આમચી મુંબઈ

ઓનલાઈનનો ઓર્ડર કેન્સલ કરતા ગ્રાહક પરેશાન, કોર્ટે આપ્યો આ આદેશ

મુંબઈઃ આજના આધુનિક જમાનામાં લોકો મોબાઈલ પણ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે, પરંતુ અમુક ગ્રાહકો ઓનલાઈન ફ્રોડનો જાણે અજાણે ભોગ બનતા હોય છે. આવા જ એક ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં બન્યો હતો. મુંબઈના એક ગ્રાહકને પણ આઈફોનનો ઓર્ડર કેન્સલ થઈ જતા હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતમાં કોર્ટમાં ફરિયાદ કર્યા પછી સંબંધિત કંપનીને દોષી ઠેરવીને આક્રમક પગલા ભર્યા હતા. મુંબઈની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસ્સલ કમિશન (સીડીઆરસી) દ્વારા ફ્લિપકાર્ટને દોષી જાહેર કરી માનસિક ત્રાસ બદલ ગ્રાહકને રૂપિયા 10,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.

સેન્ટ્રલ મુંબઈ સીડીઆરસીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ઓર્ડરનો કેન્સલેશન એ ઓનલાઈન પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને સર્વિસના નામે વધારાનો નફો ઊભો કરવાની ખોટી રીત છે. ભલે ગ્રાહકને રિફંડ મળી ગયું હોય પણ છતાં તેને માનસિક હેરાનગતી થવાના બદલામાં વળતર મળવું જોઈએ, એમ કોર્ટે નોંધ્યું હતું.

દાદરના રહેવાસીની ફરિયાદી મુજબ તેણે દસ જુલાઈ 2022ના રોજ ફ્લિપકાર્ટ પરથી આઈફોન ઓર્ડર કરી પોતાના ક્રેડિટ કાર્ડથી રૂપિયા 39,638ની ચુકવણી કરી હતી. આઈફોનની ડિલિવરી 12 જુલાઈના રોજ થવાની હતી પણ ઈ-કોમર્સ અગ્રણી કંપનીનો મેસેજ મળ્યો કે ઓર્ડર કેન્સલ થયો છે. કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો તો જવાબ મળ્યો હતો કે ડિલિવરી બોય ઘણી વખત આવ્યો પણ ફરિયાદી હાજર નહોતાં. ફરિયાદમાં એવી માગણી કરી હતી કે આ માત્ર માનસિક હેરાનગતી નહીં પણ, ઓનલાઈન ફ્રોડનો વિષય પણ છે, જેથી સંબંધિત કંપનીએ ગ્રાહકને થયેલી મુશ્કેલીનું વળતર આપવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button