મુંબઇમાં ‘INDIA’ ગઠબંધનની રેલી, વિનાયક દામોદર સ્મારક પર નહી ગયા રાહુલ ગાંધી, ભાજપે કર્યો પ્રહાર
મુંબઇઃ લોકસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું સમાપન થયું હતું, જેમાં વિરોધ પક્ષોની એકતાના મંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ઇન્ડિયા’ ગઠબંધનના અનેક નેતાઓ ભેગા થયા હતા અને ભાષણો આપ્યા હતા. ઘણા લાંબા સમય બાદ એવું જોવા મળ્યું હતું કે ફરી એકવાર ‘ઇન્ડિયા’ અલાયન્સના નેતાઓ એક મંચ પર હાજર હતા.
ભારત જોડો ન્યાય યાત્રા મહાત્મા ગાંધીના મુખ્ય મથક મણીભવનથી શરૂ થઈ હતી અને ચૈત્ય ભૂમિ ડોક્ટર બી આર આંબેડકરના સમાધિ સ્થાને પૂરી થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી ચૈત્ય ભૂમિની સામે આવેલા વિનાયક દામોદર સ્મારક ખાતે ગયા ન હતા, જેને કારણે ભાજપને ટીકા કરવાનો મોકો મળી ગયો હતો અને તેમણે શિવસેના યુબીટી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા.
નીતીશકુમાર જેવા દિગ્ગજ નેતાઓએ ‘ઇન્ડિયા’ ગઠબંધન છોડી દીધા બાદ એમ માનવામાં આવતું હતું કે વિપક્ષી ગઠબંધનનું ટાંય ટાંય ફિસ… થઈ ગયું છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન પણ વિપક્ષના નેતાઓ યાત્રાથી દૂર રહ્યા હતા, જેને કારણે ‘ઇન્ડિયા’ ગઠબંધન પર સવાલો ઉઠી રહ્યા હતા. જો કે, હવે મુંબઈમાં યોજાયેલા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ રેલીના સમાપન સમારોહમાં ઇન્ડિયા અલાયન્સના તમામ સહયોગીઓ જોવા મળ્યા હતા.
આ રેલી શિવાજી પાર્કમાં થઈ હતી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આ પ્રસંગે હાજર હતા. તે ઉપરાંત એનસીપીના શરદ પવાર, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટી અને આરજેડી પણ મંચ પર હાજર હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ રૂબરૂ હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમણે પત્ર મોકલીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
આ રેલીમાં નેતાઓએ ભાજપા પર સરમુખત્યારશાહી, ભ્રષ્ટાચાર જેવા આરોપો લગાવીને તમામ પક્ષોએ મિનિમમ કોમન પ્રોગ્રામ હેઠળ લોકસભાની ચૂંટણી માટે આગળ વધવાનું નક્કી કર્યું હતું.
‘ઇન્ડિયા’ ગઠબંધનની આ રેલી પર ભાજપ પણ ધ્યાન આપી રહ્યું હતું. મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સ્વર્ગીયા બાળા સાહેબ ઠાકરેનો એક જુનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે જો એવી કોઈ સ્થિતિ આવી પડે અને શિવસેનાએ કોંગ્રેસ સાથે જવું પડે કે ગઠબંધન કરવું પડે તો તેઓ તેમનું સંગઠન બંધ કરી દેશે આ ક્લિપ પોસ્ટ કરીને બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા.