સર્વર ડાઉન: સિસ્ટમ બ્લોક ને યુઝર્સ હેંગ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
વર્ષ ૨૦૨૪ પાસેથી આમ તો દરેક વ્યક્તિને ઘણી સારી આશા હોય છે એ સમજી શકાય. ટેકનોલોજીની દુનિયામાં પણ અફાટ સમુદ્ર જેવડી આશાઓનાં મોજાં ઉછળે એવું દરેક કંપની ઈચ્છતી હોય છે, પણ આ તો ટેકનોલોજી છે. મશીન છે- બગડે પણ ખરા!
જો કે કયારેક ટેકનોલોજી ખોટકાય ત્યારે દુનિયાના કરોડો મોબાઈલ-લેપટોપ થીજી જાય… હમણાં આ ૫ માર્ચના આવું જ થયું. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વર ક્નેક્ટિવિટીમાં જોરદાર ભંગાણ પડ્યું. કરોડો મોબાઈલ યુઝર્સે પોતાના મોબાઈલ રાતોરાત અપડેટ કરી નાંખ્યા. કેટલાકે તો આખી એપ્લિકેશન અનઈન્સ્ટોલ કરીને ફરી ઈન્સ્ટોલ કરી, પણ જ્યાં એનામાં કોઈ જીવ જ ન હોય તો એમ થોડી કોઈ શરીર કામ કરે?
આવું જ બન્યું ફેસબુક અને ઈન્સ્ટા. સાથે. સતત દોઢ કલાક સુધી સર્વર ડાઉન કે બ્રેક ડાઉન થતા ભલભલા રીતસરના અકળાઈ ગયા. થોડા સમય માટે કેટ્લીય કંપનીને સોશિયલ મીડિયામાંથી સંન્યાસ કેવો હોય એનો સાક્ષાત્કાર થઈ ગયો.. આમ તો આવું થતું રહે. આ કોઈ મોટી વાત નથી, પણ એક આખા રિજિયનમાં કંપનીની તમામ સર્વિસ પર સજ્જડ બ્રેક લાગી જાય એ મોટી વાત છે. એને ધ્યાનમાં રાખીને ચાલો, સમજીએ કે સર્વસ ડાઉનનો આ ડખો છે શું?
સૌથી પહેલાં તો એ વાત કે જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એ તમામ ક્લાયન્ટ સાઈડ આઉટપુટ એપ છે, જેમાં માત્ર એક લોગઈન થકી જુદી જુદી સર્વિસ સુધી પહોંચી શકાય છે. આમાં પાસવર્ડથી લઈ પ્રોફાઈલ પિક્ચર સુધી જે કંઈ અપલોડ કરો છો એ તમામ કંપનીના કરોડો રૂપિયાથી ખરીદેલા સર્વસમાં સ્ટોર થાય છે. એ પણ ચોક્કસ ફોર્મેટમાં. માત્ર સોશિયલ મીડિયાની વાત નથી. ઘણી વખત બૅંકમાં જતા હો ત્યાં પણ એ વાત કાને અથડાય છે કે, ‘સર્વર ડાઉન છે’ અથવા ‘સ્લો’ છે. સર્વરમાં એક રેક સિસ્ટમ હોય છે,જેમાં ઘણા બધા વાયર ક્નેક્ટ હોય છે. દેખાવમાં જૂના વીસીઆર સિસ્ટમ જેવા દેખાતા આ રેકમાં તે એવી રીતે ક્નેક્ટેડ હોય છે કે, કોઈ પણ એપ્સ કે ક્લાયન્ટ એને સેવિંગ સિવાય એક્સેસ કરી શકતો નથી. બ્રાઉઝર કે એપ્લિકેશનથી જે કોઈ સર્વિસ એક્સેસ કરવામાં આવે છે એ જે તે સર્વરની રિક્વેસ્ટ પ્રોસેસથી પાસ થાય છે.
પછી ઈન્ટરનેટના માધ્યમ પર ફાસ્ટ પ્રોસેસિંગ થકી આ સર્વિસ ક્લાયન્ટને યોગ્ય રીતે મળે છે. આઈપી એડ્રેસથી સર્વસને એ રિક્વેસ્ટ કે સર્વિસ અંગેની વિગત મળે છે. પછી સર્વર એને પ્રોસેસ કરી વસ્તુ પહોંચાડે છે.
સર્વર કોઈ એક સિસ્ટમ નહીં, પણ રૂમ જેવડા મોટા કદના હોય છે. એની સેવિંગ ક્ષમતા ૩૨ જીબીથી ચાલું થાય છે. હવે એવું પણ શક્ય છે કે, તમારું ઈન્ટરનેટ બેસ્ટ સ્પીડથી દોડે છે. પણ સર્વર સાઈડથી એને કોઈ ક્નેક્શન મળતું નથી. એના કારણે જે તે એપ્લિક્ેશન મન ફાવે એમ વર્ક કરે છે.
