PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે નાગરિકો પાસેથી પ્રતિક્રિયા અને સૂચન મેળવવા માટે ‘વિકસિત ભારત સંપર્ક’ના વોટ્સએપ પરથી મોકલવામાં આવતા મેસજ અંગે વિપક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રાજકીય પ્રચાર કરવા માટે સરકારી ડેટાબેઝ અને મેસેજ એપનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં ચૂંટણી પ્રચારને વેગ આવ્યો છે. તાજેતરમાં પીએમ મોદીના એક પત્ર સાથે લોકોને સરકારના કામકાજ બાબતે પ્રતિક્રિયા અને સૂચન લેવા માટે ‘વિકસિત ભારત સંપર્ક’ના નામે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ભાજપના આ કામથી કૉંગ્રેસના X એકાઉન્ટ પરથી વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને ટેગ કરી ‘વિકસિત ભારત સંપર્ક’ને વેરિફાઇડ એકાઉન્ટ પરથી મેસજ બાબતે જાણ કરવામાં આવી હતી.
કૉંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખવામાં આવ્યું હતું કે વોટ્સએપ પર જે મેસેજ મોકલવામાં આવ્યો છે તેના તેમાં લોકો પાસેથી પ્રતિસાદ લેવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ મેસેજ સાથે જે ફાઇલ અને તસવીર મોકલવામાં આવી છે તે એક પ્રકારનો રાજકીય પ્રચાર જ છે. આ સાથે કૉંગ્રેસે વોટ્સએપ પોલિસીની એક તસવીર પણ શેર કરી હતી.
આ તસવીરમાં જણાવવામાં આવ્યું છે કે રાજકીય પાર્ટી, રાજકારણીઓ, રાજકીય ઉમેદવારો અને રાજકીય અભિયાનને પ્રમોટ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરનાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
વોટ્સએપ દ્વારા કોઈ પણ રાજકીય પક્ષને એપ પર પ્રમોશન કરવાથી રોકવામાં આવે છે, જોકે ભાજપ દ્વારા આવું કરવામાં આવતા કૉંગ્રેસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે જો વોટ્સએપની પોલિસી છે તો રાજકીય નેતા એપ પર પ્રમોશન કેમ કરી રહ્યા છે? શું ભાજપ માટે મેટાને જુદી પોલિસી છે. પીએમ મોદી દ્વારા કેન્દ્ર સરકારના ‘વિકસિત ભારત સંપર્ક’ના એકાઉન્ટનો ઉપયોગ કરી લોકો પાસેથી તેમની સરકારના કાર્યકાળ માટે સૂચનો માગ્યા હતા.
આ વિવાદને લઈને કૉંગ્રેસના નેતા મહુઆ મલ્હોત્રાએ કહ્યું હતું કે ભાજપ દ્વારા કરદાતાના પૈસા વડે ભાજપ પીએમ મોદીનો પ્રચાર કરી રહી છે. ભાજપે સરકારી એકાઉન્ટને બદલે ભાજપના ઓફિશિયલ એકાઉન્ટનો ઉપયોગ કરવો જોઈએ.