વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર ન થતાં આપ રવિવારે પહોંચી સરકારી કચેરીએ

અમદાવાદઃ ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે આજે આમ આદમી પાર્ટીએ ઇલેક્શન કમિશન ઓફીસમાં ચીફ ઇલેક્શન ઓફિસર ને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર આપ્યા બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ એક રજૂઆત લઈને આવ્યા હતા. ગઈકાલે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ, સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ હતી પરંતુ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની કોઈ જાહેરાત થઈ નથી. તો આજે ચીફ ઇલેક્શન ઓફિસર સમક્ષ સામે સાત મુદ્દાઓ પર રજૂઆત લઈને આવ્યા છીએ.
અત્યારસુધી રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે ચૂંટણી કમિશન દ્વારા કોઈપણ પ્રકારનો ખુલાસો આપવામાં આવ્યો નથી કે શા માટે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પાર્ટીને પણ આ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. આ સિવાય કેટલાક ભાજપના લોકો એવો પણ ભ્રમ ફેલાવી રહ્યા છે કે હાઇકોર્ટમાં એક કેસ થયો હોવાના કારણે ચૂંટણી જાહેર થઈ નથી. પરંતુ ચૂંટણી પંચે આવું પણ કોઈ કારણ આપ્યું નથી, તેવો આક્ષેપ ઈટાલીયાએ કર્યો હતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરના સ્થાનિક લોકો ક્યારેય પણ ગદ્દારોને માફ કરતા નથી. ભૂતકાળમાં જેમણે પણ પક્ષ પલટો કર્યો છે ત્યારે વિસાવદરની જનતાએ તેમને કડક વળતો જવાબ આપ્યો છે. માટે ભાજપે વિસાવદરમાં એક સર્વે કરાવ્યો અને સર્વેમાં જાણવા મળ્યું છે કે વિસાવદરમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે. જેના કારણે યેન કેન પ્રકારે ભાજપે ચૂંટણીપંચ પર દબાણ લાવીને વિસાવદરમાં ચૂંટણી ન થાય તેવું ષડયંત્ર રચ્યું છે, આ પ્રકારની માહિતી લોકમુખે ચર્ચાઇ રહી છે. અમે ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે કે ચૂંટણીપંચ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવે કે લોકો જે વાત કહી રહ્યા છે તેમાં કોઈ તથ્ય છે કે નહીં. અને ચૂંટણી પંચ આ મુદ્દે ખુલાસો કરે અથવા આ વાતનું ખંડન કરે તેવી અમારી માંગ છે કારણ કે કોઈ ભ્રમ ન ફેલાય. અમારી મુખ્ય માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે વિસાવદરની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂતપ ભાયાણીનો વિજય થયો હતો, પરંતુ તેમણે વર્ષ 23માં સભ્યપદ પરથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.