Gujarat University: કેમ્પસમાં ધાર્મિક પ્રવૃતિઓ અંગે ગુજરાત યુનીવર્સીટીના VCની બેવડી નીતિ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (GU)ની હોસ્ટેલ બ્લોક Aમાં રહેતાં વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાના હુમલાની ઘટનાને કારણે યુનીવર્સીટી પ્રસાશન ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. હુમલાખોર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. એવામાં પીડિત વિદ્યાર્થીઓનો પક્ષ લઈને તેમણે સુરક્ષાની ખાતરી આપવાને બદલે યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
એક અખબારી અહેવાલ મુજબ નીરજા ગુપ્તાએ વિદેશથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ ગુજરાત યુનિવર્સિટી (GU) કેમ્પસમાં તેમના ધર્મની પ્રાર્થના ન કરે.
નીરજા ગુપ્તાએ કહ્યું, “ઘટના પછી અમે સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ કોઓર્ડિનેટરની બદલી કરી છે. મારું માનવું છે કે કોઓર્ડિનેટર GU માં શું કરવું અને શું ન કરવું, તે વિશે વિદ્યાર્થીઓને સમજાવવા માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ યોજ્યા ન હતા. બધા દેશોની પોતાની સંસ્કૃતિ અને ધોરણો છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને પ્રાર્થના ન કરવી જોઈએ.’
વાઈસ ચાન્સેલરનું આ નિવેદન કેમ્પસમાં પ્રાર્થના અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા વિશે તેમની બેવડી નીતિ દર્શાવે છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કેમ્પસમાં યોજાયેલી કળશ યાત્રામાં વાઇસ ચાન્સેલરે પોતે આગેવાની લીધી હતી એટલું જ નહીં, તેમણે નવરાત્રીની ઉજવણી માટે પોતાના સરકારી આવાસમાં ગરબા પણ યોજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે હોસ્ટેલ બ્લોક A માં યુનીવર્સીટીએ ફાળવેલી જગ્યા પર વિદેશી વિદ્યાર્થીઓ તરાવીહ-રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. ટોળામાં આવેલા લોકોએ વિદ્યાર્થીઓને માર મારી ‘જય શ્રી રામ’ના નારા લગાવા કહ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓના રૂમમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટના દરમિયાન પોલીસ અધિકારીઓ હાજર હોવા છતાં તેમણે હુમલાખોરોને જવા દીધા હતા.
જ્યારે નીરજા ગુપ્તાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “કળશ યાત્રાનું આયોજન GU ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. GU કેમ્પસમાં કોઈપણ વ્યક્તિ આવી ઈવેન્ટ્સ યોજી શકે છે. પરંતુ કેમ્પસમાં ધર્મ-આધારિત પ્રાર્થના કરવી એ GUની નિયમાવલી મુજબ પ્રતિબંધિત છે, વિદેશથી આવતા વિદ્યાર્થીઓને તેના વિશે હંમેશા જાણ કરવામાં આવે છે.’
જો કે, તેમને GUની નિયમાવલી જાહેર કરી ન હતી. અહેવાલ મુજબ યુનીવર્સીટીના ભૂતપૂર્વ સેનેટ સભ્યએ જણાવ્યું કે તાજેતરની કળશ યાત્રા સિવાયમાં કેમ્પસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં જૈન સમુદાય અને RSS દ્વારા યોજાતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે VCનું વલણ ચોંકાવનારૂ છે કારણ કે તે કેમ્પસમાં હંમેશા હિંદુ ધર્મ વિશે વાત કરે છે. કેમ્પસની અંદરના મંદિરમાં યુનીવર્સીટી કર્મચારીઓ દ્વારા હનુમાન ચાલીસા અને અન્ય હિંદુ પ્રાર્થનાઓ ગાવામાં આવે છે.
હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અથવા અન્ય કોઈ પણ ધર્મ આપણને પ્રેમ, શાંતિ અને સહિષ્ણુતા શીખવે છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ધાર્મિક સ્વતંત્રતા છીનવવી ન જોઈએ. અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકાના દેશો સહિત ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ છે.