠનમાં દબાયેલો અસંતોષ સપાટી પર આવી ગયો છે. જો કે એવા અહેવાલો છે કે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ હજુ સુધી કેતન ઇનામદરનું રાજીનામું સ્વીકાર્યુ નથી.
કેતન ઈમાનદાએ રાજીનામું આપતા જણાવ્યુ છે કે, હું અંતર આત્માનો આવાજ સાંભળીને આ રાજીનામું આપી રહ્યો છું. કેતન ઇનામદરના રાજીનામાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જેના કારણે સંગઠનના વરિષ્ઠ આગેવાનો દોડતા થઇ ગયા છે.
કેતન ઇનામદરએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘વંદેમાતરમ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદર, 135 સાવલી વિધાનસભા મત વિસ્તારના વિધાનસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું.
મારા અંતર આત્માના અવાજને માન આપીને વિધાનસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.’
મળતી માહિતી મુજબ કેતન ઇનામદારે મેઇલ દ્વારા વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું મોકલ્યું છે. પરંતુ સ્પીકરને રાજીનામું રુબરુ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ કરી નથી. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ હજુ સુધી કેતન ઇનામદરનું રાજીનામું સ્વીકાર્યુ નથી.
![](/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-19-at-9.49.32-AM-700x1024.jpeg)
અહેવાલો મુજબ કે ભાજપમાં નવા જોડાયેલા કૉંગ્રેસી નેતાને મહત્વની જવાબદારી સોંપાતા કેતન ઇનામદાર નારાજ હતા. કેતન ઇનામદારે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભ્ય બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ વડોદરાના ડૉ.જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. રંજનબેનને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા.