એકસ્ટ્રા અફેર

હિજાબ અને નમાઝ, હિંદુત્વના નામે કટ્ટરવાદી માનસિકતા ના ચાલે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ થઈ ગયો ને છેવટે જિલ્લા શિક્ષણાધિકારીએ સમજદારી બતાવીને શાળાના બોર્ડ પરીક્ષા નિરીક્ષકને પરીક્ષા કામગીરીમાંથી હટાવી દઈને વિરોધને શાંત પાડવો પડ્યો.

બીજી ઘટના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં બની કે જ્યાં પોતાની રૂમમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો તેમાં મારામારી થઈ ગઈ. આ મારામારીના પગલે વિદ્યાર્થીઓએ ફોન કર્યા હશે તેથી જયશ્રી રામના નારા સાથે કેસરી ખેસ પહેરીને આવેલા ટોળાએ યુનિવર્સિટી હોસ્ટેલ સંકુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને તેમને ફટકારતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ ટોળાના હુમલામાં ચાર મુસ્લિમ વિદ્યાર્થી ઘાયલ થયાનું કહેવાય છે. ટોળાએ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી અને વાહનોને પણ નિશાન બનાવ્યાં. સીસીટીવી ફૂટેજ ફરતા થયા છે તેમાં તોફાનીઓ લાકડી-દંડા વડે તોડફોડ કરતા દેખાય જ છે.

ગુજરાત યુનિવર્સિટીની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ. અમદાવાદના પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ હોસ્ટેલ દોડી આવવું પડ્યું. રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવીને જે પણ દોષિત લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવા પડ્યા. હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશ્નર પાસે આ ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો છે. યુનિવર્સિટી હોસ્ટેલમાં પોલીસ ખડકી દેવામાં આવી છે કે જેથી ફરીથી બબાલ ના થાય.

અંકલેશ્ર્વર અને અમદાવાદ બંને ઘટનામાં વહીવટી તંત્ર અને સરકારે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે ભેદભાવ વિના કામ કર્યુ છે તેનો ઈન્કાર ના થઈ શકે. બંને ઘટનામાં તરત જ એક્શન લેવાયાં અને કોઈને છાવરવાનો પ્રયાસ નથી કરાયો તેથી ભાજપ સરકારની પ્રશંસા કરવી પડે.

અંકલેશ્ર્વરની ઘટનામાં ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ ની ગણિત વિષયની પરીક્ષામાં હિજાબ કઢાવાતાં વાલીઓએ ઉગ્ર વિરોધ નેંધાવ્યો પછી એક વાલીએ જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) સ્વાતિ રાઉલજીએ તાત્કાલિક પગલાં ભરીને બોર્ડના પરીક્ષા નિરીક્ષકને પરીક્ષા કામગીરીમાંથી હટાવી દીધા. જિલ્લા શિક્ષણાધિકારીએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા તેમાં બે સુપરવાઈઝર અને એક સહાયક ક્લાસમાં જઈ હિજાબ એકઠા કરતા દેખાય છે.

આ ફૂટેજના ડીઈઓએ આધારે તાત્કાલિક પગલાં તો લીધાં જ પણ બીજી કોઈ જગાએ આવી ઘટના ના બને એ માટે ડીઈઓ સ્વાતિ રાઉલજીએ સ્પષ્ટતા પણ કરી છે. શિક્ષણ બોર્ડની માર્ગદર્શિકામાં બોર્ડની પરીક્ષામાં બેસતી વખતે કોઇપણ પ્રકારના પોશાક પર પ્રતિબંધનો ઉલ્લેખ નથી. વિદ્યાર્થીઓ મરજી આવે એ પોશાક પહેરી શકે છે. એકવાર ઓળખની ખરાઈ થઈ ગયા પછી વિદ્યાર્થીઓને પસંદગીના કપડાં પહેરીને પરીક્ષા આપવાની છૂટ છે તેથી ફરિયાદની નોંધ લઈને તપાસનો આદેશ આપ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની ઘટનામાં પણ યુનિવર્સિટી હોસ્ટેલના કર્મચારીઓ અને તંત્ર વિદેશી વિદ્યાર્થીઓની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે અને હોસ્ટેલના રેકટરે પણ પોતાની ફરજ બજાવવામાં લાપરવાહી બતાવી છે. બાકી ઘટના બન્યા પછી સરકાર તરત એક્શનમાં આવી અને લઈ શકાય એ પગલાં લીધાં છે.

