CAA વિરૂધ્ધ કેરળ સરકાર પહોંચી સુપ્રીમમાં, કાયદાને ‘ગેરબંધારણીય’ ગણાવી સ્ટે મુકવાની કરી માંગ
કેન્દ્રની મોદી સરકારે નાગરિક્તા સંસોધન કાયદો 2019 સંસદમાંથી પસાર થયાને લગભગ 4 વર્ષ બાદ કાયદાના નિયમો અંગેનું નોટિફિકેશન 11 માર્ચના રોજ જાહેર કર્યું ત્યારથી તેને લઈને વિરોધ શરૂ થયો છે. સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ આ કાયદાના અમલનો માર્ગ ચોખ્ખો થઈ ગયો છે. જો કે દેશના કેટલાક રાજ્યો જેવા કે કેરળ, પશ્ચિમ બંગાળની સરકાર આ કાયદાના અમલનો વિરોધ કરી રહી છે. કેરળ સરકારે તો CAA કાયદા વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
કેરળ સરકારે CAA કાયદાના નિયમોને ‘ગેરબંધારણીય’ ગણાવતા કહ્યું છે કે ધર્મ અને દેશના આધારે વર્ગીકરણ ભેદભાવપૂર્ણ, મનસ્વી, અતાર્કિક અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. નાગરિકતા સંશોધન કાયદો, 2019 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી નાગરિકતા સંશોધન નિયમો, 2024 ના અમલીકરણ પર સ્ટે લગાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી નિર્દેશ માંગતી અરજીઓ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ શુક્રવારે સંમત થઈ હતી. હવે આ મામલે સર્વોચ્ચ અદાલત 19 માર્ચના રોજ સુનાવણી કરશે.
ઉલ્લેખનિય છે કે 11 માર્ચે નિયમોને નોટિફાઈ કરીને મોદી સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા અને અત્યાચારનો ભોગ બન્યા બાદ ભારતમાં આવીને રહેતા વિવિધ લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કેન્દ્ર સરકારમા ગેઝેટ નોટિફિકેશન મુજબ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.