ધર્મતેજ

દાના ભગત

અમરેલી જિલ્લાના ચલાલા ગામે બસો વર્ષ પહેલાં દાના ભગત નામના એક સંત પુષે દયા, દાન અને બોધની સરવાણી વહાવીને અગણિત માનવીઓના દિલ અને દેહના જખમ પર પ્રેમ અને કણાના શીળા લેપ લગાવ્યા. અહીં કોઈપણ જાતના, પ્રદેશના, જ્ઞાતિના કે ધર્મના ભેદભાવથી પર અને પંથ, પોથી, કંઠીથી મુક્ત હજારો યાત્રાળુઓની વણઝાર સંતના જીવનકાળ દરમિયાન ચલાલા ગામે ચાલી આવતી. દાના ભગતની આ કર્મભૂમિ હજારો યાત્રાળુઓનો વિસામો બની ગઈ છે.

આણંદપર ભાડલા નામે ગામમાં કાળા ખાચર નામના કાઠીના ઘેર દાના ભગતનો જન્મ. પિતા તો દાના નાની ઉંમરના હતા ત્યારે જ મૃત્યુ પામેલા. ને પુત્ર દાનો બેય આંખે અંધ.કાઠિયાણી માતા યુવાન પુત્રનો હાથ પકડીને દોરતી, ઉછેરતી. એક વખત આ ગામમાં જાદરા ભગત આવ્યા. જાદરા ભગત પંચાળને ગામે ગામે ફરીને દયા અને દાનનો બોધ આપતા. ભગત તો પીર ગણાતા. દુખિયા, અપંગ, આંધળા, વાંઝિયા સૌ એમના આશિષ લેવા આવતા. દાનાને લઈને તેમનાં મા પણ જાદરા ભગત પાસે આવ્યાં. એ વખતે દાનાની ઉંમર બાવીસ વર્ષ. જાદરા ભગતે દાનાની આંખો તપાસી. અને પછી ખડખડાટ હસીને બોલ્યા, “બાપ દાના, આટલાં વર્ષોથી ઢોંગ કરીને બિચારી રંડવાળ માને શીદ સંતાપી? તારી આંખ્યુંના રતન તો આબાદ છે ભાઈ. તું આંધળો શેનો? દલ્લીમાં ઘોડા દોડતા હોય ઈ યે તું ભાળછ.તારી નજં તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉઘાડ,બાપ તારે તો હજી કંઈક ને દુનિયામાં દેખતા કરવાના છે, ઈ કાં ભૂલી જા?” દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના પડદા ઊંચા થયા.જગતનું અજવાળું આ જ અવતાર ધરીને પહેલી વાર દીઠું.આંખમાં જ્યોત રમવા લાગી. મા સામે,સગાંવહાલા સામે નજર ફેરવી.ભગતે પૂછ્યું, “બાપ, ઊંચે ઈશ્વર સામે જોયું?” દાનાએ આભમાં નજર માંડી. ઈશ્વર સામે હાથ જોડ્યા. ભરયુવાનીમાં સંસારના સુખ માણવાની લાલસા, માની પ્રીતિ, બાપનો મુકેલો વૈભવ બધું સર્પની કાંચળીની માફક પળ વારમાં અદ્રશ્ય થઈ ગયું. દાનાના મુખ પર ભગવા રંગની ભભક ઊતરી આવી. એણે જાદરા ભગત સાથે જવાનો નિર્ણય લીધો.. મા હૈયાફાટ દન કરે છે. ત્યારે જાદરા ભગતે કહ્યું,”આઈ, આંસુ પાડછ, કાઠિયાણી થઈને? એકાદ સાંતી જમીનના ટુકડા સાં તારો દીકરો ધીંગાણે કામ આવત,તે વખતે તું આંસુ ન પાડત.અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઈ રહી છો મા? છાની રે.”

