SEBIની ચેતવણી બાદ શેરબજારમાં હાહાકાર, સ્મોલ અને મીડકેપ શેરોમાં રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ સ્વાહા
ભારતીય શેર બજારમાં છેલ્લા એક સપ્તાહથી જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે, શેર બજારમાં દરરોજ નવા કડાકા બોલાતા નાના રોકાણકારોમાં ભયનો માહોલ છે. તેમાં પણ સ્મોલ અને મિડ કેપ શેરોમાં ઘટાડોનો રોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. જેના કારણે સ્મોલ અને મીડકેપ શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
એક જ દિવસમાં સ્મોલ અને મિડકેપ (Small and Midcap)માં રોકાણકારોને 70 અબજ ડોલર અથવા રૂ. 5.79 લાખ કરોડનું નુકસાન થયું હતું, પરંતુ રિકવરી બાદ હવે આ નુકસાન ઘટીને 47 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 4 લાખ કરોડ થઈ ગયું છે. આ શેરોએ 15 મહિનામાં તેમનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે, જ્યારે તેઓ છેલ્લા એક વર્ષથી શાનદાર રેલી જોવા મળી હતી.
ગત દિવસોમાં SEBIની ચેરપર્સને રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું હતું કે સ્મોલકેપ અને મિડકેપમાં બબલના સંકેત જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સેક્ટર્સ પર સેબીની બાજ નજર છે. સેબીની આ ચેતવણી બાદ મ્યુચ્યુઅલ ફંડો (Mutual Funds)એ પણ આ ઈન્ડેક્સમાં તેમનો હિસ્સો ઘટાડ્યો હતો. આ પછી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
શુક્રવાર પણ શેરબજાર (Stock Market)ના રોકાણકારો માટે સારો દિવસ રહ્યો નથી. સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 72,643ના સ્તરે અને નિફ્ટી 123 પોઈન્ટ ઘટીને 22,023ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 25 લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 1,385 શેર્સ ઘટાડા સાથે બંધ થયા હતા. તેમાંથી 149 શેર નીચલી સર્કિટને સ્પર્શ્યા હતા.