ઉત્સવ

અહંકાર કોરાણે મૂકો તો જ કોઈ સાથે સાચો સંવાદ સંધાય

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

એક જૂના મિત્રનો વર્ષો પછી અચાનક કોલ આવ્યો. એ યુવાન હતો ત્યારે તે સંઘર્ષ કરતો હતો. હવે આર્થિક રીતે ખૂબ જ સફળ થઈ ગયો છે. બંગલો ખરીદયો એ નિમિત્તે એણે જૂના મિત્રોને યાદ કરીને એક પાર્ટીનું આયોજન કર્યું હતું. એણે મને પણ આમંત્રણ આપ્યું. એની સાથે મારે ક્યારેક-ક્યારેક ફોન પર વાત થતી રહેતી હોય છે એટલે મને ખબર હતી કે એ સફળ બિઝનેસમેન બની ગયો છે. હું ઉમળકાભેર એની પાર્ટીમાં ગયો. એણે બધા આમંત્રિતોને હરખભેર પોતાનો બંગલો બતાવ્યો. અમે થોડા કલાક એના બંગલામાં વિતાવ્યા. એ દરમિયાન એણે અમને અનેક વાર કહ્યું : ‘આ તમારો જ બંગલો છે એમ માનજો. ગમે ત્યારે તમે આવી શકો છો. હું ભલે અહીં સુધી પહોંચ્યો હાઉં, પણ આજેય મારા મનમાં સહેજ પણ અભિમાન નથી….’ એ મિત્ર શબ્દો તો સરસ મજાના કહી રહ્યો હતો, પણ એની બોડી લેન્ગવેજ કશુંક અલગ જ કહી રહી હતી. અમને સમજાઈ રહ્યું હતું કે ખૂબ પૈસા કમાયો એનું અભિમાન એના મન પર સવાર થઈ ગયું છે.

અમે બે – ત્રણ મિત્ર પેલા દોસ્તના બંગલેથી નીકળ્યા એ સાથે એક આખાબોલા મિત્રએ આક્રોશ વ્યકત કર્યો : ‘આના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે. પોતે બંગલાનો માલિક થઈ ગયો છે અને આપણે એનાથી પાછળ રહી ગયા એ વાત એણે એક ડઝન વાર યાદ કરાવી દીધી! પોતે એ વાત ભૂલી ગયો કે એને ઘર ચલાવવાના ફાંફાં હતા ત્યારે આપણે એને પૈસા આપતા હતા ત્યારે એણે આપણી પાસે હાથ લંબાવવો પડતો હતો અને અત્યારે એ આપણને બતાવી રહ્યો છે કે જુઓ, હું ક્યાં પહોચી ગયો અને તમે હતા ત્યાં ને ત્યાં જ છો!’

મેં આ મિત્રને શાંત પાડવાની કોશિશ કરી : ‘એના હિસાબે એનો બંગલો સર્વસ્વ છે અને એ એની સફળતાનું પ્રતીક પણ છે. આ તબક્કે એના માટે બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ કરતાં એનો બંગલો વધુ મહત્ત્વનો છે! અને એનામાં અહંકાર આવી ગયો હોય તો આપણે એના પ્રત્યે ગુસ્સો રાખવાને બદલે આપણા મનમાં કરુણા રાખવી જોઈએ…’ એ પછી મેં એને સોક્રેટિસના જીવનનો એક કિસ્સો કહ્યો.

એક વખત એથેન્સનો એક અત્યંત શ્રીમંત માણસ સોક્રેટિસ પાસે ગયો. એ ભવ્ય મહેલમાં રહેતો હતો. સમ્રાટનો અંગત મિત્ર પણ હતો એટલે એનામાં ખૂબ જ અહંકાર હતો. એ અહંકારી શ્રીમંત સોક્રેટિસ પાસે ગયો ત્યાર એના આડંબર- ભર્યા શબ્દો ને બોડી લેન્ગ્વેજ-દૈહિક હાવભાવથી સોક્રેટિસને સમજાઈ ગયું કે આ માણસના મનમાં ભારોભાર અહંકાર છે. સોક્રેટિસે થોડીવાર તો એ માણસ સાથે વાત કરી – સાંભળી પછી કહ્યું : ‘થોભો, મને લાગે છે કે આપણે પહેલા એક અત્યંત જરૂરી કોયડો છે એનો ઉકેલ લાવવો પડશે એ પછી જ હું તમારી સાથે આગળ વાત કરી શકીશ..’
સોક્રેટિસે બાજુમાં ઊભેલા એક શિષ્યને કહ્યું : ‘ભાઈ, હમણાં જ દુનિયાનો નકશો લઈ આવ’

પેલા અહંકારી શ્રીમંતને આશ્ર્ચર્ય થયું કે અચાનક એવું શું બન્યું કે સોક્રેટિસે દુનિયાનો નકશો માગવો પડ્યો.

