સાબરમતી-આગ્રા સુપર ફાસ્ટ ટે્રન માલ ગાડી સાથે અથડાઈ, ચાર કોચ પાટા પરથી ઊતર્યા

ટે્રન ખડી પડી: અજમેરમાં સોમવારે સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટે્રનના ચાર ડબા પાટા પરથી ખડી પડ્યા બાદ ચાલી રહેલી રેલસેવા પૂર્વવત્ કરવાની કામગીરી. (એજન્સી)
અજમેર: ગત મોડી રાત્રે રાજસ્થાનના અજમેર પાસે આવેલા મદાર સ્ટેશન પાસે ગંભીર રેલ અકસ્માત સર્જાયો હતો. સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ ટે્રનના ચાર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા, અહેવાલો મુજબ આ અકસ્માત રાત્રે 1 વાગ્યે થયો હતો. જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી, કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે.
મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે એક ટે્રક પર બે ટે્રન આવી હતી. જેના કારણે એન્જિન સહિત સાબરમતી આગ્રા સુપર ફાસ્ટ ટે્રનના ચાર જનરલ કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઊતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવા બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલી આગ્રા ફોર્ટ સાબરમતી સુપર ફાસ્ટ ટે્રન ગઈકાલે સાંજે 5:00 વાગ્યે નિર્ધારિત સમયે રવાના થઇ હતી. રાત્રે લગભગ 1:00 વાગ્યે, આ પેસેન્જર ટે્રન મદાર રેલવે સ્ટેશનથી થોડા અંતરે ટે્રક બદલતી વખતે માલગાડી સાથે અથડાઈ હતી. જો કે અકસ્માત થવા પાછળનાં કારણો હજુ સુધી જાણવા મળ્યાં નથી. અકસ્માતને કારણે પાટા તેમની જગ્યાએથી ખસી ગયા છે.
રેલવે અધિકારીઓએ મુસાફરો માટે અજમેર રેલવે સ્ટેશન અને મદાર રેલવે સ્ટેશન પર ભોજન અને તબીબી વ્યવસ્થા કરી હતી અને ટ સામાન્ય થયા પછી, તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે.
સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટે્રન દુર્ઘટના બાદ રેલવે પ્રશાસને હેલ્પ ડેસ્ક નંબર 0145-2429642 જાહેર કર્યો છે.