નેશનલ

મુંબઈમાં ‘INDIA’ એલાયન્સની રેલી, તેજસ્વીએ કહ્યું ‘લાલુ યાદવ ન તો PM મોદીથી ડર્યા છે કે ન તો ઝુક્યા છે’

દેશમાં લોકસભા ચૂંટણી જાહેર થઈ તે સાથે જ વિપક્ષોના ગઢબંધન ‘INDIA’ એલાયન્સના નેતાઓએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ઈન્ડિયા એલાયન્સના નેતાઓની આજે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં જનસભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, સીપીઆઈના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્ય, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજર રહેલા તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે અમારી લડાઈ મોદીજીને હરાવવા માટે નથી, પણ તેમની વિભાજનકારી વિચારધારા સામે છે, એ વિચારધારાને હરાવવા આપણે બધા ભેગા થયા છીએ.

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે દેશમાં સૌથી મોટા દુશ્મનો બેરોજગારી અને મોંઘવારી છે. અમે લોકો ડરવાના નથી પરંતુ અમે લડવાના છીએ. ભાજપના લોકો એનર્જી ડ્રિંક્સ પીને અમારી સામે ઉભા થઈ જાય છે. લાલુ પ્રસાદ યાદવ ન તો પીએમ મોદી સામે ડર્યા છે કે ન તો ઝુક્યા છે. આજે પણ લાલુ યાદવ મોદીજીનો ઈલાજ કરવા માટે સક્ષમ છે. ભાજપ પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું કે તે ગાયના છાણને હલવો કહીંને રજૂ કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠુ બોલનાર મશીન ગણાવ્યા હતા. ઈન્ડિયા એલાયન્સના નેતાઓને પણ તેમણે કહ્યું કે આપણે હંમેશા લોકોની વચ્ચે જવું પડશે, તેઓએ એટલી બધી નફરત ફેલાવી છે કે તેને દૂર કરવામાં ઘણા વર્ષો લાગી જશે.

ભાજપના ઓપરેશન લોટસ પર આરજેડી નેતા તેજસ્વીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના લોકો લીડર નહીં પરંતુ ડીલર છે જેઓ ભયભીત થઈને ભાજપમાં જતા રહ્યા. તેમણે નિતિશ કુમાર પર કટાક્ષ કરતા તેમ પણ કહ્યું કે ચાલો મહારાષ્ટ્રમાં તેઓ ધારાસભ્યોને લઈ ગયા પણ અમારા ત્યાથી (બિહાર)થી તો અમારા કાકા (નીતીશ કુમાર)ને જ હાઈજેક કરી લીધા. મોદીની ગેરંટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મોદીજી ગેરંટી આપે છે, કૃપા કરીને અમારા કાકા (નીતીશ કુમાર)ની ગેરંટી આપો કે તેઓ હવે ફરી વખત પલટશે કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button