આ દેશોના 18 લોકોને CAA કાયદા હેઠળ મળી નાગરિકતા, મંત્રી હર્ષ સંઘવીએ કહીં આ મોટી વાત
લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો, 2019 (CAA)નો અમલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. CAA કાનુનનો અમલ થાય તેની સાથે જ ગુજરાત સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલા લોકોને નાગરિકતા પ્રમાણપત્રો આપવાનું શરૂ કર્યું છે. આજે અમદાવાદમાં કલેક્ટર કચેરીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એવોર્ડ કેમ્પમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 18 લોકોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ તમામ લોકોને સંબોધતા કહ્યું હતું, હસો કારણ કે હવે તમે બધા ભારતના નાગરિક છો.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ‘આજે આ તમામ 18 લોકોના ઘરે દિવાળી જેવો માહોલ હશે. ભારતની નાગરિકતા મેળવનારાઓને દેશના મુખ્ય પ્રવાહનો ભાગ બનાવવા સરકાર કટિબધ્ધ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમુદાયના લોકો માટે CAAના અમલીકરણનો વિરોધ કરી રહેલા વિપક્ષી પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા તેમણે વિપક્ષોની ઝાટકણી કાઢતા કહ્યું કે, આ પિડીત લોકોને નાગરિક્તા મળે તે માટે વિરોધ પક્ષો શા માટે વિરોધ કરે છે તે સમજાતું નથી. આપણે આ તમામ લોકોની પીડા સમજવાની જરૂર છે, તેમનો સંઘર્ષ જોવો જરૂરી છે.’
ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે વર્ષ 2017થી 2023 સુધીમાં 1167 લોકોને ભારતીય નાગરિકતા આપી છે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર અને કચ્છના જિલ્લા કલેક્ટરને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા લઘુમતી સમુદાયને ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં 2017 થી 2023 સુધીમાં 1167 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.