દરેક પ્રકારના ભેદભાવ મિટાવે છે આ રંગપર્વ
રંગપર્વ -મુકેશ પંડયા
સહુથી ઉત્તમ ઋતુ એટલે વસંત ઋતુ અને આ ઋતુનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે હોળી. કેવુ સરસ મજાનું છે આ રંગ પર્વ. માત્ર રગપર્વ નહીં ઉમંગપર્વ: સહુના તનમનને રંગ અને ઉમંગથી ભરી દે છે આ પર્વ. સહુથી મોટી વાત તો એ છે કે આ પર્વ સઘળા ભેદભાવ મિટાવી દે છે. તવંગર હોય કે ગરીબ, વૃજ્વાસી હોય કે અમદાવાદી. બ્રાહ્મણ હોય કે શૂદ્ર. કાળા હોય કે ગોરા સહુ લોકો એક રંગે રંગાઈ જાય છે.
સામાન્ય રીતે આપણે ત્યાં બળેવ ઉજવાય છે. તે બ્રાહણનો મોટો તહેવાર ગણાય છે જેમાં તેઓ
જનોઈ બદલે છે, તો દશેરા ક્ષત્રિયોનું મહાપર્વ ગણાય છે જયારે તેઓ શસ્ત્રોની પૂજા કરે છે. વળી દિવાળી
વાણિયા (વૈશ્ય) નો મોટામા મોટો તહેવાર ગણાય છે જયારે તેઓ ચોપડા પૂજન કરે છે. પણ હોળી એક એવો તહેવાર છે એ દેશના બધા વર્ણો સહુ સાથે મળીને
ઉજવે છે.
એકમેકના ગળે મળીને રંગ છાંટે છે. હસે છે. હસાવે છે.તહેવારને રંગીન બનાવે છે. જેમ સાત રંગો ભેગા મળીને’ પોતાપણુ’ ગુમાવીને શાતિનો સફેદ રંગ ઉત્પન્ન કરે છે તેમ અલગ અલગ જાતિના, વર્ણના કે રંગના લોકો સાથે મળીને પોતાનો `અહમ્’ છોડીને આ પર્વને ઉજ્વે છે અને શાંતિનો સંદેશ ફેલાવે છે.
રંગોનું આ પર્વ રંગભેદ તો ખૂબ સરળતાથી મિટાવી દે છે. ભગવાન શ્રીકૃષ્ણે બાલ્યાવસ્થામાં જ્યારે માતાજીને પૂછ્યું હતું કે મા, હું કેમ શ્યામરંગી છું અને રાધા કેમ ગોરી છે? માતા જશોદાને ત્યારે થયું કે કામણગારા પણ કાળા કાનુડાને પોતાના રંગ બદલ ક્ષોભ થાય છે અને રાધા ગોરી છે તેની ઇર્ષ્યા થાય છે.
આ સમયે માતા જશોદાએ જે જવાબ આપ્યો એ એમાંથી માત્ર કાનુડાને જ નહીં પણ જગત આખાને મહાન બોધપાઠ શીખવા મળી શકે છે.
જશોદાજીએ કાનુડાને જવાબમાં કહ્યું કે કાના તારે કાળા-ગોરાનો આ ભેદ મિટાવવો હોય તો રાધાને લાલ-પીળા રંગોથી રંગી નાખ અને તું પણ એ જ રંગોથી રંગાઇ જા. પછી જો કોઇ શ્યામ નહીં રહે, કોઇ શ્વેત નહીં રહે.
બધા જ રંગોની રંગીન દુનિયામાં એકાકાર થઇ જશે. સાચે જ આ વાતને હોળીને દિવસે આપણે યાદ રાખીને દિલમાં ઉતારીએ. કાળા-ગોરા રંગમાં અટવાઇજવાને બદલે પૂરા તન-મનને વિવિધ રંગોથી સજી ધજી દઇએ. તમે એ તો જોયું જ હશે કે ધૂળેટીના દિવસે શેરીના છોકરા-છોકરીઓના ચહેરાઓ વિવિધ રંગોથી ખરડાયેલા હોય છે.
કોણ ગોરા છે કોણ કાળા છે એ ખબર પડતી જૂના સમયમાં શ્રીમંત -ગરીબો જ નહીં, રાજા અને પ્રજા પણ હોળી-ધૂળેટીનો ઉત્સવ સાથે મળીને ઉજવતા. અરે હિન્દુઓ અને મુસ્લિમો પણ સાથે મળીને ઉજવતા. એ જ દર્શાવે છે કે આ તહેવારમાં
આર્થિક અને ધાર્મિક અસમાનતાઓ પણ ઓગળી જાય છે અને રહી જાય છે
તો બસ આ તહેવારની રંગીન
યાદો. બુરાઇ પર ભલાઇની જીતની વાતો. નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયની વાતો. એવો વિચાર આવે છે કે આ તહેવાર રોજે-રોજ ઉજવાય તો કેવું સારું ?