યુવાન દાનાએ ભગવા પહેર્યા.ગુએ આજ્ઞા કરી, “બાપ, કામધેનુની ચાકરી કરવા મંડી જા.” ગુ આજ્ઞા મુજબ દાનો ગાયોની સેવા કરવા લાગ્યો. મધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ફરી ફરીને કૂણાં ઘાટા ખડવાળી ખીણો શોધ્યા કરે છે. ગાયોને ધરવીધરવીને ભળકડે પાછી જગ્યામાં લાવે છે .પોતે જ તમામ ધેનુઓને દોવે છે.ગમાણમાંથી વાસીદાં વાળી છાણના સૂંડલા માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે.વળી પાછો ગાયોને ચરાવવા લઈ જાય છે.પાણીના મોટા મોટા ધરાઓમાં ગાયોને નવડાવીને વડલાની ઘટા નીચે બેસાડી કોઈના ગળા ખંજવાળે છે,કોઈની ંવાડીઓમાંથી ઝીણી ઈતરડીઓ કાઢે છે, કોઈની બગાંઓ પકડે છે, કોઈના કંઠે બાંધવા ફૂમતાં ગુંથે છે., તો કોઈની ખરીઓને શીંગડીએ એરંડી વાટીને તેલ ચોપડે છે. ગાયોને મસ્ત બનીને વાગોળતી જોતો ત્યારે દાનાને સ્વર્ગીય આનંદ મળતો.

ગુ જાદરાએ સમાધિ લીધી પછી પાંચાળમાં દુકાળ પડ્યો. તેથી ગાયોને લઈને દાનો પીરકાંઠાના કાઠીયાઈ ગામ ગરમલીની સીમમાં ઊતર્યો. ત્યાંથી તુલસીશ્યામ ગયા. ત્યાંયે તેમનું મન ન ઠર્યું. ત્યાંથી જેનગર ગામમાં ગયા. ત્યાંના ગોવાળોને પૂછ્યું, “ભાઈ આહીં રહું?”

“રો’ ને ભા,અમારે ક્યાં ખડ વાઢીને ખવડાવવું પડે છે?” ભગત અહીં થોડો વખત રહ્યા. પાછા ગરમલી આવ્યા. બપોર વખતે સૂરજનો ધોમધખતો તાપ છે. ગોંદરે ઝાડને છાંયે પોતે ગાયના ડિલનો તકિયો કરીને બેઠા છે. ત્યાં સામે એક કણબીની છોકરીને જોઈ. છોકરીએ માથે કપડું બાંધેલું છે. દાંત ભીંસીને બે હાથે માથું ખંજવાળે છે. માથામાં કાળી લાય લાગી હોય તેમ ચીસો પાડે છે. છોકરીથી ક્યાંય રહેવાતું નથી. જુવાન દાનો ઊઠીને એની પાસે ગયો અને પૂછ્યું, “ભણેં બાપ, કેવા સાં રાડ્યું પાડતી સો?” પણ જવાબ આપવાનો સમય છોકરીને ન હતો. એ તો માથું ઢસડતી જ રહી.

“માથામાં કાણું થ્યો છે,બાપ?મુંહે જોવા તો દે”એટલું બોલીને એણે છોકરીના માથા પરનું કપડું ઊંચું કર્યું ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઉંદરીથી ખદખદી ગયું છે. અંદર જીવાત ખદબદે છે.પસપના રગેડા ચાલ્યા જાય છે.વાળનું નામ નિશાન પણ રહ્યું નથી. દાનાનું અંતર આ નાની છોકરીનું દુ:ખ જોઈને રડી ઉઠ્યું. એને કોઈ દવાની ખબર ન હતી. “ઠાકર, ઠાકર, દીકરીની જાત્યને આવડું દુ:ખ” બોલીને એણે છોકરીનું માથું પકડી લીધું અને પોતાની જીભથી આખા માથાને ત્રણ વાર ચાટ્યું. છોડીને માથામાં ટાઢક થઈ ગઈ. માથે હાથ ફેરવતા જ ગુમડાના ભીંગડા ટપો ટપ નીચે ખરી પડ્યા. અને થોડા દિવસમાં તો એના માથા પર કાળા ભમ્મર કેશ ઊગી ગયા. છોકરી બાપુનાં ચરણોમાં ઢળી પડી. લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખોળામાં પડીને પૂછે છે, “હેં બાપુ, ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ?” “બેટા, એ તો ખાઈ ગો”.

