“આપણે ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક પગલું દૂર”, ચૂંટણીમાં જંગી જીત બાદ પુતિનની ચેતવણી
મોસ્કો: રશિય(Russia)માં હાલમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ રેકોર્ડ લીડ સાથે જીત મેળવી હતી, આ સાથે તેઓ પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. જો કે આ ચૂંટણીમાં એમની સામે કોઈ મજબુત ઉમેદવાર ન હતા. પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિનને 88% મત મળ્યા હતા.
મતદાનની ગણતરી પછી જીત અંગે પ્રથમ પ્રતિક્રિયા આપતા પુતિને કહ્યું કે તેમની જીત “રશિયાને વધુ મજબૂત અને વધુ અસરકારક બનાવશે.”
પુતિન પ્રથમ વખત વર્ષ 1999 માં સત્તા પર આવ્યા હતા, હાલની ચૂંટણીમાં વિજય બાદ તેમણે જોસેફ સ્ટાલિનને પાછળ છોડીને રશિયામાં સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
મતદાન ગણતરી મુજબ સામ્યવાદી ઉમેદવાર નિકોલાઈ ખારીતોનોવ 4% થી ઓછા મત સાથે બીજા ક્રમે, વ્લાદિસ્લાવ દાવાન્કોવ ત્રીજા અને લિયોનીદ સ્લુત્સ્કી ચોથા સ્થાને રહ્યા હતા. યુક્રેન પર રશિયાના હુમલાના બે વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને ગયા મહિને કહ્યું હતું કે ભવિષ્યમાં યુક્રેનની ભૂમિ પર સૈનિકો મોકલવામાં આવી શકે છે, ભલે ઘણા પશ્ચિમી દેશો તેનાથી દૂર રહે. તેમણે પૂર્વીય યુરોપ અને યુક્રેનને તેમનું સમર્થન આપ્યું હતું. આ અંગે પુતિને કટાક્ષ કર્યો: “આધુનિક વિશ્વમાં બધું જ શક્ય છે.”
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ફરી એક વાર યુરોપ અને અમેરિકાને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે રશિયા અને યુએસની આગેવાની હેઠળના નાટો વચ્ચે સીધો સંઘર્ષ થતા પૃથ્વી ત્રીજા વિશ્વયુદ્ધથી એક પગલું દૂર હશે, પરંતુ આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી સ્થિતિ ઈચ્છે છે.
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે 1962ની ક્યુબન મિસાઈલ કટોકટી પછી પશ્ચિમી દેશો અને રશિયાના સંબંધો આટલી ખરાબ સ્થિતિમાં છે. અગાઉ પણ પુતિન ઘણીવાર પરમાણુ યુદ્ધના અંગે ચેતવણી આપી ચૂક્યા છે. ગઈ કાલે તેમણે કહ્યું કે યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર નથી લાગતી.
પુતિને કહ્યું કે નાટો સૈનિકો પહેલેથી જ યુક્રેનમાં હતા, રશિયનોએ યુદ્ધના મેદાનમાં બોલાતી અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાઓ શીખી લીધી છે.
અગાઉ, 14 માર્ચે, પુતિને નાટો દેશોને યુક્રેનમાં સૈનિકો તૈનાત ન કરવા ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ પ્રકારનું પગલું રશિયા પરમાણુ યુદ્ધ તરફ વળવા તરફ પાયો નાખશે.