કલ્યાણ-ડોંબિવલીના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ પર ‘આ’ કારણસર અભરાઇ પર
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી દેશમાં આચારસંહિતા લાગુ કરતાં સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આચારસંહિતા લાગુ થવાને કારણે મહારાષ્ટ્ર સહિત મુંબઈના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ પર કાતર મૂકાઈ છે, જે પૈકી કલ્યાણ-ડોંમ્બિવલી, ભિવંડીના અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને કામ શરૂ કરવાની જાહેરાત પ્રશાસને કરી હતી તેમ જ સરકાર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક પ્રોજેકટના લોકાર્પણ સાથે તેના કામ શરૂ થવાની વાત ચૂંટણી પ્રચારના જાહેરાતમાં પણ કરવામાં આવી રહી છે. જોકે આચારસંહિતા લાગુ થતા કલ્યાણ-ડોંમ્બિવલી પાલિકા અને ભિવંડીમાં અનેક વિકાસલક્ષી કામકાજ અટકી પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2018માં થાણે-ભિવંડી-કલ્યાણમાં મેટ્રો પ્રોજેકટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મેટ્રો પ્રોજેકટનું કામ થાણે-ભિવંડી દરમિયાન શરૂ થઈ ગયું છે, પણ ભિવંડીથી કલ્યાણ દરમિયાનનું કામ હજુ સુધી રખડી પડ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કલ્યાણ શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ પાર્કિંગ, સિટી પાર્ક તેમ જ દુર્ગાડી કિલ્લા નજીક છત્રપતિ શિવાજી મહારાજનું આર્સેનલ મેમોરિયલ અને ઇન્ડિયન નેવીનું આર્કિટેક્ચર મ્યુઝિયમ નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કામકાજ હેઠળ યુદ્ધ જહાજ ટી-80ને પણ ત્યાં રાખવામાં આવવાની હતી, પણ આ કામ થોડા પ્રમાણમાં જ પૂર્ણ થતાં શહેરમાં ટ્રાફિક સાથે અનેક સમસ્યા નિર્માણ થઈ રહી છે.
કલ્યાણ- ડોંબિવલી શહેરમાં અનેક જૂની અને જોખમી ઇમારતો પણ આવેલી છે, તેથી 41 સ્થળે કલસ્ટર યોજના લાગુ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો હતો પણ આ ઇમારતોના નાગરિકોનું પુનઃવિકાસ કરવા માટે સર્વેનું કામ ચાલી રહ્યું છે જેથી પાલિકાની આ યોજના પણ અટકી પડી છે. શહેરમાં પ્રોજેકટના લોકાર્પણ અને કામ શરૂ કરવા માટે વિધાનસભ્યો અને નેતાઓ દ્વારા જોર-શોરથી અનેક કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું, પણ હવે આચારસંહિતા લાગુ થતાં આ કામકાજ હવે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એવી રાહ નાગરિકો જોઈ રહ્યા છે.
કલ્યાણ લોકસભા ક્ષેત્રમાં રૂ. 6,500 કરોડ રૂપિયાના વિકાસકામો ચાલી રહ્યા છે. આ સાથે ભિવંડીમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પણ રૂ. 35,000 કરોડના વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે, જ્યારે ઝડપથી પૂરા થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.