વેપાર

ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતની શક્યતા ઘટતાં વૈશ્ર્વિક સોનામાં ઓસરતી તેજી

રોકાણકારોની નજર ૧૯-૨૦ માર્ચની ફેડરલની બેઠક પર

કોમોડિટી -રમેશ ગોહિલ

ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધારો થવાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં ઉતાવળ નહીં કરે અથવા તો તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતાં છેલ્લાં કેટલાક સમયથી સોનામાં જોવા મળેલી તેજી ઓસરી રહી છે. નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે આગલા સપ્તાહે વૈશ્ર્વિક બજારમાં એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૧૯૪.૯૯ ડૉલરની ઊંચી સપાટી સુધી પહોંચી ગયા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં વધારો થવાથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી અને લગભગ એક મહિના પછી પહેલી વખત સોનાના વૈશ્ર્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. હવે આગામી ૧૯-૨૦ માર્ચના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાતના કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર મંડાયેલી રહેશે.

એકંદરે ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં ભાવ નરમાઈતરફી રહ્યા હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સપ્તાહ દરમિયાન ૧૩ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં ભાવ ઘટાડો નહોતો જોવા મળ્યો. વધુમાં ગત સપ્તાહના અંતે સરકારે સોનાની ટેરિફ વૅલ્યૂ જે ૧૦ ગ્રામદીઠ ૬૮૭ ડૉલર હતી તે વધારીને ૬૯૬ ડૉલર કરી હોવાથી આયાત પડતરમાં વધુ વૃદ્ધિ થઈ હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી ડિસેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪,૯૫૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. ૬૫,૬૩૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૫,૩૩૫ અને ઉપરમાં રૂ. ૬૫,૬૪૬ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૬૦૪ના સુધારા સાથે રૂ. ૬૫,૫૫૯ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫,૦૦૦ની સપાટીની ઊપર જ રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હતી. જોકે, સપ્તાહ દરમિયાન ઊંચા મથાળેથી જૂના સોનામાં વેચવાલીનું દબાણ ઉપરાંત જૂના સોનાના રિસાઈકલિંગના પ્રમાણમાં વધારો થયો હોવાનું બજારનાં સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે આજથી હોળાષ્ટકનો આરંભ થયો હોવાથી આગામી સપ્તાહ દરમિયાન રિટેલ સ્તરની માગ નિરસ રહેશે.

ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં અનપેક્ષિત વધારાની સાથે પર્સનલ ક્ધઝમ્પશન એકેસપેન્ડિચરમાં પણ વધારો થવાથી જૂન મહિના પહેલા ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે તેવી શક્યતા ધૂંધળી બનવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં સુધારો આવતાં ફેડરલ રિઝર્વ ઊંચા વ્યાદર જાળવી રાખે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવ દબાણ હેઠળ આવતાં ભાવમાં ચાર સપ્તાહ પછી પહેલી વખત ઘટાડો જોવા મળ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહે અમેરિકાના ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ ૨૦ બેસિસ પૉઈન્ટ વધીને ૪.૨૮૨૪ ટકા આસપાસની સપાટીએ રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૧૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૨૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪,૫૦૦થી ૬૭,૦૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા છે.

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઔસદીઠ ૨૧૫૯.૯૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. જોકે, ભાવમાં સાપ્તાહિક ધોરણે ચાર સપ્તાહ પછી પહેલી વખત ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વધુમાં સપ્તાહના અંતે વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧૬૧.૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકી ક્ધઝ્યુમર પ્રાઈસમાં અનપેક્ષિત વધારો અને પ્રોડ્યુસર પ્રાઈસ પણ સ્થિર રહેતાં ફેડરલ રિઝર્વ લાંબા સમય સુધી તંગ નાણાનીતિ રાખે તેવી શક્યતા જોવાઈ રહી હોવાનું ગેઈન્સવિલે કોઈન્સનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ એવર્ટ મિલમેને જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગનો ટેકો મળતો હોય છે, પરંતુ હાલમાં ફુગાવો વધે તો ફેડરલ રિઝર્વ ઊંચા વ્યાજદર જાળવી રાખે તેમ છે અને જો વ્યાજદર ઊંચી સપાટીએ રહે તો સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ નિરસ રહેતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકાના ફેબ્રુઆરીનાં ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે ૭૨ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા મૂકી રહ્યા હતા, જ્યારે હવે આ ટકાવારી ઘટીને ૫૯ ટકાના સ્તરે પહોંચી છે. જોકે, વર્ષ ૨૦૨૪માં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૯૦થી ૨૧૮૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા ગોલ્ડમેન સાશે વ્યક્ત કરવાની સાથે વર્ષના અંત સુધીમાં ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરનો લક્ષ્યાંક એક નૉટ્સમાં વ્યક્ત કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button