થોડીવારમાં સોક્રેટિસનો શિષ્ય દુનિયાનો નકશો લઈ આવ્યો. સોક્રેટિસે નકશો પાથરીને પેલા અહંકારી શ્રીમંતને પૂછ્યું: ‘દુનિયાના આ નકશામાં આપણો દેશ કેવડો છે?’

શ્રીમંતને કંઈ સમજાયું નહીં, પરંતુ એણે કહ્યું,: ‘નકશામાં તો આપણો દેશ નાની અમસ્તી જગ્યારૂપ જ હોય ને!’
સોક્રેટિસે કહ્યું : ‘અને આપણું એથેન્સ?’

પેલા શ્રીમંતે કહ્યું : ‘દુનિયાના નકશામાં એ તો એક નાનકડું ટપકું જ હોયને’
સોક્રેટિસે વેધક નજરે પેલા સામે જોઈને પૂછ્યું: ‘તમારો મહેલ કેટલો વિશાળ છે? અને એમાં તમારું સ્થાન ક્યાં છે એ મને જરા બતાવશો?’
શ્રીમંત માણસ સહેજ શરમાયો.

સોક્રેટિસે આગળ કહ્યું : ‘જો ભાઈ,આ નકશો તો કેવળ આપણી પૃથ્વીનો જ છે અને પૃથ્વી પણ બ્રહ્માંડની વિસાતમાં એક ટપકું પણ નથી. પૃથ્વી કરતાં સૂર્ય કેટલા ગણો મોટો છે અને આપણો સૂર્ય તો એક સામાન્ય ગ્રહ છે. બ્રહ્માંડમાં એના કરતાં લાખો ગણા મોટા સૂર્યો છે…. જરા વિચારી જુઓ કે આપણા સૂર્યમંડળનો નકશો બનાવીએ તો આપણી પૃથ્વી કેવડી હશે? અને આપણું સૂર્યમંડળ તો નાનકડું સૂર્યમંડળ છે. આવા તો લાખો સૂર્યમંડળ છે. આપણી આકાશગંગામાં તો કેટલાંય સૂર્યમંડળ છે. જો માત્ર આપણી આકાશગંગાનો નકશો બનાવીએ તો એ પૃથ્વી એ નકશામાં ક્યાં અને કેવડી હશે? અને આવી તો કરોડો આકાશગંગા છે સમગ્ર બ્રહ્માંડમાં… તો સમગ્ર બ્રહ્માંડના નકશામાં આપણું સૂર્યમંડળ ક્યાં હશે અને આપણો સૂર્ય કેટલો ગણાય ને તો પછી પૃથ્વી કેટલી મોટી ગણાય અને ક્યાં આપણો દેશ ગણાય ક્યાં એથેન્સ ગણાય? અને એમાં તમારા મહેલનું અસ્તિત્વ શું ને તમારું પોતાનું અસ્તિત્વ શું?’

પેલો ધનિક શ્રીમંત કદાચ આપણા ફાઇવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજાઓ જેટલો અહંકારી નહીં હોય- જડ નહીં હોય એટલે એનો અહંકાર ઓગળી ગયો. એણે ક્ષોભ સાથે સોક્રેટિસને કહ્યું: ‘હું તમારી વાત સમજી ગયો, પરંતુ આ નકશાથી સમજાવાની શું જરૂર હતી?’

સોક્રેટિસે જવાબ આપ્યો : ‘તમને આ સમજાવવું જરૂરી હતું, કારણ કે તમે આ સમજો નહીં ત્યાં સુધી આપણી વચ્ચે સંવાદની કોઈ શક્યતા જ નહોતી. તમે મારો સમય બગાડ્યો હોત અને મેં તમારો સમય બગાડ્યો હોત. હવે તમને આ વાત સમજાઈ ગઈ છે તો આપણી વચ્ચે સંવાદ થવાની શક્યતા છે. તમે તમારા અહંકારને બાજુ પર રાખી શકો તો કોઈની સાથે સાચો સંવાદ કરી
શકો.’

દરેક માણસે આ વાત જીવનમાં ઉતારવા
જેવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button