સુરત-ચેન્નઈ ગ્રીનફિલ્ડ હાઈ-વેનું કામકાજ બંધ કરવાનો આદેશ, મહત્ત્વનો પ્રોજેક્ટ રખડી પડ્યો
નાશિકઃ બહુચર્ચિત સુરત-ચેન્નઈ ગ્રીનફિલ્ડ હાઈવે પરનું કામ આગામી આદેશ સુધી રોકવાનો આદેશ ‘નેશનલ હાઈ-વે ઓથોરિટી’એ આપ્યો છે. આ પત્ર હાઇવે ઓથોરિટી દ્વારા પ્રશાસનને મોકલવામાં આવ્યો છે. નાસિક – પુણે હાઈસ્પીડ રેલવે પછી જિલ્લાનો આ મહત્વનો પ્રોજેક્ટ રખડી પડે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકારની ભારતમાલા યોજના હેઠળ ૧ હજાર ૨૭૧ કિલોમીટર લાંબા હાઈ-વેનું નિર્માણ કરવામાં આવશે. નાશિક, અહેમદનગર અને સોલાપુર એમ ત્રણ જિલ્લામાંથી પસાર થતા હાઇ-વે માટે જમીન સંપાદિત કરવાની છે. જોકે, પ્રોજેક્ટનું નિર્માણ કરી રહેલી નેશનલ હાઇ-વે ઓથોરિટીએ જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને પ્રોજેક્ટનું કામ હાલના તબક્કે અટકાવવાનો આદેશ કર્યો છે.
સુરત-ચેન્નઈ હાઈવે નાશિક જિલ્લાના સુરગાણા, પેઠ, ડિંડોરી, નિફાડ, નાસિક અને સિન્નર નામના છ તાલુકાઓમાંથી પસાર થશે. જિલ્લામાં આ હાઇવેની લંબાઈ અંદાજે ૧૨૨ કિલોમીટર છે, જેના માટે ૯૯૬ હેક્ટર જમીન સંપાદિત કરવાની છે.
છ તાલુકામાં ખાનગી ક્ષેત્રની મોટાભાગની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને તે તાલુકાઓને સંપાદન માટે જરૂરી ભંડોળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેથી ટૂંક સમયમાં હાઇવેનું કામ શરૂ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
જોકે, પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી સંભાળતા નેશનલ હાઈ-વે ઑથોરિટી દ્વારા હાલ પૂરતું કામ અટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેથી, સમગ્ર પ્રોજેક્ટનું ભવિષ્ય શંકાસ્પદ છે.
ચૂંટણીની આચારસંહિતાના કારણે આગામી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પર નિયંત્રણો રહેશે. આવા સંજોગોમાં સુરત-ચેન્નઈ હાઈ-વે અંગેનો નિર્ણય ઠંડા કલેજે આવશે. કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ પ્રોજેક્ટના નિર્માણ અંગે નિર્ણય લેવામાં આવશે.