આપણે ત્યાં કોઈ પણ ઘટના માટે સરકાર કે તંત્ર પર દોષારોપણ કરવાની ફેશન છે પણ આ ઘટનામાં બંનેનો વાંક નથી પણ આ બંને ઘટના ગંભીર છે. આ બંને ઘટના ગુજરાતમાં કટ્ટરવાદી માનસિકતા પાંગરી રહી હોવાનો પુરાવો છે અને આ માનસિકતા વકરીને ગુજરાતમાં અશાંતિ ઊભી કરી નાખે એ પહેલાં તેને ડામી દેવી જરૂરી છે. આ બંને ઘટનામાં જે લોકો દોષિત છે તેમણે સરકારી નિયમો અને કાયદાની ઐસીતૈસી કરીને પોતાની હલકી માનસિકતા બતાવી છે. આ હલકી માનસિકતાને જરાય ના પોષી શકાય તેથી બંને ઘટનામાં સરકાર આકરાં પગલાં ભરે એ જરૂરી છે.

હિંદુત્વના નામે ગુંડાગીરી કે કોઈને પરેશાન કરવાની માનસિકતા જરાય ચલાવી ના લેવાય. અંકલેશ્ર્વરની ઘટનામાં બોર્ડ પરીક્ષા સુપરવાઈઝરે હિઝાબ કઢાવવાની સૂચના આપી હતી. આ સૂચના બોર્ડના નિયમ પ્રમાણે નહોતી તેની સ્પષ્ટતા ડીઈઓએ પોતે જ કરી છે પછી શાના માટે હિઝાબ કઢાવાયા ? શાળા સંચાલકનું કહેવું છે કે, બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા ચહેરો સીસીટીવીમાં દેખાવો જોઈએ એવો આદેશ છે. પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી ચોરી કરતું હોય તો તેનો ચહેરો દેખાય અને ઓળખ થાય એ માટે આ નિયમ બનાવાયો છે. ડીઈઓએ આવો કોઈ નિયમ હોવાનું કહ્યું નથી પણ માનો કે નિયમ હોય તો પણ હિઝાબ પહેરો તેમાં એંસી ટકાથી વધારે ચહેરો દેખાતો જ હોય છે તો પછી હિજાબ પહેરવામાં વાંધો શું ? સુપરવાઈઝરે પોતાની માનસિકતાના આધારે ફતવો બહાર પાડીને વિદ્યાર્થિનીઓને ખોટી રીતે હેરાન કરી નાખી.

ગુજરાત યુનિવર્સિટીની ઘટનામાં તો રીતસર ઉશ્કેરણી કરીને મુસ્લિમ વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ છત પર નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ આ મસ્જિદ નથી તેથી અહીં નમાજ ના પઢો એમ કહીને તેનો વિરોધ કરતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. વાત વધી જતાં વિદ્યાર્થીઓ મારામારી પર ઊતરી આવ્યાં અને બહારથી વિદ્યાર્થીઓને બોલાવાયા ૪ વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા છે.

હિંદુવાદીઓનું કહેવું છે કે, ગણેશ સ્થાપન કરાય છે ત્યાં મુસ્લિમો નમાઝ પઢતા હતા તેથી બબાલ થઈ પણ પોલીસે આ વાતને સમર્થન નથી આપ્યું. પોલીસ કમિશ્નરે પોતે છત પર નમાઝ પઢતા હતા એવું કહ્યું છે. હવે વિદ્યાર્થીઓ છત પર જઈને નમાઝ પડે તેમાં ખોટું શું છે ? દેશનું બંધારણ દરેક વ્યક્તિને એ છૂટ આપે જ છે. જે લોકો વિરોધ કરવા નીકળ્યા એ બધા દેશના બંધારણથી પણ ઉપર છે ? ને મોટો મુદ્દો તો બહારથી ટોળું ઘૂસીને ગુંડાગીરી કરે તેનો છે. ધર્મના નામે આવી ગુંડાગીરી કઈ રીતે ચલાવાય ?

દીકરીઓના હિઝાબ કઢાવવા કે પોતાની રૂમમાં નમાઝ પઢનારાંને ફટકારવા એ હિંદુત્વ નથી. ના તો ભાજપ આ પ્રકારના હિંદુત્વને પોષે છે કે ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં હિંદુવાદી સંગઠનો આ પ્રકારના હિંદુત્વની તરફેણ કરે છે. બહુમતી હિંદુઓ પોતે પણ આ બકવાસને માન્ય નથી રાખતા. કર્ણાટકમાં હિઝાબ વિવાદને ચગાવાયો છતાં ભાજપ જીત્યો નહીં કેમ કે બહુમતી હિંદુઓને આ પ્રકારની હલકી માનસિકતામાં રસ જ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button