ગાયોની સેવા કરતાં કરતાં દાના ભગત ને થયું ગરીબ ગુરબા અને સાધુસંત મારે આંગણેથી અન્નજળ વિના જાય છે.ઠાકર ઈ કેમ ખમશે?ભગતે સદાવ્રત કર્યું. દાણાની ટહેલ નાખીને અનાજ ભેગું કરવા માંડ્યું. ગામ લોકોએ દળીભરડી દેવાનું માથે લીધું. ગરીબ ગુરબા, લૂલાં,પાંગળા, ઘરડા તેમજ મુસાફર, સાધુ બાવાઓને દાળ રોટલા આપવા લાગ્યા. કોઈ ભૂખ્યું જતું નથી. એવામાં દુકાળ પડ્યો. દાના ભગતને આંગણે રાંધણાનો પાર ન રહ્યો. રોટલાની વીસ વીસ તાવડી ચાલવા લાગી. અનાજના ગાડાંઓ આવીને આપા દાનાની કોઠીઓમાં ઠલવાય છે. પણ કોઈને ખબર નથી ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે. દેનાર તો ન થાક્યા પણ દળનાર,ભરડનાર ગામ લોકો થાકી ગયા. તેમના પર કામનો બોજો ખૂબ વધી જવાને કારણે તેઓએ દાના બાપુને કહ્યું, “ફક્ત સાધુ બ્રાહ્મણને રોટલા આપો બીજાને નહીં નીકર અમે પોગી નહીં શકીએ” દળવા ,ભરડવાની માથાકૂટ ન થાય તેથી બાપુએ દાળરોટલા ને બદલે ગોળ, ચોખા અને ઘીનું સદાવ્રત ચાલુ રાખ્યું. ગરમલીથી ચાલીને એક દિવસ આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ ચોખાનું અન્નક્ષેત્ર
વહેતું કર્યું.

એક દિવસ ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડા ખેડૂ કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા પર ચડાવવા મથામણ કરે છે. પણ ભારે વજનની ઘાંસી કેમે ચડતી નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ માણસ આખરે થાક્યો. અંધાં થઈ ગયું હતું તેથી ઘાંસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડાનું ઠાઠું રાખ્યું અને બીજી બાજુ પોતે કાંટામાં પોતાની કમર ભરાવી.અને પ્રાર્થના કરી, “એ આપા દાના, ઘાંસી ચડાવજો.” પછી જોર દીધું અને ઘાંસી ચડી ગઈ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહીં. આ માણસ દાના ભગતની જગ્યાનો હજામ હતો. રોજે દાના ભગતના પગ દાબવા જતો. તે દિવસે પણ ગયો.ત્યારે દાના ભગત બોલ્યા, “મારા વાંસામાં બે કાંટા છે તે કાઢી નાખજે.” દીવો લઈને હજામ કાંટા કાઢે છે જુએ છે તો બે નહીં પણ આખા વાંસામાં કાંટા હતા. પૂછે છે, “બાપુ,આટલા બધા કાંટા ક્યાં વાગ્યા?”
“સીમમાં ભાઇ”
“શી રીતે”
“તારી ઘાંસી ચડાવીને એટલે”
“બાપુ, તમે?”
“હું કેમ ન હોઉં બાપ.તે મને સંભારીને સાદ કર્યો. તું મારી રોજ ચાકરી કરનારો, ને હું તાં વેણ કોક દિયે ન રાખું, ભાઈ?”
” બાપુ મારી ભૂલ થઈ”
“કાંઈ વાંધો નહિ બાપ, સાધુના તો એ કામ છે”
દાના ભગતની પ્રકૃતિ નિર્લોભી હતી. એવા ઘણા પ્રસંગો બન્યા છે જેના પરથી આ વાત સાબિત થાય છે. એકવાર ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ દાના ભગતની સિદ્ધિઓની વાત સાંભળી. એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળિયેર બનાવી,લુગડામાં લપેટી પોતાના મહોરસિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી માઠું નહીં લગાડતા, બધાં વચ્ચે એમને એમ નાળિયેર હલાવીને પાણી ખખડતું બતાવ્યું. પછી એની એ સીલબંધ સ્થિતિમાં ભાવનગર પાછું મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું. કહેવાય છે કે પછી ભાવનગર ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળુ ગામ અર્પણ કર્યું પણ ભગતે ગામ સ્વીકારવાની ના પાડી. ઠાકોરે મહામહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો.

ધજડી ગામના કોઈ ગધૈ જાતિના કુટુંબની એક યુવાન પુત્રી હતી. એનું નામ લાખુ. લાખુ રાણપર ગામે પરણાવેલી. એનો પતિ છેલબટાઉ હતો. એને લાખુ ગમતી નહીં.તેથી મારી કુટીને લાખુને કાઢી મૂકી અને પોતે બીજા લગ્ન કર્યા. લાખુ ચલાળામાં પોતાને મોસાળ આવીને રહી. લાખુના મામાએ તેના બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો. પણ લાખુએ ના પાડી. પોતાના જીવને ધર્મ કાર્યમાં પરોવવા લાખુ આપા દાનાની જગ્યામાં ગાય માતાઓની સેવા કરવા લાગી. પણ એ ભોળી યુવતી જગ્યાના જ કોઈ બાવાના સમાગમમાં ફસાઈ ગઈ. લાખુને ઓધાન રહ્યું.તેની બદનામી થવા લાગી. સગા સંબંધીઓ તિરસ્કાર કરવા લાગ્યા.અડધી રાતે સૌ ઊંઘી ગયા ત્યારે લાખુ કૂવા કાંઠે ગઈ, “હે, આપા દાના!” એવો નિસાસો નાખીને પડતું મુકવા જાય છે ત્યાં કોઈકે એનું કાંડું ઝાલ્યું. એ દાના ભગત જ હતા. સૌ ઊંઘી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી. “લાખુ બેટા, કૂવામાં પડુ ને હાથપગ શીદ ભાંગતી છો? તાળા પેટમાં તો બળભદર છે એ કોઈનો માર્યો નથી મરવાનો. નાહક શીદ વલખાં મા રઈ છો?” લાખુ રડી પડી, “બાપુ, હું ક્યાં જઈને સમાઉં?મને કોણ સંઘરશે?” ભગત બોલ્યા, “દીકરી, ઠાકર, તુંહે સંઘરશે અને આ જગ્યા તાળાં સાચાં માવતરનું ઘર જ માનજે” પછી તો ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા.નવ મહિને દીકરો અવતર્યો. દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ રમાડવા માંડ્યા. તેનું નામ `ગીગલો’પાડ્યું. ગીગલો તો ગાય વાછ ચરાવે છે.રાતદિવસ, ભૂખ અને તરસ જોયા વિના ગાયોના છાણવાસીદાં અને પહરચારણમાં ગીગલો તલ્લીન બની ગયો છે.આ ગીગલો મોટો થઈને ગીગા ભગતને નામે જાણીતો થયો. વિસાવદર ગામથી ત્રણ ગાઉ ઉપર ગિરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સત્તાધાર ગામમાં આપા ગીગાની કણા બે ધારે વહેવા લાગી. એક ગૌ સેવા અને બીજી ગરીબ સેવા.ગીગો માનવીને દેતો તેમ ઈશ્વર પણ ગીગાને દઈ જ રહેતો. મુસલમાન જાતના એ ગધૈ સંતને જગતના જાતિ ભેદ તો ટળી ગયા હતા.

કહેવાય છે કે ખુદ ગંગાજી ગાય સ્વરૂપે દાનબાપુ પાસે આવેલા.સંવત 1878 ની પોષ વદ અગિયારસને રોજ સવારે આપા દાનાનો દેહ અનંતમાં વિલીન થઈ ગયો. ચલાળા ગામમાં આજે પણ આપા દાનાની જગ્યા મશહૂર છે. હાલમાં સંત વલકુ બાપુ આપા દાનાના કાર્યને આગળ વધારી રહ્યા છે.આપા દાનાના અનુયાયીઓ કહે છે,
“ગંગા, જમના, ગોમતી, કાશી પંથ કેદાર;
અડસઠ તીરથ એકઠાં, દાના તણે દેદાર”

  • નીલા સંઘવી
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત