આવાં ટેન્શનનું જરાય ટેન્શન ન રાખો..!
આરોગ્ય + પ્લસ – સ્મૃતિ શાહ-મહેતા
એને નિવારવાના છે કેટલાક અકસીર ઉપચાર એને અજમાવો
ટેન્શન..
આ નામના વિચાર માત્રથી માણસમાત્રના ચિત્તતંત્રમાં જલ્દી ન સમજાવી શકાય એવી માનસિક ઊથલપાથલ શરૂ થઈ જાય…
હકીકતમાં ટેન્શન એટલે શું?
આ એક એવી માનસિક અવસ્થા છે, જે દરમિયાન કોઈ પણ નિર્ણય લેવામાં અવઢવ રહે-મુશ્કેલી વર્તાય. આવું ટેન્શન આપણને માનસિક -શારીરિક રીતે પજવી જાય. આવા માનસિક તણાવને લીધે પેદા થતા કોટિસોલ નામના હાર્મોન શરીરમાં વ્યાપી જાય છે. આની આડ-અસર રૂપે હતાશા ઉપજે- પેનિક એટેક આવે અર્થાત કોઈ પણ અજાણ્યો ભય પેદા થાય. આના કારણે રાતની નિદ્રા પણ વેરણ થાય.
સામન્ય રીતે તમે ટેન્શનમાં હો તો સૌપ્રથમ તમાં માથું દુખવાનું શરૂ થાય. હકીકતમાં ટેન્શન માત્ર માથાનું જ નથી હોતું. શરીરના કોઈપણ અંગનું પણ એ ટેન્શન હોઇ શકે. જ્યારે તમે આવા કોઈ માનસિક તણાવમાં હો ત્યારે એની એક પ્રતિક્રિયાપે તમે જાણતા-અજાણતા માથાની આસપાસ રહેલા સ્નાયુઓને ખેંચો એમાં તમારી આંખો પણ ખેંચાય. ચિંતા કે ગુસ્સામાં હો ત્યારે ભવાં પણ ચડી જાય છે. તમે ટીવી જોતી વખતે સ્ક્રિન પરનું કોઈ દ્રશ્ય જોવામાં એવા ઓતપ્રોત થઈ જાવ કે તમે સોફા કે બેડ પર કઈ રીત બેઠાં છે એનો પણ ખ્યાલ ન રહે. એમાં ખોટી રીતે રીતે બેસવા કે લાંબા થવા વગેરેથી પણ ટેન્શન ઊભું થઈ શકે છે.
આ બધાં સ્નાયુનાં ટેન્શન થોડીક તકેદારી સાથે હળવાં કરવાના થોડા ઉપાય પણ છે, જેમ કે, લખતાં-વાંચતા -મોબાઈલ પર કોઈની સાથે વાત કરતાં કે ટીવી, ઈત્યાદિ જોતી વેળા સૌથી પહેલા તો તમારા શરીરને સરખી પોઝિશનમાં ગોઠવો. શરીરને આડું અવળું કરી જેમતેમ બેસવાથી- મોબાઇલ પર વાત કરવાથી કે ટીવી જોવાથી બધા અંગોને તકલીફ થાય છે. સ્નાયુઓને આવી તકલીફ્ ન થાય એનો ખ્યાલ રાખો..
આ પ્રકારની આવનારી તકલીફ દૂર કરવા માટે તમારે `આર્ગોનોમિક્સ’ એટલે કે હ્યુમન એન્જિનિયરિગ સાયન્સની મદદથી લેવી પડશે. આમાં તમે કઈ રીતે બેસવું – કઈ રીતે ઊભા રહેવું અને કઈ રીતે સુઈ રહેવું એ બધાની ટેક્નિક દર્શાવામાં આવે છે.
ન્યુયોર્કના ટેન્શન `હેડક સેન્ટર’ ના વડા એલેક્ઝાન્ડર વાલ્કેર કહે છે કે કોઈ પણ પ્રકારની એરોબિક એક્સરસાઇઝ તમારે નિયમિત કરવી જોઈએ, જેથી તમારા સ્નાયુઓને વધારેમાં વધારે ઓક્સિજન મળી શકે અને એનાથી સ્નાયુ રિલેક્સ થાય છે. કોઈ પણ પ્રકારની કસરત તમે પસંદ કરો પછી એને એક સાથે ન વધારતા ધીરે ધીરે વધારો અને નિયમિત કરો. ઉદાહરણ તરીકે, ઝડપથી ચાલવું- દોડવું – દાદર ચઢવા- ઉતારવા કે પછી સાઈકલ ચલાવવી, વગેરે તમને ગમતી એક્સરસાઇઝ તમે પસંદ કરીને અમલમાં મૂકી શકો.
બીજી તરફ, વર્જિનિયા સ્કૂલ ઓફ મેડિસિન'ના
પેએન મેનેજમેન્ટ સેન્ટર’ના વડા ડો. ડગલાસ માત્ર ત્રણ શબ્દમાં આવા ટેન્શનનો ઉપાય ચીંધતા કહે છે કે `મગજ ઠેકાણે રાખો.!’
આપણે ખરા અર્થમાં મગજ ઠેકાણે રાખવું જોઈએ’ કારણ કે મગજના વિચારો પોઝિટિવ હોય તો તમાં હેડક દૂર થાય છે.
હવે પ્રશ્ન એ છે કે પોઝિટિવ – સકારાત્મક વિચાર કેવી રીતે કરવા?
