અમદાવાદ: કૅપ્ટન હાર્દિક પંડ્યા અને હેડ-કોચ આશિષ નેહરા વચ્ચેની જોડી બે વર્ષથી હજી તો મજબૂત થઈ હતી ત્યાં એ તૂટી ગઈ. 2022માં ગુજરાત ટાઇટન્સે એના પહેલા જ વર્ષમાં ટાઇટલ જીતી લઈને ધમાલ મચાવી દીધી હતી. બીજા વર્ષે (2023માં) આ ટીમ રનર-અપ બની હતી. જોકે બન્યું એવું કે હાર્દિકે ગુજરાત ટાઇટન્સ ટીમને અચાનક જ ગુડબાય કરીને મુંબઈ ઇન્ડિયન્સમાં કમબૅક કર્યું છે અને તેને મુંબઈનો કૅપ્ટન બનાવાયો છે. ગુજરાતનું સુકાન શુભમન ગિલને સોંપાયું છે.
હાર્દિકને રોહિત શર્માના સ્થાને સુકાન સોંપાયું એનો કિસ્સો સાવ જુદો છે, પણ ગુજરાત ટાઇટન્સમાંથી હાર્દિકે વિદાય લીધી એ સંબંધમાં ખુદ નેહરાના ચોંકાવનારા નિવેદનો આવ્યા છે.
નેહરાએ શનિવારે ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મેં હાર્દિકને એક પણ વાર નહોતું કહ્યું કે તું ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને ન જા. પ્લેયર જેમ વધુ રમે એમ તેને અનુભવ મળતો જતો હોય છે. જો તે બીજા કોઈ ફ્રૅન્ચાઇઝીમાં જોડાવાનો હોત તો મેં તેને કદાચ રોક્યો જ હોત. અહીં (ગુજરાત ટાઇટન્સ સાથે) તે બે વર્ષ રહ્યો અને હવે એવી ટીમમાં પાછો ગયો છે જેના વતી અગાઉ તે પાંચથી છ વર્ષ રમી ચૂક્યો છે.’
જોકે નેહરાએ આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓને એક બાબતે ચેતવ્યા હતા કે યુરોપિયન ક્લબ ફુટબૉલમાં સામાન્ય રીતે આવા પ્લેયર્સ-ટ્રાન્સફર થતા હોય છે એટલે ભવિષ્યમાં આઇપીએલમાં આવા (હાર્દિક જેવા) ટ્રાન્સફર જોવા મળી શકે એમ છે એટલે ચેતી જજો.
ટૂંકમાં, હાર્દિક વિશે જે કંઈ કહ્યું એ બાબતમાં નેહરાનો સૂર એવો છે કે જો હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ સિવાય બીજા કોઈ ફ્રૅન્ચાઇઝી સાથે જોડાવાનો હોત તો તેને નેહરાએ જરૂર રોક્યો હોત.
Taboola Feed