ઉદાહરણ તરીકે ૫ માર્ચે જે ફેસબુકનું સર્વર ડાઉન થયું એમાં મોટાભાગના લોકોના એકાઉન્ટમાંથી ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયું. એમાંય કેટલાકને તો પાસવર્ડ યાદ ન હતા એટલે વળી નવી પ્રોફાઈલ બનાવવી પડી…ઘણી વાર એવું પણ બને છે કે, સર્વરમાં સ્ટોરેજ મુવમેન્ટમાં ખામી ઊભી થાય તો સર્વર સ્લો થઈ જાય છે. સર્વરનું કામ સર્વિસ આપવાનું હોય છે. જે ખરા અર્થમાં એક હાર્ડવેર અને સોફટવેર પ્રોગ્રામથી સંચાલિત થાય છે.
મેમરી, પાવર અને સ્પીડના મામલે આ સિસ્ટમ સામાન્ય કોમ્પ્યુટર કરતા ૧૦૦ ગણી તેજીથી કામ કરે છે. વેબસર્વર વેબ સર્વિસ આપે છે.
જ્યારે એપ્લિકેશન સર્વર એપ્લિકેશન આધારિત સર્વિસ આપે છે. ટૂંકમાં એપ્સથી જે કંઈ કરો એ પહેલા કેટલોક ડેટા આ એપ સર્વરમાં સેવ
હોય છે.
પ્રોક્સી સર્વસ ઈન્ટરનેટ અને યુઝર વચ્ચે ગેટ-વે જેવું કામ કરે છે. જ્યારે કોઈ રિકવેસ્ટ આવે છે ત્યારે પ્રોક્સી સર્વરમાં એનું સેમ્પલિંગ થાય છે. વસ્તુ સરળ કરી ઈન્ટરનેટ મારફતે ડેટા લાયબ્રેરી સુધી પહોંચાડવામાં તે મદદ કરે છે.
ડેટાબેઝ સર્વર, જે ઓવરઓલ ઈન્ટરનેટ આર્કિટેક્ચરનું હાર્ટ કહી શકાય. જ્યારે પણ ક્નેક્ટિવિટી તૂટે ત્યારે સૌથી પહેલા ડેટા સિસ્ટમ ચેક કરવામાં આવે છે, જેથી એને સાચવી શકાય. જાણીને નવાઈ લાગશે કે, સર્વર બંધ થઈ જાય કે એની ઈન્ટરનેટ સ્પીડ ઘટી જાય તો પણ કામ ન થાય. ઘણી વખત હાર્ડવેર ફેલ થઈ જાય તો પણ સિસ્ટમ પતી જાય છે તો ઘણી વખત ઓવરડેટા ફેલ થઈ જાય તો પણ આવું બને છે.
આ વખતે જ ફેસબુક ને ઈન્સ્ટા.નું સર્વર ડાઉન થયું ત્યારે આખી દુનિયામાં બધાય
ધંધે લાગી ગયા. હકીકતમાં તો નવરાધૂપ થઈ ગયા. ઈન્સ્ટા.ની પીઆર ટીમે ટ્વીટ કરીને કહેવું પડ્યું કે હા…ઈન્સ્ટા. ડાઉન થયું છે.
ફેસબુકે પણ પોતાના ફેસબુક પેજ પર
પોસ્ટ મૂકી કે, હા, અમને ખબર છે કે,
ફેસબુક એક્સેસ થતું નથી. રૂકાવટ કે લીયે ખેદ હૈ…! પણ આ બધામાં સૌથી વધારે જેને રાજીપો થયો એ હતું ટ્વિટર-આજનું ડ…
એ સમયે ડ-ઓફિશિયલ કહે છે કે, એક જ દિવસમાં ટ્રાફિકની એ ચરમસીમા હતી. ખેર…આ તો કરોડો કિલોમીટર દૂર રહેલા સર્વરની વાત છે, પણ એક એવી ટેકનોલોજી છે, જે દરેક આઈટી કંપનીને પોસાય એમ નથી. કારણ કે, મોઘું
એટલું છે.
મેઈન્ટેનન્સનો ખર્ચો ખિસ્સા ફાડી નાંખે એમ છે. બાકી આપણા સર્ફિંગથી ફેસબુક કરોડોની રેવન્યૂ કમાય છે આ હકીકત છે. જ્યારે એક ટ્વીટથી આપણે ભલે કોઈ લાઈક મળે ન મળે, પણ ટ્વિટરને લાખો મળે છે. આવું કેવી રીતે થાય એની પણ ચર્ચા કરીશું હવે પછીના એપિસોડમાં…
આઉટ ઓફ બોક્સ
સર્વર એક ટેકનોલોજીનું રૂટ છે- મૂળ છે. માણસે પણ પોતાના મૂળ સાથે જોડાયેલું રહેવું જોઈએ. જ્યારે ત્યાંથી એ ડિસક્નેક્ટ થાય છે ત્યારે જ પતન થાય છે.