ભારતે કેવા કાયદા બનાવવા એ અમેરિકા થોડું નક્કી કરે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
દુનિયામાં એક તરફ ચીન આર્થિક ને લશ્કરી બંને રીતે જબદરસ્ત તાકાત જમાવીને મહાશક્તિશાળી બની ગયું છે ત્યારે બીજી તરફ રશિયા પણ ભૂતકાળની પોચટ નીતિ છોડીને પાછું તેના અસલી રંગમાં આવી રહ્યું છે. રશિયા અને ચીન નવી ધરી રચીને સાઉદી અરેબિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ સહિતના દેશોને પોતાની તરફ વાળી રહ્યાં છે તેના કારણે અમેરિકાનાં વળતાં પાણી થઈ રહ્યાં છે તોય જગત જમાદાર બનવાના ધખારા જતા નથી.
અમેરિકા હજુ ભૂતકાળના એ ભવ્ય દિવસોમાં જ જીવે છે કે જ્યારે આખી દુનિયામાં તેનો પડ્યો બોલ ઝીલાતો અને અમેરિકા કહે એ સવા વીસ ગણાતું. દુનિયાના કોઈ પણ દેશમાં કંઈ પણ બને પણ તેના વિશે બોલવાનો પોતાને અબાધિત અધિકાર છે એવા ભ્રમમાં જ અમેરિકા રાચે છે ને તેનું તાજું ઉદાહરણ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગેની કોમેન્ટ છે.
અમેરિકાએ સીએએ અંગે ચિંતા વ્યક્ત કરીને ડહાપણ ડહોળ્યું છે કે, ભારતમાં સીએએના અમલ અંગે અમેરિકા ચિંતિત છે કેમ કે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા એ લોકશાહીનો પાયો છે. યુએસ સીએએ અંગે પહેલેથી ચિંતિત છે અને તેનો અમલ કેવી રીતે થાય છે તેના પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ આડકતરી રીતે ભારતને ચીમકી પણ આપી છે કે, અમેરિકા ક્યારેય પોતાના સિદ્ધાંતો નહીં છોડે તેથી ભારત ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે કોઈ બાંધછોડ ના કરે કે કોઈને અન્યાય પણ ના કરે.
અમેરિકાની વાત તેના બેવડાં ધોરણોનો નાદાર નમૂનો છે. પહેલી વાત તો એ કે, સીએએ ભારતનો આંતરિક મામલો છે ને તેના વિશે અમરિકાને કે કોઈને પણ બોલવાનો અધિકાર જ નથી. ભારતે કોને નાગરિકતા આપવી ને કોને ના આપવી એ અમેરિકા કે બીજું કંઈ નક્કી ના કરી શકે.
ભારતની નરેન્દ્ર મોદી સરકારે સાડા ચાર વર્ષ પહેલાં સંસદમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) પસાર કર્યો હતો. હવે સીએએ માટેના નિયમો ઘડ્યા છે અને 11 માર્ચે સીએએના નિયમો અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિયમો અંતર્ગત સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો લાભ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લઘુમતીઓને મળશે.
31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં આવેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકોને ભારતની નાગરિકતા અપાશે. આ નાગરિકતા આપવામાં ધાર્મિક સ્વતંત્રતા ને સમાનતાની વાત ક્યાંથી આવી ? દુનિયાનો દરેક દેશ કોને નાગરિકતા આપવી અને કોને ના આપવી એ અંગે પોતાની પતે કાયદા બનાવે છે ને તેનો અમલ કરે છે. ભારતે પણ એવો કાયદો બનાવ્યો ને અમલ કર્યો કેમ કે ભારતનો આ અધિકાર છે. હવે ભારતે કાયદા પણ અમેરિકાને પૂછીને બનાવવાના ?
ભારતે આ કાયદો બનાવવો પડ્યો કેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બંગલાદેશમાં રહેતા લઘુમતીઓની હાલત દયનિય છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બંગલાદેશમાં ધાર્મિક આધાર પર લઘુમતીઓને નિશાન બનાવાય છે અને તેમના પર અત્યાચાર ગુજારાય છે તેથી એ લોકો ભાગીને ભારત આવે છે. આ રીતે ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય ભારતે લીધો કેમ કે તેમને હૂંફની જરૂર છે.
અમેરિકાએ ખરેખર તો પાકિસ્તાન, બંગલાદેશને અફઘાનિસ્તાનની સરકારોને લઘુમતીઓની દયનિય હાલત વિશે સવાલ કરવાનો હોય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં ધાર્મિક સ્વતંત્રતા ને સમાનતાની બોન પૈણાઈ ગઈ છે ને અમેરિકા બેન્ડવાજાં ભારતમાં વગાડે છે. આ ત્રણેય દેશોને ધાર્મિક સ્વતંત્રતા ને સમાનતા માટે કહેવાના બદલે અમેરિકા આપણને ઉપદેશ આપવા બેઠું છે.
અમેરિકાનું વલણ ડાહી સાસરે જાય નહીં ને ગાંડી ને શિખામણ આપે એવું છે. અમેરિકામાં આજેય બ્લેક લોકોને સેક્નડ ક્લાસ સિટિઝનશિપ ગણવામાં આવે છે. ભલા માણસ, સમાનતાની એટલી જ ચિંતા હોય તો તેમને પહેલાં સમાન અધિકારો અપાવો. અમેરિકામાં વિદેશથી આવેલા લોકો સાથે કેવા વ્યવહાર ને કેવા ભેદભાવ થાય છે એ આપણી નજર સામે જ છે પણ બ્લેક પ્રજા તો ત્યાંની જ છે છતાં અમેરિકાના ગોરીયા તેમને ધૂત્કારે છે. એ વખતે અમેરિકાને સમાનતા કે સવિતા કશું યાદ આવતું નથી.
અમેરિકામાં 2021માં જ્યોર્જ ફ્લોયડનો કિસ્સો બહુ ગાજેલો. કાળી ચામડી હોવાના કારણે જ્યોર ફ્લોયડને ગોરા અધિકારીએ બરહેમીથી ફટકાર્યો અને તરફડીને મરવાની ફરજ પાડી. આ અમેરિકાની સમાનતા છે. આ તો એક કિસ્સાની વાત કરી પણ આવું તો છાસવારે બન્યા જ કરે છે. અત્યારે જ અમેરિકામાં હિંદુઓને નિશાન બનાવીને શીખ કટ્ટરવાદીઓ હુમલા કરાવે છે, હિંદુ ધર્મસ્થાનોને પણ નિશાન બનાવે છે. અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા ક્યાં જતી રહી છે? દુનિયાના બીજા દેશોને કઈ રીતે વર્તવું ને શું કરવું તેની શિખામણો આપવી છે ને પોતાને ત્યાં ચાલતું પોલંપોલ રોકવું નથી, આ અમેરિકા છે.
જો કે ભારતને કે દુનિયાના બીજા દેશોને પણ અમેરિકા શું કહે છે તેનાથી હવે કોઈ ફરક પડતો નથી કેમ કે આ 1980 કે 1990નો દાયકો નથી. આ એકવીસમી સદી છે ને એકવીસમી સદીમાં દુનિયા પણ બદલાઈ ગઇ છે, દુનિયાના દાદા પણ બદલાઈ ગયા છે.
અમેરિકાએ પહેલાં પણ સીએએની પારાયણ માંડી હતી. અમેરિકા દર વર્ષે ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેનો રિપોર્ટ બહાર પાડે છે. 2019માં સીએએ પસાર કરાયો પછી 2021ના રિપોર્ટમાં સીએએ સામેના વિરોધમાં થયેલાં ધરણાંથી માંડીને તેના કારણે દિલ્હીમાં ફાટી નીકળેલા તોફાનો સુધીની વાતોનો ઉલ્લેખ કરાયો હતો. મોદી સરકારે પસાર કરેલા સીએએમાં શું છે, તેના વિશે ખ્રિસ્તી, મુસ્લિમ સંગઠનો શું માને છે તેની લાંબી લાંબી કથા અમેરિકાએ કરેલી. સીએએના વિરોધ મુદ્દે મોદી સરકારનું શું કહેવું છે એ બધી વાતો આ રીપોર્ટમાં લંબાણપૂર્વક આવરી લેવાઈ હતી.
આ બધી વાતોના અંતે અમેરિકાએ સીએએનો અમલ નહીં કરવા માટે આડકતરી ચીમકી આપેલી કે. ધાર્મિક લઘુમતીઓના અધિકારોનં જતન કરવાની જવાબદારી ભારત સરકારની છે ને તેમાં જરાય આમતેમ થશે તો અમેરિકા નહીં ચલાવી લે. અમેરિકા ધાર્મિક સ્વાતંત્ર્યના મામલે બહુ સંવેદનશીલ છે ને દુનિયામાં ક્યાંય પણ ધાર્મિક સ્વાતંત્ર્ય પર ખતરો હોય તો અમેરિકા ચૂપ ના રહે. ભારતમાં પણ અત્યારે આ જ સ્થિતિ છે તેથી અમેરિકા આ બધું નહીં ચલાવી લે.
અમેરિકાની ચીમકી છતાં મોદી સરકારે સીએએનો અમલ કરી નાંખ્યો. અમેરિકાએ હવે જે તોડવું હોય એ તોડી લે.