હિમાચલ કોંગ્રેસના 6 બળવાખોર વિધાનસભ્ય અપાત્ર જ રહેશે, સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી નહીં
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના 6 બળવાખોર વિધાનસભ્યની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની અયોગ્યતા યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટે સ્પીકરના નિર્ણયને અપાત્ર ઠરાવવા પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભ્યોની અરજી પર નોટિસ પણ આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પિકર ઓફિસ અને વિધાનસભા સચિવાલયને એ નોટિસ આપવામાં આવી છે અને કોર્ટે આ મામલે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
હિમાચલ વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા તેમના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી છે.
6 બળવાખોર વિધાનસભ્યમાં રાજેન્દ્ર રાણા, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા, રવિ ઠાકુર, ઈન્દર દત્ત લખનપાલ અને દેવેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. બળવાખોર ધારાસભ્યો વતી એડવોકેટ હરીશ સાલ્વે કોર્ટમાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે અમને વ્હીપ મળી નહોતી અને ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું. તેમણે સુપ્રીમ કોર્ટને પણ તેના પર પ્રતિબંધ લગાવવા જણાવ્યું હતું.
તેના જવાબમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અમે સ્પીકરના આદેશ પર રોક લગાવી શકીએ નહીં. આ શક્ય નથી, પરંતુ અમે અરજી પર નોટિસ જારી કરી શકીએ છીએ અને જ્યાં સુધી નવી ચૂંટણીનો સવાલ છે, તો અમે જોઈશું કે તેનું શું કરવું છે.” પરંતુ અમે તમને મત આપવા અને વિધાનસભાનો ભાગ બનવાની મંજૂરી આપીશું નહીં.
આના પર વકીલ સાલ્વેએ કહ્યું હતું કે શું અમને તે નહીં જણાવવામાં આવે કે ચૂંટણી થઈ ગઈ છે અને બીજું કોઈ આવી ગયું છે. આ અંગે જસ્ટીસ સંજીવે કહ્યું હતું તેની અમે તપાસ કરીશું. ઉલ્લેખનીય છે કે આ મામલે આગામી સુનાવણી એપ્રિલ મહિનાના અંતમાં કરવામાં આવશે.