આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘કોંગ્રેસ છોડતા પહેલા વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે રડ્યા હતા’ રાહુલ ગાંધીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા

મુંબઈ: ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ ભારતના મુંબઈ પહોંચીને સમાપ્ત થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું હતું, આ દરમિયાન તેમણે ભાજપ સાથે જોઈડાઈ ગયેલા તેમના ભૂતપૂર્વ સાથીઓ પર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સાંસદ અશોક ચવ્હાણનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓથી બચવા માટે ભાજપ સાથે જોડાયા છે.

ગયા મહિને મિલિંદ દેવરા બાદ અશોક ચવ્હાણે પક્ષ પલટો કર્યો હતો, તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. મુંબઈમાં વિશાળ જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “હું નામ નથી લેવા માંગતો, પરંતુ આ રાજ્યના એક વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ છોડી દીધી, એ પહેલા તેમણે રડતા રડતા મારી માંને કહ્યું, ‘સોનિયાજી, મને કહેતા શરમ આવે છે કે, મારામાં લડવાની તાકાત નથી રહી, મારે જેલમાં નથી જવું.”

જોકે અશોક ચવ્હાણે પાર્ટી છોડવાનું કારણ કોંગ્રેસ સાથેના વિવિધ મતભેદ હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અશોક ચવ્હાણના જવાનું કારણ સંસદમાં રજૂ કરવામાં આવેલા શ્વેતપત્રમાં આદર્શ કૌભાંડનો ઉલ્લેખ હતો. રાહુલ ગાંધીએ કહ્યું, “અમે એક સત્તા સામે લડી રહ્યા છીએ.એક રાજાની આત્મા ઈવીએમ, ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સીબીઆઈ, ઈન્કમટેક્સ વિભાગમાં વસે છે.”

અગાઉ પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સામે ત્રણ કેસ પેન્ડિંગ હતા, જેમાંથી બે આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કોભાંડ સાથે જોડાયેલા છે. વર્ષ 2000માં અશોક ચવ્હાણ રાજ્યના મહેસૂલ પ્રધાન હતા, ત્યારે મુંબઈના કોલાબામાં આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે જમીન કથિત રીતે ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button