સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ
(ભાગ બીજો)
સ્ટ્રગલરના પ્રકાર
ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય છે. જેન્યુઈન સ્ટ્રગલર, ગેરસમજનો ભોગ બનેલા સ્ટ્રગલર, ગરીબ સ્ટ્રગલર, શ્રીમંત સ્ટ્રગલર, ઘરેથી ભાગીને આવેલો સ્ટ્રગલર, ઘરેથી પરવાનગી લઈને આવેલો સ્ટ્રગલર વગેરે વગેરે. જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે આપણા યુવાનો સામે કોઈ મહાન ઉદ્દેશ બચ્યો નહોતો એટલે તેમાંથી મોટા ભાગના યુવાનોએ ફિલ્મ ઉદ્યોગ તરફ મીટ માંડી હતી. ભૂખ્યા રહ્યા, ધક્કા ખાધા અને ગર્વથી સ્ટ્રગલર કહેવાયા. ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા ન હોવા છતાં પણ તેઓ ફિલ્મી દુનિયાનો હિસ્સો હોય છે. ફિલ્મી સ્ટ્રગલર્સના નીચે જણાવ્યા મુજબના પ્રકાર હોય છે.
સ્વપ્નજીવી
મોટા ભાગના સ્ટ્રગલર્સ સ્વપ્નજીવી હોય છે. તેઓ વિચારે છે કે કોઈ વેરાનમાં કે ક્યાંક જંગલમાં કે પછી કોઈ ભીડમાં કે પછી ગમે ત્યાં એક દિવસ કોઈ નિર્માતા તેમને મળી જશે અને કહેશે કે ‘આ મહાન દેશના એ ભાવિ અભિનેતા! તમે અહીં કેમ પડ્યા છો? મારી સાથે મુંબઈ ચાલો. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારી રાહ જોઈ રહી છે. ચાલો, ખલનાયક સાથે ફાઈટ કરો અને નાયિકા સાથે ગીતો ગાઓ.’ નોકરી કરવાની ઉંમર વીતી જાય ત્યાં સુધી તે વિચારોમાં આવા સપનાં ઘણી ઈમાનદારીથી જોતો રહેતો હોય છે. એક દિવસ આ સપનાં તેની સાથે બેઈમાની કરી નાખે છે, પરંતુ તે ક્યારેય પોતાના સપનાં પરની આસ્થાને ઘટવા દેતો નથી.
શ્રીમંત નબીરો
સ્વપ્નજીવી સ્ટ્રગલર એક જ સપનું વારંવાર જોતો હોય છે તો તેના સપનાનો પ્રભાવ ઘટી જાય છે. પછી તેનું જોશ પણ ઘટી જાય છે. આવો જ એક બીજો સ્ટ્રગલર હોય છે શ્રીમંત નબીરો. તેનામાં પણ અભિનેતા બનવા માટે એવું જોશ હોતું નથી, જેવું આને માટે હોવું જોઈએ, પરંતુ પોતાના પિતાના પૈસા તેને એક વખત મુંબઈનું ચક્કર લગાવી જ દેતું હોય છે.
તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નાના સ્તરના લોકો સાથે મૈત્રી કરતો હોય છે અને તેમની પાછળ પૈસાનો ખર્ચ કરતો હોય છે. તે આસિસ્ટન્ટ દિગ્દર્શકો સાથે દોસ્તી કરે છે. તેમને શરાબનું સેવન કરાવે છે. તેમના અનુભવો સાંભળે છે અને પછી તે એક દિવસ તેમના સંભળાવેલા અનુભવોને પોતાના અનુભવો સમજીને પાછો ફરી જાય છે. બાપ કોઈ શ્રીમંતની દીકરી સાથે તેના લગ્ન કરાવી દે છે. તે પોતાની ગૃહસ્થી વસાવી લે છે અને પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કાયમ માટે એક હોનહાર અભિનેતાથી વંચિત રહી
જાય છે. – શબ્દાંકન: વિપુલ વૈદ્ય