મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી મેળવીને મુંબઈની ટીમનું સુકાન સોંપવામાં આવ્યું એ વિશે છેલ્લા થોડા મહિના દરમ્યાન જાત જાતની અટકળો અને કાલ્પનિક સ્ટોરીઓ મીડિયામાં વાંચવા મળી.
જોકે સોમવારે બપોરે હાર્દિકે મુંબઈમાં આયોજિત આઇપીએલ પહેલાંની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સમાં રોહિત વિશે નિવેદનો આપીને તમામ અટકળો તો શાંત પાડી જ છે, રોહિત પાસેથી સુકાન પાછું લેવાતાં હાર્દિક વિશે નારાજ થયેલા ક્રિકેટચાહકોને પણ હવે હાર્દિક પર ફરી માન થાય એવું તે (હાર્દિક) બોલ્યો છે.
2022માં ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂમાં જ ટાઇટલ અપાવનાર હાર્દિકે રોહિત વિશે પત્રકારોને કહ્યું, ‘મુંબઈ ઇન્ડિયન્સની ટીમે જે સફળતાઓ મેળવી છે એ રોહિતની કૅપ્ટન્સી અને માર્ગદર્શન હેઠળ જ હાંસલ કરી છે. હું તો માત્ર આ ટીમની સફળતાને આગળ વધારવાનો છું. રોહિત મુંબઈના કૅપ્ટનપદે નહીં હોય એનાથી સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. મને મદદ કરવા તે હંમેશાં મારી પડખે હશે જ. મારા ખભા પર તેનો હાથ રહેશે જ (મને જરૂર પડશે ત્યારે તેનું માર્ગદર્શન મને મળશે જ). અમે હંમેશાં ફૅન્સનું સન્માન કરતા હોઈએ છીએ, પરંતુ અમારું લક્ષ પર્ફોર્મ કરવા પર જ અને જીતવા માટે શું જરૂરી છે એના પર જ હોય છે.’
હાર્દિકને ઑક્ટોબરમાં વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી જે પછી તે નહોતો રમ્યો અને હવે મેદાન પર કમબૅક કરી રહ્યો છે. હાર્દિકે પત્રકારોને કહ્યું, ‘મને શારીરિક રીતે હવે કોઈ જ તકલીફ નથી. હું બધી મૅચ રમવાનો પ્રયત્ન કરીશ. આમ પણ આઇપીએલમાં મેં બહુ ઓછી મૅચો ગુમાવી છે. આ વખતે હું ઈજાને લીધે ત્રણ મહિના મેદાનથી દૂર રહ્યો. જોકે અગાઉની ઈજા સાથે આ ઇન્જરીને કંઈ જ લેવાદેવા નથી. હું બૉલ રોકવા ગયો અને પગ મચકોડાઈ ગયો હતો.’
હાર્દિકના સુકાનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 2022માં ટાઇટલ જીતી અને 2023માં રનર-અપ રહી એટલે આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તેની પાસે બહુ મોટી અપેક્ષા રાખશે. મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો ઇચ્છશે કે હાર્દિકના સુકાનમાં આ વખતે તો મુંબઈને છઠ્ઠી ટ્રોફી મળવી જ જોઈએ.
હાર્દિકે આ મુદ્દે સવાલ પૂછાતાં કહ્યું, ‘મુંબઈ ઇન્ડિયન્સમાં અપેક્ષાઓ હંમેશાં રહેવાની જ. અમારી સામે જે સ્થિતિ હશે એના પર અમે એકાગ્રતા રાખીશું. કાલને કાલ હું નથી જીતી શકવાનો, આપણે બે મહિના રાહ જોવી પડશે. અમે એવી બ્રૅન્ડ રચીશું (એવું પર્ફોર્મ કરીશું) કે જેને દરેક વ્યક્તિ એન્જૉય કરશે.’
આ પ્રેસ કૉન્ફરસન્સમાં મુંબઈ ઇન્ડિયન્સનો હેઠ-કોચ માર્ક બાઉચર પણ હતો અને તેને રોહિત શર્માનો ટીમમાં હવે કેવા પ્રકારની ભૂમિકા હશે એ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
બાઉચરે જવાબમાં કહ્યું, ‘રોહિત બહુ જ સારા ફૉર્મમાં છે. રોહિત મેદાન પર ઊતરીને પોતાની નૅચરલ ગેમ રમશે એવી અમારા બધાની અપેક્ષા છે. તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની બૅટિંગ આપણે બધાએ જોઈ જ હતી. તેની બૅટિંગ અફલાતૂન છે.’
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર બાઉચરે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ વિશેના સવાલના જવાબમાં કહ્યું, ‘અમારી ટીમના પ્લેયરો સારા ફૉર્મમાં છે. થોડા ઘણા ખેલાડીઓને ઈજા તો હોય, પણ એ સ્થિતિને બરાબર મૅનેજ કરવી પડે જે અમે કરી રહ્યા છીએ. ટીમમાં સામેલ કરાયેલા નવા ચહેરા માટે શું ભૂમિકા રહેશે એ પણ અમે નક્કી કરી રહ્યા છીએ. અમારે આવનારી મૅચોમાં કેવું રમવાનું છે એની દિશા અમે અમારા ખેલાડીઓને સમજાવી રહ્યા છીએ.’