નેશનલ

“કોઈએ અમને રૂ. 10 કરોડના ચૂંટણી બોન્ડ મોકલ્યા, અમે તેને લઇ લીધા”

નવી દિલ્હી :ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ઈલેક્ટોરલ ડોનેશનને લઈને સુપ્રીમ કોર્ટના મોટા નિર્ણય બાદ હવે આ મુદ્દે હવે રાજનીતિ થઈ રહી છે. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને ભાજપના વિરોધીઓ ચૂંટણી બોન્ડના મુદ્દે તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન બિહારમાં નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડને મળેલા ચૂંટણી બોન્ડને લઈને એક રસપ્રદ વાર્તા બહાર આવી છે. જેડીયુ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે તેને 24 કરોડ રૂપિયાથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ મળ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને લાંબી સુનાવણી દરમિયાન કોર્ટે તમામ રાજકીય પક્ષોને મળેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી પણ માંગી હતી. સુપ્રીમ કોર્ટે SBIને ચૂંટણી બોન્ડ લેનારાઓનો સંપૂર્ણ ડેટા સુપરત કરવા કહ્યું હતું. કોર્ટે આ મામલે તમામ રાજકીય પક્ષો પાસેથી જવાબ માંગ્યો હતો. ચૂંટણી બોન્ડના ડેટામાંથી જાણવા મળ્યું હતું કે વર્ષ 2019માં જનતા દળ યુનાઈટેડને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જેડીયુ દ્વારા આ અંગેની માહિતી કોર્ટને આપવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે જેડીયુ દ્વારા આપવામાં આવેલા જવાબમાં જેડીયુએ 10 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ આપનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી શેર કરી નથી.

નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ-યુનાઈટેડએ ચૂંટણી પંચને જણાવ્યું છે કે વર્ષ 2019 માં, કોઈ તેમની ઓફિસમાં 10 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ધરાવતું કવર મૂકી ગયું હતું. જેડીયુના તત્કાલીન રાજ્ય મહાસચિવ નવીન આર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 એપ્રિલ, 2019ના રોજ એક અજાણ્યો વ્યક્તિ પાર્ટીના રાજ્ય કાર્યાલયમાં આવ્યો હતો અને તેણે સીલબંધ કવર આપ્યું હતું. જ્યારે આ કવર ખોલવામાં આવ્યું ત્યારે તેમાં 1 કરોડ રૂપિયાના 10 ઈલેક્ટોરલ બોન્ડ મળી આવ્યા હતા, જે બાદ જેડીયુએ પટનાની એસબીઆઈની મુખ્ય શાખામાં ખાતું ખોલાવીને આ તમામ ઈલેક્ટોરલ બોન્ડને જમા કરાવી દીધા હતા. જેડીયુને મળેલા ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી આ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આ મામલે પાર્ટીના કોઈ નેતા કંઈ પણ કહેવા તૈયાર નથી. જેડીયુને 2019માં 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી અજાણ્યા વ્યક્તિ પાસેથી રૂ. 10 કરોડ મળ્યા હતા અને એક સિમેન્ટ ઉત્પાદક કંપની પાસેથી રૂ. 1 કરોડના બે બોન્ડ મળ્યા હતા. આ સિવાય એક મોબાઈલ કંપનીએ પણ JDUને 1 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button