આમચી મુંબઈ

ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર થાણે પોલીસની કાર્યવાહી

પચીસ કરોડનું ડ્રગ્સ બનાવી શકાય એટલું રસાયણિક મિશ્રણ અને 2.64 કરોડનું એમડી જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેફેડ્રોન (એમડી) ડ્રગ સાથે પકડાયેલા વસઈના ચાર આરોપીની તપાસ બાદ થાણે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. કારખાનામાંથી લગભગ પચીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી શકાય એટલું રસાયણિક મિશ્રણ અને 2.64 કરોડના એમડી સહિત ડ્રગ્સ બનાવવાનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી થાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે વારાણસી જિલ્લાના અંતરિયાળ ગામડા ભગવતીપુરમાં આવેલા કારખાના પર કાર્યવાહી કરી હતી. કારખાનામાંથી અતુલ અશોકકુમાર સિંહ (36) અને સંતોષ હડબડી ગુપ્તા (38)ની ધરપકડ કરવામાં આવી હતી. વારાણસી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી બન્નેને થાણે લાવવામાં આવ્યા હતા.

થાણે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ગયા મહિને વસઈમાં રહેતા ચાર આરોપી આફતાબ મલાડા (22), જયનાથ યાદવ ઉર્ફે કાંચા (27), શેરબહાદુર સિંહ ઉર્ફે અંકિત (23) અને હુસેન સલીમ સૈયદ (48)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી અંદાજે 14 લાખ રૂપિયાનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. આ એમડી ઓમ ગુપ્તા ઉર્ફે મોનુ પાસેથી પ્રાપ્ત કરવામાં આવ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

ઓમ ગુપ્તા ઉત્તર પ્રદેશના ભગવતીપુરમાં સાથીઓની મદદથી ડ્રગ્સનું કારખાનું ચલાવતો હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસની ટીમ યુપી પહોંચી હતી. વેશપલટો કરી પોલીસે અંતરિયાળ ગામડામાં સતત મહિના સુધી નજર રાખી હતી. આખરે એસટીએફની મદદથી કારખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસને કારખાના બહાર ઊભેલી કારમાંથી અંદાજે 2.64 કરોડ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું. સપ્લાય થવા પહેલાં જ એમડી પોલીસને હાથ લાગ્યું હતું. વિવિધ પ્રકારનાં રસાયણોના મિશ્રણથી એમડી બનાવવામાં આવતું હોવાનું આરોપીઓનું કહેવું છે. કારખાનામાંથી મોટા પ્રમાણાં રસાયણનું મિશ્રણ મળી આવ્યું હતું, જેમાંથી અંદાજે પચીસ કરોડનું એમડી આરોપીઓ તૈયાર કરવાના હતા. કારખાનામાંથી ડ્રગ્સ બનાવવાનાં 8.62 લાખનાં સાધનો પણ તાબામાં લેવાયાં હતાં. પકડાયેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…