કોલકાતામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં સાતનાં મોત

ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કડક કાર્યવાહીનું મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આપ્યું આશ્વાસન
ઈમારત તૂટી:
કોલકાતામાં સોમવારે વહેલી સવારે ગાર્ડન રિચ વિસ્તારમાં પાંચ માળની નિર્માણાધીન ઈમારત તૂટી પડ્યા બાદ ચાલી રહેલી રાહત કામગીરી. (એજન્સી)
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બચાવ કામગીરીમાં રોકાયેલા ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર ચાર લોકો કાટમાળ નીચે ફસાયેલા જોવા મળ્યા હતા અને તેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત હોવાના ચિહ્નો દેખાતા હોવાથી આંક વધી શકે છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે જે સ્થળે ગેરકાયદેસર રીતે ઇમારત બનાવવામાં આવી રહી હતી ત્યાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જ્યારે બિલ્ડિંગના પ્રમોટર મોહમ્મદ વસીમની ધરપકડ કરવામાં આવી હતી. કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ મેયરે જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શહેરના પશ્ચિમ પરિઘમાં અઝાન મોલ્લા લેન ખાતે બિલ્ડિંગ ધરાશાયી સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને ગેરકાયદેસર બાંધકામ સામે સખત પગલાં લેવાની ખાતરી આપી હતી. હકીમે જણાવ્યું હતું કે એક ભયાનક અકસ્માતમાં નિર્માણાધીન પાંચ માળની ઇમારત મધ્યરાત્રિના સુમારે તૂટી પડી હતી. ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે કાટમાળને સાફ કરવા અને નીચે ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ગૅસ કટર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે પીડિતો તરફ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ તેમાં ઘણો સમય લાગી રહ્યો છે. એનડીઆરએફ, રાજ્ય અને કોલકાતા પોલીસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કર્મચારીઓ પણ સાથે મળીને કામ કરી રહ્યા હતા. કાટમાળના જંગી ઢગલાને કારણે બચાવકર્મીઓને ફસાયેલા છે તેઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઇમારત ધરાશાયી થયાના બનાવમાં ભોગ બનેલા લોકોની યાદી તૈયારી કરી છે. સાત લોકોનાં મોત થયા છે અને તેમાં બે મહિલાઓ છે. ઘાયલ થયેલા 15 લોકોમાંથી 11ની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ચાર લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાને એક્સ પર જણાવ્યું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગના મકાન તૂટી પડવાની દુર્ઘટના વિશે જાણીને દુ:ખ થયું. અમારા મેયર, ફાયર મિનિસ્ટર, સેક્રેટરીઓ અને પોલીસ કમિશનર, નાગરિક, પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને ટીમો(એનડીઆરએફ, કેએમસી અને કેપી ટીમો સહિત) આપત્તિને ઘટાડવા માટે આખી રાત સ્થળ પર રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દરેક મૃતકોના નજીકના સંબંધીઓ અને ઘાયલ વ્યક્તિઓને વળતર આપશે. બેનર્જીએ વધુમાં જણાવ્યું કે અમે પીડિત પરિવારો સાથે ઊભા છીએ અને બચાવ કામગીરી ચાલુ રહેશે.