તમારા મગજને તમારા જ મનથી દોરવણી આપો. જેવો કોઈ વિચાર આવે કે તરત જ શરીર તે પ્રમાણે દોરશે ને સ્નાયુ કડક થઈ જશે….
દાખલા તરીકે ટ્રાફિક જામમાં ફસાઈ જાવ એટલે વિચાર આવશે કે ઓફિસ જતાં મોડું થશે અથવા તો કામ અટકી જશે… બીજા સહયોગી (ને કદાચ તમારા બોસ પણ !) તમારી રાહ જોતા હશે… એ વખતે તમારો શરીરના- ખાસ કરીને જડબાં અને લમણાંનાં સ્નાયુ સ્ટેન્સ થઈ જશે ને માથું દુખવા માંડશે…
આવા માહોલમાં આંખો બંધ કરીને મનમાં પેલા ખોટા વિચાર કરવાને બદલે કલ્પના કરો કે, ટ્રાફિક ક્લિયર થઈ જશે પછી તમે બની શકે એટલાં વહેલા પહોંચી શકશો અને પછી બાકીનાં કામ કઈ રીતે કરશો એ વિચારો તો સ્નાયુ ખેંચાશે નહીં એ રિલેક્સ થઈ જશે ને તમાં ટેન્શન હળવું થઈ જશે.
આવો તણાવ ઘટાડવાનો બીજો પણ એક ઉપાય છે… ચેર- ટેબલ પર વાંચવા-લખવાની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. આવાં કામ દરમિયાન દર અડધા – પોણા કલાકે ફરજિયાત વિસામો લો… ઊંડા શ્વાસ લો… ડોકને ડાબે- જમણે ફેરવો … જ્યારે પણ આવું ટેન્શન હેડેક થાય ત્યારે સ્નાયુઓને રિલેક્સ કરવાથી જ એ હેડેક ગાયબ થઈ જશે !
જો હવે આ ટેન્શન હેડેક નિયમિત શા માટે થાય છે અને આ દુખાવનાં કારણ શું છે એનું તમે લિસ્ટ બનાવો. વારાફરતી એક એક કારણ લખો પછી કયા સંભવિત કારણે એ થતું હશે એનું મનોમન પૃથક્કરણ કરો, ઉદાહરણ તરીખે….
તમે જમવામાં અનિયમિત છો અથવા તો કયારેક જમવાનું ટાળો છો ત્યારે માથું દુખે છે …?
તમારી ઊંઘ પૂરતી નથી થતી એટલે માથું દુખે છે ?
કેબિનની અંદર સતત પ્રકાશમાં- ફ્લોરોસન્ટ લાઈટમાં બેસીને કામ કરો છે એટલે માથું દુખે ?
કોઈ ખોરાક કે પ્રવાહી લીધા પછી કે ચા-કોફીના વધુ પીધા પછી માથું દુખે છે ?
આ બધાં કારણ વારાફરતી તમે લખતા જાવ… ઘણીવાર તો કોઈ સુગંધ- પરફ્યુમના કારણે પણ માથું દુખવા માંડે. એ પણ તમે નોંધી રાખો.
કયારેક તો ઓચિંતુ વાતાવરણ-મોસમમાં પલટાવ આવે તો પણ માથું દુખી શકે . એ જ રીતે સિગરેટનો ધુમાડો કે અગરબત્તી કે ધૂપ પણ તમાં માથું દુખાડી શકે છે.
ટેન્શ થઈ જવાનું હજું પણ એક કારણ છે…ધારો કે હજુ કમ્પ્યુટર પર કામ કરતાં કરતાં વારંવાર એક કે બીજી ફાઈલ લેવા ઊભું થવું પડે અથવા તો કામ દરમિયાન કોઈ કોઈના ફોન આવતા રહે તો તમે ધ્યાન ભંગ થઈ જાવ અને એ કારણે તમે અકળાઈ જાવ તો પણ તમાં ટેન્શન વધી શકે છે – માથાનો દુખાવો થઈ શકે છે…
હવે તમે નોંધેલા મુદ્દાને એક પછી એક વિચારીને ટેન્શન સર્જતા મુદ્દાને તમે દૂર કરતા જશો અથવા તો એના ઉપાય કરતા જશો તો ટેન્શન હેડેકના બંધનમાંથી તમને મુક્તિ મળી જશે…
હા, કયારેક માથાનો દુખાવો અચાનક વધી જાય તો એને તાત્કાલિક મટાડવા પેઈન કિલર દવા લેવી પણ પડે, પણ આવી પીડાશામક દવાની આદત ન પડે એની તકેદારી રાખવી જરૂરી છે.
આવા દુખાવા વખતે દવા લેવાને બદલે થોડી વાર બહાર ફરી આવો- ઊંડા શ્વાસ લો અને માથા પર એકદમ ગરમ કે ઠંડાં પાણીની કોથળી અથવા તો આઈસ પેકનો શેક કરવો. એનાથી માથાનાં સ્નાયુ હળવા થશે ને તમાં ટેન્શન દૂર થશે…
બીજા શબ્દોમાં કહીએ તો ટેન્શન હેડેક ભગાડવા બીજાં ખોટાં ટેન્શન ઊભાં કરવાની જરૂર નથી.થોડીક તબીબી સલાહ ને થોડાક ઘરગથ્થુ ઉપચાર અમલમાં મૂકો તો ટેન્શન ગાયબ!