આમચી મુંબઈ

મંત્રાલયની બિલ્ડિંગમાં ફરી એક વાર શખસે આત્મહત્યાનો કર્યો પ્રયાસ પણ

મુંબઈઃ મંત્રાલયના બિલ્ડિંગમાં ફરી એક વાર એક શખસે આત્મહત્યાનો પ્રયાસનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મંત્રાલય બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવીને એ શખસે જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટના પગલે તેનો જીવ બચી ગયો હતો.

આજે મંત્રાલયમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. એક વૃદ્ધ શખસ મંત્રાલાયના બિલ્ડિંગ પરથી જમ્પ માર્યો હતો, પરંતુ સેફ્ટી નેટને કારણે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

મંત્રાલયની બિલ્ડિંગ પરથી વૃદ્ધે જમ્પ મારતા ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. વીડિયોમાં વૃદ્ધ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આ પગલું ભરવા પાછળ તે સુરેશ યાદવ નામની વ્યક્તિની દાદાગીરીથી પરેશાન છે. આમ છતાં આ વ્યક્તિનું આવું કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે જ્યારે એક સુરક્ષાકર્મી તેને નીચે આવવા માટે જણાવે છે, ત્યારે તે જવાબ આપે છે કે હું નીચે આવી જઈશ, તમે ચિંતા ના કરો. આ બનાવ પછી ઘણા બધા લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરનાર વૃદ્ધ સતત નારા લગાવતા જોવા મળ્યા હતા.

આ બનાવ પછી પોલીસ પ્રશાસને તેને અટકાવ્યા બાદ તેની પૂછપરછ કરી હતી. પોતે વડાપાવ વિક્રેતા અને તેની દુકાન સામે અધિકારીઓ દ્વારા કેટલાક પગલા લેવા બાદ તેણે આ પગલું ભર્યું હતું. હાલ તો તેને મુંબઈ પોલીસે અટક કર્યા પછી વધુ તપાસ માટે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે આવો કિસ્સો બનવા પામ્યો હોય. આ પહેલા પણ આવો એક કિસ્સો પ્રકાશમાં આવી ગયો છે, જ્યારે એક યુવક શિક્ષકોની ભરતીની માગને લઈ મંત્રાલયની બિલ્ડિંગ પરથી કુદીને બીજા માળે લગાવેલી સેફટી નેટમાં પડ્યો હતો. મહત્વની વાત છે કે એ પણ વિરોધ પ્રદર્શન કરતા સમયે સૂત્રોચ્ચાર કરતો હતો. તેને પણ બચાવી લેવાયો હતો અને પોલીસે અટકાયત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button