નવી મુંબઈના રહેવાસીએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.36 કરોડ ગુમાવ્યા
થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપીને સાયબર ઠગોએ નવી મુંબઈના 48 વર્ષના રહેવાસી સાથે રૂ. 1.36 કરોડની છેતરપિંડી આચરી હતી.
સાયબર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે બે શખસ અને એન્જલ વન નામની સંસ્થા વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ 20 જાન્યુઆરીથી 13 માર્ચ દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓએ જુઇ નગરમાં રહેતા ફરિયાદીનો વ્હૉટ્સઍપ પર સંપર્ક સાધ્યો હતો અને શેર ટ્રેડિંગ વિશે માહિતી આપીને તેમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી હતી.
આરોપીઓએ ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવા માટે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂ. 1.36 કરોડ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જોકે ફરિયાદીને આરોપીઓ તરફથી કોઇ વળતર મળ્યું નહોતું. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
(પીટીઆઇ)